10 જાન્યુઆરીના રોજ ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણમાં વપરાતા ચાઈનીઝ દોરી, તુક્કલ સાથે કાચવાળી દોરીનાં ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતો નિર્દેશ આપ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા પણ પતંગ બજારોમાં ચેકિંગ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વડોદરા પોલીસે કાચથી પતંગનો દોરો માંજતા 30થી વધુ કારીગરો-વેપારીઓ પાસેથી 100 કિલોથી વધુ કાચનો પાઉડર અને 50થી વધુ ફિરકીઓ કબજે કરીને પહેલી વખત ગુનો દાખલ કર્યો છે. જ્યારે સુરત પોલીસે છેલ્લા 22 દિવસમાં પ્રતિબંધિત પતંગ-દોરીનું સહિતની વસ્તુઓનું વેચાણ કરતા 59 વેપારી સામે કેસો કરી 58 વ્યક્તિની અટકાયત કરી છે. સુરતમાં સૌથી વધુ અમરોલી-વરાછા પોલીસ મથમાં કેસ
સુરતમાં તા. 21મી ડીસેમ્બર, 2024 થી તા.12મી જાન્યુઆરી, 2025 સુધીમાં શહેરમાં ચાઈનીઝ દોરી, તૂક્કલ, સહિત અન્ય પ્રતિબંધિત વસ્તુઓ વેચાણ કે સંગ્રહ કરનાર વ્યક્તિઓ પર વોચ રાખીને સ્થાનિક અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં મળી કુલ 59 કેસો કરીને 58 વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલા આ કેસમાં સૌથી વધુ અમરોલી અને વરાછા પોલીસ સ્ટેશનમાં 8-8 કેસો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 6 કેસ, કાપોદ્રા અને ખટોદરામાં 5-5 કેસો, જ્યારે પુણા, પાલ, જહાંગીરપુરા, ઉત્રાણ અને સિંગણપોરમાં 2-2 કેસો મળી કુલ 23 પોલીસ સ્ટેશનમાં 59 કેસો કરવામાં આવ્યા હતા. 24 પોલીસ સ્ટેશનોમાં 59 લોકો સામે ગુનો નોંધાયો
આજરોજ (12 જાન્યુઆરી) ડભોલી સિંગનપોર પોલીસે પ્રતિબંધિત પતંગની દોરી વેચતા 4 શખ્સોને ઝડપી પાડયા છે. ડભોલી પોલીસ દ્વારા 7 ફિરકી તેમજ દોરી બનાવવામાં વપરાતી સામગ્રી મળી 2700 રૂપિયાના મુદામાલને જપ્ત કરી ગુનો નોંધ્યો છે. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી તેમજ ઉત્પાદન કરેલ ચાઈનીઝ બોબીન 152, કાચનો ભુક્કો 18,600 કિગ્રા, ફિરકી નંગ 17, એક બાઈક તેમજ 250 ચાઈનીઝ તુક્કલ મળી કુલ કિંમત રૂ. 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આમ, સુરત શહેર પોલીસે સ્થાનિક 24 પોલીસ સ્ટેશનોમાં કુલ 59 કેસો કરી 58 આરોપીની અટકાયત કરીને દોઢ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વડોદરામાં પહેલીવાર 30 સામે ગુનો નોંધાયો
વડોદરા પોલીસ કમિશનર દ્વારા મકરસંક્રાતિના જાહેરનામા અનુસાર અમલવારી કરવા માટે શહેર પોલીસને સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત શહેર પોલીસે પેટ્રોલિંગ કરીને છેલ્લા એક સપ્તાહમાં પતંગ બજારો અને પતંગની દોરી ઘસતા કારીગરોને ત્યાં તપાસ કરીને 5 હજારથી વધુ તુક્કલ અને 65 કિલોથી વધુ કાચનો પાવડર કબજે કર્યો હતો. જેમાં પહેલી વખત પતંગનો દોરો કાચથી રંગતા 30 કારીગર-વેપારીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કાચથી માંજેલી દોરી અને ચાઇનીસ દોરીથી નાગરિકો અને મૂંગા પક્ષીઓનો જીવ જવાની ઘટનાઓ વધવાને કારણે વધુ તિક્ષ્ણતા ધરાવતી કાચના પાઉડરથી માંજેલી દોરી પર પ્રતિબંધ લગાવાયો છે. આરોપીઓનાં નામ પાટણમાં કાચ પાવડરથી પાયેલી દોરી મળતા બે સામે ગુનો
પાટણ પોલીસે જનતા હોસ્પિટલ વિસ્તારમાં આવેલા બે અલગ-અલગ પતંગ સ્ટોર્સમાં દરોડા પાડ્યા હતા. પ્રથમ દરોડો ચામુંડા પતંગ સ્ટોરમાં પાડવામાં આવ્યો, જ્યાં દુકાનના સંચાલક અલ્પેશ રાયમલભાઇ પટણી (કપટીયાવાળા) પાસેથી 500 ગ્રામ કાચનો પાવડર અને કાચથી પાયેલી એક ફિરકી જપ્ત કરવામાં આવી હતી. આ ફિરકીમાં લગભગ 200 વાર દોરી હતી, જેની કિંમત રૂ. 200 આંકવામાં આવી છે. બીજો દરોડો મામા-ભાણેજના પતંગ સ્ટોરમાં પાડવામાં આવ્યો, જ્યાંથી વધુ 500 ગ્રામ કાચનો પાવડર અને રૂ.350ની કિંમતની કાચ પાયેલી ફિરકી જપ્ત કરવામાં આવી. આ દુકાનના સંચાલક રાકેશ પટ્ટણી સામે પણ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસની આ કાર્યવાહી દર્શાવે છે કે, હવે માત્ર ચાઇનીઝ દોરી જ નહીં, પરંતુ તેને બનાવવા માટે વપરાતા કાચના પાવડર જેવી વસ્તુઓ પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે. આ પ્રકારની દોરીઓથી માનવ જીવન અને પશુ-પક્ષીઓને થતા નુકસાનને રોકવા માટે આ કાર્યવાહી મહત્વપૂર્ણ છે. કાચના માંજાથી બનેલી દોરીથી લઇને પતંગ પકડવા માટે રોડ પર દોડવા પર પણ પ્રતિબંધ
કોઈ વ્યક્તિએ જાનનું જોખમ થાય એ રીતે માર્ગ, રસ્તા, ફૂટપાથ કે ભયજનક ધાબે પતંગ ઉડાવવા પર પ્રતિબંધ છે. ખૂબ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. પતંગ પર કોમી લાગણી દુભાય તેવા લખાણ પર પ્રતિબંધ છે. કપાયેલા પતંગો પકડવા વાંસના બામ્બુ, લોખંડના કે ધાતુના તાર લંગર નાંખવા રસ્તા ઉપર દોડાદોડી કરવા પર, ટેલિફોન કે ઇલેક્ટ્રિકનાં તારમાં ભરાયેલ પતંગ કાઢવા લંગર નાંખવા પર પ્રતિબંધ છે. ટ્રાફિકને અવરોધ ઊભો થાય એ રીતે ઘાસચારાના વેચાણ પર, રસ્તાઓ પર પશુઓને ચારો નાખવા પર પ્રતિબંધ છે. પાકા સિંથેટીક મટિરીયલ, ટોકસ્ટીક, મટિરીયલ, લોખંડ પાઉડર, કાચ તથા અન્ય હાનિકારક પદાર્થ પદાર્થનો ઉપયોગ કરી તૈયાર કરેલી નોન બાયો ડિગ્રેડેબલ નાયલોન ચાઇનીસ માંજાનાં પાકા દોરા પર પ્રતિબંધ છે. ચાઇનીસ દોરી, લોંચર, ચાઇનીસ તુક્કલનો જથ્થાબંધ વેપાર તથા આયાત કરી ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર ઉડાવવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું 16 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.