વડનગર ખાતે રૂ. 72 કરોડના ખર્ચે નિર્માણ પામેલા પ્રેરણા સંકુલ પરિસરનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે 16 જાન્યુઆરી 2025ના રોજ કરવામાં આવશે. આ સંકુલ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંની શાળામાં મેળવ્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા વિકસિત કરાયેલું આ સંકુલ વિશ્વનો પ્રથમ અનુભવાત્મક જ્ઞાન-આધારિત શિક્ષણ કેન્દ્ર છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના મૂલ્ય આધારિત શિક્ષણના સિદ્ધાંતને અનુરૂપ, અહીં દર બેચમાં વિવિધ રાજ્યોના 10 જિલ્લાઓમાંથી 20 વિદ્યાર્થીઓ (10 છોકરાઓ અને 10 છોકરીઓ) તથા 10 ગાર્ડિયન શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે. 1888માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના એ જ વર્ગખંડોમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે, જ્યાં એક સમયે વડાપ્રધાન મોદી અભ્યાસ કરતા હતા. અહીં પ્રાચીન ભારતીય જ્ઞાન પરંપરા અને રમતોની સાથે 21મી સદીના કૌશલ્યો જેવા કે લેસર કટિંગ, 3D પ્રિન્ટિંગ અને VFX જેવી આધુનિક તકનીકોનું શિક્ષણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશના 410 જિલ્લાઓના 820 વિદ્યાર્થીઓએ અહીં તાલીમ મેળવી છે. વિદ્યાર્થીઓ વડનગરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને સાંસ્કૃતિક વારસાનું જ્ઞાન મેળવે છે. લોકાર્પણ સમારોહમાં અમિત શાહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સંવાદ કરશે. આ કાર્યક્રમ “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના અને વિવિધતામાં એકતાના સિદ્ધાંતને મજબૂત કરવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરે છે.