દુનિયાનું બીજા નંબરનું તથા એશિયાનું પહેલા નંબરનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ એટલે અલંગ. જહાજોનું કબ્રસ્તાન ગણાતું અલંગ હાલ 41 વર્ષના ઇતિહાસની સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યું છે. જેને પગલે શ્રમિકોની રોજગારી પર પણ સંકટ ઉભું થયું છે અને ભૂખ્યા રહેવું પડે એવી સ્થિતિ પણ ઉભી થઈ છે. પડી ભાંગવાના આરે આવી ગયેલા અલંગશિપ બ્રેકિંગ યાર્ડની સ્થિતિ જાણવા માટે દિવ્ય ભાસ્કર અંલગ પહોંચ્યું હતું. જેમાં શિપ બ્રેકિંગ યાર્ડમાં ચાલી રહેલી મંદીના કારણો, મજૂર અને વેપારીઓની વેદના, ભાવનગર માટે અલંગનું મહત્વ, અહીંના કામકાજ અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. 14 કિમી લાંબા સમુદ્રી વિસ્તારમાં ફેલાયેલું છે શિપ બ્રેકિંગ યાર્ડ
ભારતની કોસ્ટલ લાઈન લગભગ 8 હજાર કિમી લાંબી છે. જેમાં ગુજરાત સૌથી 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. ભાવનગર પાસે આવેલી ખંભાતની ખાડી અલંગમાં 14 કિમી લાંબા સમુદ્રી તટીય વિસ્તારમાં એશિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ ફેલાયેલું છે. આ શિપ બ્રેકિંગ યાર્ડની સ્થાપના વર્ષ 1983માં થઈ હતી. ભાવનગરથી અલંગ 50 કિમી દૂર આવેલું છે 1 કલાકમાં ભાવનગરથી અલંગ પહોંચી શકાય છે. 151માંથી 25-30 પ્લોટમાં જહાજ ભંગાવવા આવી રહ્યા છે
અલંગમાં 151 જેટલા પ્લોટ પર જહાજ ભંગાવવા આવે છે. જેમાં હાલ 131 જેટલા પ્લોટ કાર્યરત છે, તેમાંથી પણ 25 થી 30 પ્લોટ પર જ જહાજ આવી રહ્યા છે. અત્યારે અલંગમાં માંડ 35 જેટલા જહાજનું કટીંગ ચાલી રહ્યું છે. અહીં આવતા જહાજોમાં ક્રૂઝ, પેસેન્જર શિપ્સ અને ટ્રાન્સપોર્ટ શિપ્સનો સમાવેશ થાય છે. ઇન્ડિયન નેવીનું INS વિરાટ વર્ષ 2017માં સેવા નિવૃત્ત થતા અલંગના શ્રી રામ ગ્રુપે નિલામીમાં ₹38.54 કરોડમાં ખરીદ્યુ હતું અને અહીં અલંગ શિપ બ્રેકીંગ યાર્ડમાં ભાંગવામાં આવ્યું હતું. સેકન્ડ હેન્ડ સામાનના વેપારીઓ ગ્રાહકોની રાહમાં
દિવ્ય ભાસ્કરની ટીમ અલંગ પહોંચી ત્યારે અલંગના રસ્તાઓ સૂમસામ ભાસતા હતા. જહાજમાંથી નીકળતા સેકન્ડ હેન્ડ સામાનના વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યા હતા. અલંગમાં એન્ટર થતા અહીં લાઈનસર અલગ અલગ વેપારીઓની પ્લોટ નંબર મુજબ વેચાતી સેકન્ડ હેન્ડ વસ્તુઓના પ્લોટ નજરે પડ્યા. દરિયાઈ પ્લોટ નજીક જતા ગણ્યા ગાંઠ્યા શ્રમિક કિટલીએ ચા પીતા હતા. 2-3 મહીના અગાઉ કરાયેલા ડિમોલિશનનો કાટમાળ રસ્તાની બન્ને બાજુએ પડ્યો હતો. આ ડિમોલિશનથી સૌથી વધુ અસર અહીંના શ્રમિકોને થઈ છે. તેજી આવશે એવું સાંભળીએ છીએ પણ આવતી નથી: વેપારી
અલંગમાં પાઈપ અને સર્કલનો વ્યાપાર કરતા યુપીના ડી.કે.સિંહ નામના વેપારીએ ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, હું 2010થી અલંગમાં વ્યવસાય કરું છું. 2010થી 2014 સુધી જબરદસ્ત તેજી હતી. લાખો મજૂરો રોજગારી મેળવતા હતા. અલંગથી ભાવનગર જિલ્લો વિકસિત થયો છે અને હાલમાં પણ અલંગ ઉપર જ ભાવનગર જિલ્લો ચાલે છે.ડિમોલિશનના કારણે મોટા ભાગના મજૂરો પલાયન કરી ગયા છે. 3-4 વર્ષથી સાંભળીએ છીએ કે અલંગમાં હવે તેજી આવશે. પરંતુ તેજી આવતી નથી. ‘જ્યાં સુધી ડોલર સ્થિર નહીં થાય ત્યાં સુધી મંદી રહે તેમ લાગે છે’
મૂળ ઝારખંડના નારાયણ કુમારસિંહ નામના વેપારીએ વ્યથા ઠાલવતા કહ્યું, હું 2002થી અલંગમાં વેપારમાં કરું છું. જહાજમાંથી નીકળતા સામાન અમે સેકન્ડ હેન્ડ રેટમાં વેચીએ છીએ. અત્યારે અલંગમાં મંદીનો જે માહોલ છે તેવો માહોલ મેં મારા જીવનમાં ક્યારેય નથી જોયો.જ્યાં સુધી ડોલર સ્થિર નહીં થાય ત્યાં સુધી અલંગમાં મંદી યથાવત રહે તેવું લાગી રહ્યું છે. પહેલા પણ અલંગમાં મંદી આવી છે પરંતુ તે મંદીના સમયે પણ માલ વેચાતો હતો હાલમાં તો માલ આવી પણ નથી રહ્યો અને વેચાઈ પણ નથી રહ્યો. SRIA (શિપ રિસાઇકલિંગ ઈન્ડસ્ટ્રીસ એસોસિએશન)નું કામ ગુજરાત અને કેન્દ્ર સરકાર સાથે રહી આ ઇન્ડસ્ટ્રીઝ વધુ ગ્રોથ કરી શકે અને સારા એવા એન્વાયર્નમેન્ટ તથા સેફ્ટી સાથે ચાલી શકે, સાથે જ શ્રમિકોને સારી એવી સુવિધાઓ મળી રહે તે માટે કામ કરે છે. 2024માં સૌથી ઓછા જહાજ અલંગમાં આવ્યા:SRIAના સેક્રેટરી
SRIAના સેક્રેટરી હરેશ પરમારે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, 10 વર્ષના આંકડા જોઇએ તો 2024માં સૌથી ઓછા જહાજ અલંગમાં આવ્યા છે. મુખ્ય કારણ અમારી ઉપર જે (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ) BISનો કાયદો લાગેલો છે તે છે. પહેલા અમે શિપની પ્લેટમાંથી TMTનો સળીયો ડાયરેક્ટ બનાવી શકતા હતા હવે આ TMT સળીયા શિપની પ્લેટમાંથી ન બનાવી શકવાને કારણે વધારે હાલાકી પડી રહી છે. જેના કારણે અમે શિપના રેટ જે પહેલા પાકિસ્તાન કે બાંગ્લાદેશની સરખામણીમાં આપી શકતા હતા તે હવે આપી શકતા નથી. ‘TMTના સળીયા બનતા થઈ જાય તો 15-20 ડોલર બચી શકે’
તેઓ આગળ કહે છે,જો શિપની પ્લેટોમાંથી TMT(થર્મો મિકેનિકલી ટ્રિટેડ)ના સળીયા બનતા થઈ જાય તો વેપારીને નુકસાન ઓછું થાય અને 15-20 ડોલર બચી શકે. અત્યારે પ્લેટો મેલ્ટીંગ સ્ક્રેપમાં જાય છે જેમાં એક પ્લેટનો ખર્ચ 3-4 રુપિયા મેલ્ટીંગમાં જાય છે પછી રૂ.5થી 6 ખર્ચ પ્લેટો ઓગાળીને બ્લેડ બનાવવામાં થાય છે. જેથી અમારો રૂ.8-9 નો ખર્ચ વધી જાય છે એટલે અમારી મોટા ભાગની પ્લેટો સ્ક્રેપમાં જાય છે. આ સિવાય 2024માં જહાજ ઓછા આવવાનું મુખ્ય કારણ રેડ-સી ક્રાઈસિસ, ઈઝરાયલ યુદ્ધ, યુક્રેન-રશિયાના યુદ્ધના કારણે પણ જહાજો ઓછા આવ્યા છે. BISના કાયદા અંગે અમે સરકારમાં રજૂઆત કરી છે. શિપ રિસાઇકલિંગ ઈન્ડસ્ટ્રી શિપિંગ મિનિસ્ટ્રી હેઠળ આવતી ઇન્ડસ્ટ્રી છે અને અમારી નોડલ એજન્સી GMB (ગુજરાત મેરીટાઈમ બોર્ડ) છે. આ બન્ને અલંગને સતત ધમધમતું રાખવા સતત પ્રયત્નશીલ છે. SRIA અને વેપારીઓનું કહેવું છે કે અહીં આવતા જહાજો 70-80 વર્ષ જુના હોય છે. જેથી જહાજોના પ્લેટોની હીસ્ટ્રી કાઢવી અશક્ય છે. અલંગમાં BISની ટીમ આવીને પરીક્ષણો કરી ગઈ છે અને લેબોરેટરીમાં જહાજની પ્લેટો સૌથી સારી સાબિત પણ થયેલી છે. અમારા શીપની પ્લેટ સૌથી બેસ્ટ મટીરીયલની હોવા છતા અમને સળીયો બનાવવાની મંજૂરી નથી અપાતી. શું છે BISનો કાયદો?
BISનું કહેવું છે કે તમે જે શિપની પ્લેટોમાંથી સળીયા બનાવો છો તેની હીસ્ટ્રી જોઈએ જેથી જાણી શકાય કે તે પ્લેટમાં કઈ કઈ ધાતુનો કેટલા ટકા ઉપયોગ થયો છે. BISના કાયદા મુજબ TMTના સળીયામાં મેગેનિઝ, ફોસ્ફરસ જેવી કેટલીક ધાતુનું પ્રમાણ નિશ્ચિત ટકાવારી મુજબ હોવું જોઈએ. જેથી ધરતીકંપ આવે ત્યારે સળીયા ભાંગી ન જાય અને બિંલ્ડીગ પડી ન જાય. સરકારે સ્ટેપ બાય સ્ટેપ BISનો કાયદો લાગુ કર્યો
SRIAના સેક્રેટરીએ જણાવ્યા મુજબ સરકાર ગુણવત્તાયુક્ત ઉત્પાદનો બનાવવા પર ભાર મુકે છે. જેના કારણે સરકારે અલંગમાં જહાજો માટે વર્ષ 2014થી સ્ટેપ બાય સ્ટેપ BISનો કાયદો લાગુ કર્યો. અહીં જહાજ તોડ્યા બાદ ભારે માત્રામાં સ્ટીલ નીકળે છે. જેમાં સૌથી પહેલા જહાજ ખરીદતા વેપારીઓને શીપમાંથી નીકળતા સ્ટીલમાંથી 16 MMનો સળીયો બનાવવાની મંજૂરી હતી. બાદમાં 12 MM પછી 8 MMના સળીયા બનાવવાની મંજૂરી અપાઈ. હવે અમારી ઉપર સંપૂર્ણ રીતે એકપણ MMનો સળીયો બનાવવાની મનાઈ કરી છે. 5 કિમી સુધી AC-ફર્નિચર જેવી વસ્તુઓ વેચતી દુકાનો
અહીં જહાજ તોડ્યા બાદ જહાજની અંદરનો તમામ સામાન વેચી દેવામાં આવે છે, એટલે જો તમે અલંગ જશો તો અલંગના એન્ટ્રી પોઈન્ટથી લગભગ 5 કિમી સુધી ઘણી ચીજવસ્તુઓ વેચતી દુકાનો નજરે પડશે. જેમાં ખાસ કરીને ફર્નિચર, લાકડાની વસ્તુ, AC, કિચન સહીત ઘણા નાના મોટા સાધનો જોવા મળશે. ઘણા લોકો અલંગમાં માત્ર જહાજમાંથી નીકળેલા સામાન ખરીદવા આવે છે. દુનિયામાં એવી ખૂબ ઓછી જગ્યાઓ છે કે જ્યાં જહાજ તોડવાની સાથે તેમાંથી નીકળતા સામાના વેચવા માટેની વ્યવસ્થા જોવા મળે છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં 15 થી 20 હજાર કારીગર કરે છે કામ
ગત ઓક્ટોબર-નવેમ્બરમાં અલંગમાં મોટા પાયે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેની સૌથી વધુ અસર શ્રમિકો પર થઈ. આ અંગે ઓથોરિટીનું કહેવું છે કે, અલંગને વૈશ્વિક કક્ષાનું બનાવવા ડિમોલિશન કરાયું છે. આગામી સમયમાં દરેક પ્લોટ સામે મજૂરો માટે કોલોની બનાવવાનું આયોજન છે. જોકે અલંગમાં મજૂરો માટે એક કોલોની બનાવી છે. અલંગમાં શ્રમિકો માટે હોસ્પિટલ પણ કાર્યરત છે. જ્યાં ચેકઅપ, મેડિસિન, એક્સ રે અને સીટી સ્કેન સહીતની સુવિધા છે. આ સિવાય અલંગમાં સેફ્ટી ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ પણ ચાલે છે. જ્યાં જહાજ તોડવા માટે કારીગરોને ટ્રેનિંગ આપવામાં આવે છે. કોઈનો જીવ જોખમમાં ના મૂકાય તે માટે આ કામ ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવે છે. ટ્રેનિંગ બાદ જ મજૂરોને પ્લોટ પર શિપમાં કામ પર લેવાય છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં અંદાજીત 15 થી 20 હજાર કારીગર કામ કરે છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડમાં સામાન્ય માણસને સુરક્ષા કારણોસર એન્ટ્રી નથી અપાતી. ‘મજબૂરીમાં અમે અહીં પડ્યા છીએ’
અમે શ્રમિક અબ્દુલ કરીમ પાસે પહોંચ્યા તો તેઓ વેલ્ડીંગ મશીનથી પ્લેટો કાપી રહ્યા હતા. અમે તેમની સાથે વાતચીત કરી તો તેઓ તેમની પતરાની ઓરડીમાં લઈ ગયા. જેમાં તેઓ જમવાનું, ન્હાવાનું અને સુવાનું બધું જ આ 10 બાય 10 કરતા પણ નાની એવી ઓરડીમાં કરે છે. તેઓ કહે છે કે, હું મૂળ યુપીનો છું અને 18 વર્ષથી અલંગમાં મજૂરી કરું છું, ₹350થી શરુઆત કરી હતી. આજે આખો દિવસ કામ કરીને માત્ર ₹500 મજૂરી મળે છે. હવે આટલામાં અમે ઘર ચલાવીએ, ભાડું આપીએ કે વતન મોકલાવીએ? આટલી કમાણીમાં અમે અમારું શું ભવિષ્ય બનાવીશું? ‘હવે તો અહીંથી મન ઉઠી ગયું છે’
‘પહેલા તો થોડી બચત થતી હતી હવે તે પણ નથી થતી મહીના વચ્ચે જો અમે ખર્ચો કાઢવા એકાદ-બે હજાર ઉપાડ લઈએ તો પગાર આવે ત્યારે હાથમાં કંઈ બચતું જ નથી. હું પહેલા ફેમિલી સાથે અહીં રહેતો. 13-14 વર્ષ સુધી પરિવાર સાથે અહીં રહ્યો, પણ કોઈ પરિવર્તન ન થતા કંટાળીને પરિવારને ગામડે ઉત્તર પ્રદેશમાં મૂકીને આવતો રહ્યો. હવે તો અહીંથી મન ઉઠી ગયું છે કે ક્યાંક બીજે જતા રહીએ. પરંતુ અન્ય કોઈ જગ્યાએ અમને કામ ન મળે તો ભટકવાનો વારો આવે તેમ છે. જેથી અમે અલંગ છોડીને કંઈ બીજે જઈ પણ નથી શકતા જેથી મજબૂરીમાં અમે અહીં પડ્યા રહીએ છીએ.’ ‘ફૂટપાથ પર સુઈને રાત વિતાવીએ છીએ’
શ્રમિક શિવનંદન રાયે હ્યું કે,ડિમોલિશન બાદ કોઈ રોડ પર રહે છે તો કોઈ ફૂટપાથ રહીને પોતાનું ગુજરાન ચલાવે છે. અત્યારે ઠંડીનો ટાઈમ છે. સવારે જેમ તેમ કરીને કોઈના ત્યાં ન્હાઈ લઈએ છીએ બાદમાં સવારે 7 વાગ્યે ડ્યૂટી પર જતા રહેવું પડે છે. ‘મજબૂરીમાં કંપનીના રૂમમાં જોઇન્ટમાં રહેવું પડે છે’
અન્ય એક શ્રમિકે ડિમોલિશન અંગે નારાજગી વ્યક્ત કરી, શિવશંકર સિંહ નામના શ્રમિકે કહ્યું ડિમોલિશન બાદ અમે જે રૂ.500ના રુમમાં રહેતા હતા. તેના માટે હવે 2000 ચૂકવવા પડે છે. હું મારા એક નાનકડા રુમમાં સ્વતંત્ર રીતે રહેતો હતો પણ હવે મજબૂરીમાં કંપનીના રુમમાં જોઈન્ટમાં રહેવું પડે, બધા જેમ કહે તે રીતે ચાલવું પડે છે. પહેલા મજૂરો માટે ટેમ્પરરી રહેવાની વ્યવસ્થા કરી દીધી હોત અને પછી જો ડિમોલિશન કર્યું હોત તો અત્યારે અમને આટલી તકલીફ ન પડી હોત. હોંગકોંગ કન્વેન્શન લાગુ થયા બાદ જહાજની સંખ્યા વધશે
SRIAના સેક્રેટરી હરેશ પરમાર મુજબ, હોંગકોંગ કન્વેન્શન એક એવા પ્રકારનું ઈન્ટરનેશનલ કન્વેશન છે કે જેમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે શીપને રિસાઇકલિંગ કરવાના હોય છે. જેમાં સેફ્ટી અને એન્વાયર્નમેન્ટ સહીતના તમામ ધારા ધોરણો નક્કી થયેલા છે. હોંગકોંગ કન્વેન્શનમાં શિપ ઓનર, શિપ રિસાઇકલર અને શિપ બિડર સહીત તમામ લોકોને એક છત્રી નીચે સમાવી લીધા છે. હોંગકોંગ કન્વેન્શન લાગુ થયા બાદ અમારે સુરક્ષા અને પર્યાવરણની દ્રષ્ટીએ ખૂબ ધ્યાન રાખવું પડશે. જેમાં શિપ કટીંગ કરતી વખતે લેબરની સેફ્ટી અને સમુદ્રનું પાણી દૂષિત ન થાય તેની ઉપર પણ અમારે ખાસ ધ્યાન આપવું પડશે. અલંગમાં હોંગકોંગ કન્વેન્શન મુજબ મોટાભાગના RCC પ્લોટ તૈયાર થઈ ગયા છે. કેન્દ્રએ શિપ ખરીદતા વેપારીઓની અઢી ટકા કસ્ટમ ડ્યૂટી ઘટાડી દીધી છે. સરકાર શિપિંગ બિલ લાવી. જેથી અલંગમાં હોંગકોંગ કન્વેન્શન એડોપ્ટ થઈ શકે. હોંગકોંગ કન્વેન્શન મુજબના યાર્ડ અપગ્રેડ કરાયા છે, જેમાં સરકારે દરેક વેપારીને ₹50 લાખ સુધીની સબસિડી આપી છે. હાલ વેપારીઓની કોઈ વધારે આવક નથી. પરંતુ ખર્ચ ફિક્સ હોવાથી અલંગમાં હાલની પરિસ્થિતિને કારણે રાજ્ય સરકાર અને GMB દ્વારા પ્લોટના ભાડામાં અને હાઉસિંગ સેસમાં પણ રાહત અપાઈ છે અને હજી પણ આગળ સરકાર રાહત આપતી રહેશે જ્યાં સુધી અલંગની સ્થિતિ સારી ન થાય. યુરોપિયન યુનિયનના જહાજ અલંગમાં આવશે
યુરોપિયન યુનિયનની ટીમ 3 મહીના પહેલા અહીં અલંગમાં ઈન્સ્પેક્શન માટે આવી હતી. જે ટીમ સકારાત્મક અભિગમ સાથે અલંગથી ગઈ છે. યુરોપિયન યુનિયનના જહાજ વધુમાં વધુ આવનાર સમયમાં અલંગમાં આવે તેવા પ્રયાસ કરાયા છે. ‘શ્રમિકો વગર અલંગ ક્યારેય શક્ય નથી’
SRIA સેક્રેટરી હરેશ પરમારે અલંગના શ્રમિકો વિશે વાત કરતા કહ્યું કે, શ્રમિકો વગર અલંગ ક્યારેય શક્ય નથી. અલંગની આખી ઈન્ડસ્ટ્રી લેબર ઓરિએન્ટેડ ઈન્ડસ્ટ્રી છે. અલંગના મજૂરો થકી જ આ સમગ્ર વ્યવસાય ચાલી રહ્યો છે. શિપ લગાડ્યા બાદ તેને ખેંચીને પ્લોટ પાસે લાવવું કે એને કટીંગ કરવું આ બધુ મેકેનિકલી કરવા જઈએ તો બિલિયન્સ ઓફ ડોલરનો ખર્ચો આવે તેમ છે. મજૂરોને સારી સુવિધા મળી રહે તે માટે એસોસિએશન અને ઈન્ડસ્ટ્રી બન્ને કટીબદ્ધ છે. મજૂરોની માંગ છે કે તેમના પ્લોટની સામે રહેવાની સુવિધા કરી આપવામાં આવે તે માટે અમે GMB અને SRIA આયોજન પણ કરી રહ્યું છે. ‘1008 શ્રમિક રહી શકે તેવી સ્ટાન્ડર્ડ કોલોની તૈયાર’
મજૂરોના પલાયન અંગે હરેશ પરમારે જણાવ્યું કે, હાલમાં અલંગમાં 35 જહાજનું કટીંગ ચાલુ છે. જેથી ડીમોલિશનના કારણે મજૂરો વતન પરત ગયા છે તેવું ન કહી શકાય, SRIA પાસે 1008 જેટલા શ્રમિક રહી શકે તેવી સ્ટાન્ડર્ડ કોલોની અલંગમાં રેડી છે. અમે સરકાર અને કલેક્ટરને રજૂઆત પણ કરી છે કે હાલમાં મજૂરો માટે ટેમ્પરરી કોલોની આપવામાં આવે જેથી તેમને તકલીફ ન પડે. સરકારે અમને આ બાબતે ખાતરી પણ આપી છે. અલંગને મળેલી કુદરતી ભેટ
અલંગના દરિયા કીનારાને એક કુદરતી ભેટ મળેલ છે એટલે કે અહીં દિવસમાં 2 વખત હાઈટાઈડ અને 2 વખત લો ટાઈડ આવે છે. દિવસમાં 2 વખત જ્યારે હાઈટાઈડ આવે ત્યારે પ્લોટ,યાર્ડ એટલે કે દરિયા કીનારે જહાજ લાંગરવામાં આવે છે અને જ્યારે 2 વખત લૅા ટાઈડ આવે ત્યારે પ્લોટ પાસે જહાજને એક જગ્યાએ સ્થિર કરી દેવામાં આવે છે. આ વિશેષતા માત્ર અલંગમાં જ જોવા મળે છે.