આણંદ જિલ્લાના પણસોરા-વણસોલ માર્ગ પર એક દર્દનાક અકસ્માતમાં ત્રણ યુવકોના કરુણ મોત નિપજ્યા છે. પણસોરા નજીક આવેલી રાઈસ મિલ પાસે અજાણ્યા વાહને બાઈકને પાછળથી ટક્કર મારતાં આ ગમખ્વાર ઘટના સર્જાઈ હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહનચાલક ફરાર થઈ ગયો હતો. મામાના દીકરાનો અકસ્માત થતાં ખબર લેવા જતાં ત્રણેય યુવાઓને અકસ્માત નડતાં મોત થયા હતા. રાતે મામાના દીકરાના હાલચાલ જાણવા જતાં હતા
ઘટનાની વિગતો મુજબ, ઉમરેઠ તાલુકાના ઝાલાબોરડી ગામના સુરેન્દ્રસિંહ સોઢા પરમારના મામાના પુત્ર બળવંતભાઈને સલુણ નજીક અકસ્માત થયો હોવાની જાણ થતાં ત્રણ યુવકો બાઈક લઈને ખબર જોવા નીકળ્યા હતા. બાઈક નંબર GJ 17 CJ 2088 પર વિજયસિંહ ચૌહાણ (ઉં.વ. 24), નરેશકુમાર ડાભી (ઉં.વ. 19) અને નિલેશકુમાર ડાભી (ઉં.વ. 18) સવાર હતા. બેના ઘટનાસ્થળે અને અન્યનું સારવાર દરમિયાન મોત
મોડી સાંજે પણસોરા-વણસોલ રોડ પરથી પસાર થતી વખતે અજાણ્યા વાહને તેમની બાઈકને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં વિજયસિંહ અને નરેશકુમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે નિલેશકુમારનું નડીયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો. અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાયો
ભાલેજ પોલીસે સુરેન્દ્રસિંહ સોઢા પરમારની ફરિયાદના આધારે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.