આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઓળખાતી સ્વામી વિવેકાનંદ જયંતીની ઉજવણી નિમિત્તે સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી રોઝબર્ડ્સ સ્કૂલમાં શ્રી શાશ્વત ફાઉન્ડેશન દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફાઉન્ડેશનના અરૂણ જાધવ, સુરેખાબેન જાધવ, જાધવ ડ્રેસીસના ભાસ્કરભાઈ જાધવ, શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ વાળાકી, આચાર્ય આનંદ ઠાકુર તેમજ વિવેકાનંદ કેન્દ્રના સભ્ય અક્ષયભાઈ સહિત શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ વાળાકીએ વિવેકાનંદજીના જીવન પ્રસંગો દ્વારા જીવનને ઉન્નત બનાવવાની પ્રેરણા આપી હતી. આચાર્ય આનંદ ઠાકુરે વિદ્યાર્થીઓને દરેક કાર્ય ઈમાનદારી અને નિષ્ઠાથી કરવાનો સંદેશ આપ્યો હતો. અરૂણ જાધવે યુવાનોને જીવનનો ધ્યેય નક્કી કરી તેને પ્રાપ્ત કરવા કર્મશીલ બનવા અને સામાજિક-સાંસ્કૃતિક વારસાને આગળ ધપાવવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે શાશ્વત ફાઉન્ડેશન દ્વારા શાળા પરિસરમાં કાર્યક્રમ યોજવાની મંજૂરી આપવા બદલ શાળાના ટ્રસ્ટી રાજેશભાઈ વાળાકીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.