મોરબી શહેરમાં 22 કરોડના ખર્ચે નિર્માણાધીન પંચાસર રોડ પર કામ પૂર્ણ થયા પહેલાં જ ગાબડાં પડવાના મુદ્દે આજે આમ આદમી પાર્ટી અને સ્થાનિક રહીશોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો. રસ્તાની નબળી ગુણવત્તા સામે રોષ વ્યક્ત કરતાં લોકોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રભારી પંકજ રાણસરિયા અને જિલ્લા પ્રમુખ મહેદેવ પટેલના નેતૃત્વમાં યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. પાર્ટીના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે રસ્તાનું કામ અધૂરું હોવા છતાં તેમાં ગાબડાં પડવા લાગ્યા છે, જે સ્પષ્ટપણે નબળી ગુણવત્તા અને નિર્માણ કાર્યમાં થયેલી બેદરકારી દર્શાવે છે. આંદોલનકારીઓએ ચેતવણી આપી છે કે જો મહાનગરપાલિકા દ્વારા આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મનપા કચેરીએ તાળાબંધી અને ઘેરાવ જેવા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ સ્થાનિક રહીશોએ રસ્તાની ગુણવત્તાના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ સમસ્યાનું નિરાકરણ ન આવતા ફરી આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે.