ભરૂચ શહેરના મુખ્ય માર્ગ પર આવેલા ભારતી પેટ્રોલ પંપની સામે ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. રાત્રે 2 વાગ્યાના સુમારે એક કાર ચાલક મૂળજી ગલચરની ચાની લારી પાસે આવ્યો હતો અને ગેસનો બોટલ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. મૂળજી ગલચર જે ચાની લારી અને ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે,તેઓ ગતરોજ સાંજે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. રાત્રે એક અજાણ્યો શખ્સ ફોરવ્હીલ કાર લઈને આવ્યો હતો અને લારીમાંથી ગેસનો બોટલ ચોરી કરી કારમાં મૂકી ફરાર થઈ ગયો હતો. બીજા દિવસે જ્યારે મૂળજીભાઈ દુકાને આવ્યા ત્યારે ગેસનો બોટલ ગાયબ હતો. તેમણે આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરતા સમગ્ર ઘટના કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી. આ ઘટના અંગે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ચોરને પકડવા માટે કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો બેખોફ બનીને ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.