આવતીકાલથી ઉતરાયણ અને વાસી ઉતરાયણના પર્વની સમગ્ર ગુજરાત રાજ્યમાં ધામધૂમથી ઉજવણી થશે. ત્યારે પતંગ રસિકો માટે આ વર્ષે ઉત્તરાયણ ખુશીના માહોલમાં પસાર થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આ વર્ષે ઉત્તરાયણના દિવસે ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન હશે અને તેની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને મજા પડશે ઠુમકા મારવા નહીં પડે અને સહેલાઈથી પતંગ ઉડાવી શકાશે. આ વર્ષે પતંગ ઉડાવવા ઠુમકા મારવા નહીં પડે
આજે વહેલી સવારથી જ ગુજરાતમાં પવનની ગતિ ખૂબ જ ઝડપી છે તેને કારણે ઠંડા પવનો અનુભવાઇ રહ્યા છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જ્યારે આ વર્ષે ઉત્તરાયણ ખુશીના માહોલમાં પસાર થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. એટલે ઠુમકા મારવા નહીં પડે અને સહેલાઈથી પતંગ ઉડાવી શકાશે. ગુજરાત રાજ્યમાં વિવિધ કારણોસર લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ગત મોડી રાતથી જ પવનની ગતિ પણ વધી હોય તેવો અનુભવ ગુજરાતવાસીઓ કરી રહ્યા છે. બીજી તરફ ઉત્તર તથા ઉત્તર પૂર્વ દિશા તરફથી આવતા ઠંડા પવનોને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જેને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 48 કલાકમાં ગુજરાત નજીકથી એક વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થશે. તેથી તેની અસરોને કારણે આગામી બે દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ત્યારબાદ ફરી એક વખત તાપમાનમાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો નોંધાશે એટલે કે ઉતરાયણ અને વાસી ઉત્તરાયણ એમ બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન વધુ રહેશે, પરંતુ ઠંડા પવન અને કારણે દિવસે પણ ઠંડીનો અનુભવ થશે. અમદાવાદ તથા આસપાસના વિસ્તારમાં આજે દિવસ દરમિયાન 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકા.શે જ્યારે વાતાવરણ શુષ્ક રહેવાની સાથે આજે 13 ડિગ્રી સેલ્સિયસ સુધીનું લઘુત્તમ તાપમાન નોંધાશે. નલિયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયું
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તદુપરાંત રાજ્યના અન્ય મહાનગરોમાં પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવ્યો છે ત્યારે ગત રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરમાં 12.4 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 11 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 18.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.