સુરેન્દ્રનગરમાં ઇન્ડિયન પબ્લિક સ્કૂલ ખાતે બે દિવસીય જિલ્લાકક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ થયો છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં બોલતા જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર કલાકારોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે આવા કાર્યક્રમો કલાકારોની સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં મદદરૂપ થાય છે અને તેમને વધુ સશક્ત બનાવે છે. 13 જાન્યુઆરી સુધી ચાલનારા આ કાર્યક્રમમાં રાસ, ગરબા અને લગ્નગીત સહિત 23 વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક રિદ્ધિ ગુપ્તે, પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એચ.પઠાણ, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ, પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિવિધ વયજૂથના કલાકારોની પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો છે.