અમદાવાદ શહેરમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં 20 વર્ષીય યુવતી કે જે 7 મહિનાની ગર્ભવતી હતી. તેને એક દુર્લભ સમસ્યા સર્જાતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. ઇમરજન્સી વિભાગમાં નાના આંતરડામાં સમસ્યાના લક્ષણો સાથે યુવતીને તેના સંબંધીઓ દ્વારા ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. આ મહિલા દર્દી અગાઉ અન્ય હોસ્પિટલમાં દાખલ હતા, પરંતુ ગર્ભવતી હોવાના કારણે સીટી સ્કેન અને એક્સ-રે કરાવી શક્યા ન હતા, પરંતુ ગર્ભવતી મહિલાના MRI દ્વારા નાના આંતરડાના અવરોધની જાણ થઈ હતી. ગર્ભ મૃત્યુ પામે અથવા કસૂવાવડની શક્યતાઓ હતી
આ કેસની જટિલતાને કારણે દર્દીને care and cure multi speciality hospitalના ગેસ્ટ્રો સર્જરી ડીપાર્ટમેન્ટના ડોક્ટર જેનિત ગાંધી દ્વારા નિદાન અને સારવાર કરવામાં આવી હતી. તદુપરાંત ગાયનેકોલોજિસ્ટ ડૉ.પરેશ શાહ, નિયોનેટોલોજિસ્ટ અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ.નૈમિષ ચાવડા સાથે સંપૂર્ણ ચર્ચા કર્યા બાદ તબીબોની ટીમ દ્વારા ગર્ભવતી મહિલાના સંબંધીઓને જાણ કરવામાં આવી હતી કે, ઓપરેશન દરમિયાન માતા અથવા ગર્ભ મૃત્યુ પામે અથવા કસૂવાવડ થવાની શક્યતાઓ છે. જટીલ ઓપરેશન થકી બંનેને બચાવી લેવાયા
તબીબોની ટીમને ગર્ભવતી યુવતીના ઓપરેશન દરમિયાન ખબર પડી કે આંતરડા યોગ્ય રીતે ગોઠવાયેલા નથી, જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિઓમાંની એક malrotation of gut તરીકે ઓળખાય છે અને જે ભાગ્યે જ જોવા મળે છે. તબીબો માટે માતા અને ભ્રૂણ બંનેને બચાવવા એ એક પડકારજનક કાર્ય હતું. છતાં પણ ડોક્ટર જેનિત ગાંધી તથા એનેસ્થેટિસ્ટ ડૉ. અંકિત શાહ દ્વારા ઓપરેશન કરીને આંતરડાના ખરાબ ભાગ કાપીને આંતરડા જોડવામાં આવ્યા હતા. ભાગ્યે જ જોવા મળતી સ્થિતિમાં આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે, પરંતુ તબીબો દ્વારા માતા અને બાળકને બચાવી લેવામાં આવ્યા હતા બંને હાલમાં સ્વસ્થ છે.