ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આવતા મહિને યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, બુમરાહની પીઠમાં સોજો છે. આ માટે તેને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેની રિકવરી પર અહીં નજર રાખવામાં આવશે. ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સિડની ટેસ્ટના બીજા દિવસે બુમરાહને પીઠમાં થોડી તકલીફ થઈ હતી, ત્યારબાદ તેને સ્કેન માટે લઈ જવામાં આવ્યો હતો. આ પછી તે મેચમાં બોલિંગ કરી શક્યો ન હતો. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ભારત તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. માર્ચના પ્રથમ સપ્તાહમાં જ સંપૂર્ણ ફિટ થવાની અપેક્ષા
ભારતીય પસંદગીકારોએ શનિવારે મુંબઈમાં ઇંગ્લેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમની પસંદગી કરવા માટે બેઠક યોજી હતી. રિપોર્ટ અનુસાર, આ દરમિયાન તેને બુમરાહની ફિટનેસ વિશે જાણકારી આપવામાં આવી હતી. BCCIના એક સૂત્રના જણાવ્યા અનુસાર, બુમરાહ માર્ચના પ્રથમ સપ્તાહ સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે તેવી અપેક્ષા છે. તે પહેલા તે ત્રણ અઠવાડિયા સુધી NCAમાં રહેશે. સ્વસ્થ થયા પછી પણ, તેણે NCAમાં એક કે બે મેચ રમવી પડશે, પછી ભલે તે પ્રેક્ટિસ મેચ હોય, જે તેની મેચ ફિટનેસ જોવા માટે રમવામાં આવશે. બુમરાહ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર
બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે તાજેતરમાં પૂર્ણ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં સૌથી વધુ 32 વિકેટ લીધી હતી. બુમરાહે આ સિરીઝની 5 મેચમાં 151 ઓવર ફેંકી હતી. આ દરમિયાન તેણે 32 વિકેટ ઝડપી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાતમાં વિલંબ
BCCIએ શનિવારે ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી T-20 સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. એવી અપેક્ષા હતી કે ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત પણ એ જ દિવસે કરવામાં આવશે પરંતુ તેમ થયું નહીં. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમની જાહેરાત કરવાની છેલ્લી તારીખ આજે 12 જાન્યુઆરી છે, પરંતુ BCCIએ ICCને સમયમર્યાદા લંબાવવા માટે કહ્યું છે. 12 ફેબ્રુઆરી સુધી ટીમમાં ફેરફાર કરી શકાશે. પસંદગીકારો વિચારી રહ્યા છે કે શું બુમરાહને 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવે અથવા તેને ટુર્નામેન્ટ માટે રિઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવે. ટીમ ઈન્ડિયા તેની તમામ મેચ દુબઈમાં રમશે
ભારત તેની તમામ મેચ દુબઈમાં જ રમશે, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ પણ ટીમના ગ્રૂપમાં છે. દુબઈમાં જ સેમિફાઈનલ પણ રમાશે. જો ભારત ફાઈનલમાં પહોંચશે તો આ મેચ પણ દુબઈમાં જ યોજાશે. જ્યારે ટુર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં યોજાશે. ચેમ્પિયન્સ ટ્રોફી 8 વર્ષ પછી યોજાવા જઈ રહી છે, છેલ્લી વખત 2017માં પાકિસ્તાને ફાઈનલમાં ભારતને હરાવીને ટાઈટલ જીત્યું હતું. ભારત બાંગ્લાદેશ સામે અભિયાન શરૂ કરશે
ભારત ગ્રૂપ-Aમાં છે. ટીમના ગ્રૂપમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ છે. બીજા ગ્રૂપમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન છે. 4 અને 5 માર્ચે બે સેમિફાઈનલ રમાશે. જ્યારે 9 માર્ચે ફાઈનલ રમાશે.