વલસાડ જિલ્લાના આંબાતલાટ ખાતે દહિગઢ ડુંગરની તળેટીમાં ઢોડિયા સમાજ બાવીસા કુળ પરિવારનું મહત્વપૂર્ણ સંમેલન યોજાયું હતું. ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની જાળવણી અને શિક્ષણના વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ આદિવાસી સંસ્કૃતિના વિવિધ પાસાઓનું જીવંત પ્રદર્શન હતું, જેમાં ઘેરૈયા નૃત્ય, કાહલિયા નૃત્ય અને માદળ નૃત્ય સહિત ઢોડિયા બોલીમાં દેવ અને લગ્નગીતોની રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે જ ધોરણ 10 અને 12માં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય અરવિંદ પટેલે પોતાના સંબોધનમાં શિક્ષણને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા સમાજને અનુરોધ કર્યો હતો. નવસારી જિલ્લા પંચાયતના સભ્ય પરિમલ પટેલે સમાજના વિકાસ માટે સહયોગની ખાતરી આપી હતી, જ્યારે નિવૃત્ત સંયુક્ત સચિવ અંબુ પટેલે શિક્ષણની મહત્તા સમજાવી હતી. કાર્યક્રમને સફળ બનાવવામાં આંબા તલાટ ગામના અને સહાયક માહિતી નિયામક યુ. બી. બાવીસાએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ સંમેલન આદિવાસી સંસ્કૃતિની જાળવણી અને શૈક્ષણિક વિકાસના સમન્વયનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું હતું.