પાટણમાં વણકર સમાજની દીકરીઓ માટે રવિવારે એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલ કરવામાં આવી. વીરમાયા સેના પાટણ દ્વારા આયોજિત કાર્યક્રમમાં 11 ગામોની 90 દીકરીઓને સર્વાઇકલ કેન્સર પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ વિનામૂલ્યે આપવામાં આવ્યો હતો. હાસાપુર સ્થિત વણકર સમાજની વાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 135 વણકર સમાજના પરિવારોએ ભાગ લીધો હતો. આ પહેલ પાટીદાર સમાજ સહિત અન્ય સમાજો દ્વારા યોજાતા આવા કાર્યક્રમોથી પ્રેરણા લઈને શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમમાં સમાજના પ્રમુખ દાતાઓમાં ગંગાબેન કાંતિભાઈ સોલંકી (ફિચાલ), ડૉ. કે.પી. સુતરિયા અને મેહુલભાઈ વાઘેલા (બાલીસણા)નો સમાવેશ થાય છે. વીરમાયા સેના પાટણના સેવાભાવી કાર્યકરો મનિષભાઈ સોલંકી, મહેન્દ્રભાઈ પરમાર, અનિલભાઈ પરમાર, જયેશભાઈ મકવાણા અને ઉત્તમભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમાજની દીકરીઓ અને તેમના પરિવારજનોએ આ નિ:શુલ્ક રસીકરણ કાર્યક્રમની પ્રશંસા કરી હતી અને દાતાઓ તેમજ આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.