ચાણસ્મા તાલુકાના ધિણોજ ગામે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ધનવંતરી શારદોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરકારી સેવામાં નિમણૂક પામેલા કર્મચારીઓ અને અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ધનવંતરી તેજસ્વી વિદ્યાર્થી સહાય ફંડમાં યોગદાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું. આરોગ્યમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ કાર્યક્રમ આરોગ્ય અને શિક્ષણનો સુભગ સમન્વય છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2047ના વિજનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત વિકસિત દેશોની હરોળમાં સ્થાન મેળવશે, જેમાં શિક્ષણની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. તેમણે યુવાનોને 21મી સદીની ટેકનોલોજીમાં નિપુણતા મેળવવા અને વૈશ્વિક પ્રવાહો સાથે કદમ મિલાવવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ ભારતીય યુવાનોની વૈશ્વિક સફળતાઓનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વિશ્વની અનેક મોટી કંપનીઓમાં ભારતીયો CEO તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે યુવાનોને સફળતા માટે ટૂંકા રસ્તાઓથી દૂર રહેવા અને મહેનત તથા આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની સલાહ આપી. સાથે જ સનાતન સંસ્કૃતિના માર્ગે ચાલવાનું આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં પ.પૂ.રાજરાજેશ્વર યોગીજી રૂખડનાથજી મહારાજ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી સહિત અનેક સામાજિક, રાજકીય અને શૈક્ષણિક અગ્રણીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ-બહેનોએ હાજરી આપી હતી.