સુરતીઓ માટે ઉત્તરાયણનો પર્વ એટલે ઊંધિયાનો પર્વ. ઉત્તરાયણના પર્વ પર સુરતીઓ ઊંધિયાની ધૂમ ખરીદી કરી રહ્યા છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ આ બે દિવસમાં સુરતીઓ કરોડો રૂપિયાનું ઊંધિયું ઝાપટી જતાં હોય છે. સુરત જ નહીં વિદેશમાં પણ ઊંધિયાની ડિમાન્ડ જોવા મળે છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર સુરતીઓ 40 હજાર કિલોથી વધુ ઊંધિયું ઝાપટી જશે. ત્યારે આ વર્ષે એડવાન્સ ઓર્ડરના કારણે વેપારીઓએ 100 કિલોથી પણ વધુ ઊંધિયું પહેલાથી જ બનાવી રાખ્યું છે. ગુજરાતભરમાં સુરતી ઉંધિયું પ્રખ્યાત
સુરતીલાલા ઉત્સવપ્રિય તરીકે ઓળખાય છે. આજ કારણ છે કે કોઈપણ તહેવાર હોય તેવો રંગેચંગે ઉજવે છે. જ્યારે વાત ઉત્તરાયણની આવે ત્યારે તેઓ બે દિવસ સુધી ઉત્તરાયણનો પર્વ ઉજવતા હોય છે અને આ દરમિયાન તેઓ કરોડો રૂપિયાના ઊંધિયા ઝાપટી જતાં હોય છે. સુરતીઓ ઉત્તરાયણના પર્વ પર માત્ર પતંગ જ નથી ચગાવતા પરંતુ દિવસ દરમિયાન તેઓ ઊંધિયું ખાવાનું પસંદ કરતા હોય છે. ગુજરાતભરમાં સુરતી ઉંધિયું પ્રખ્યાત છે. આ ઊંધિયું લીલી પાપડી, બટાકા, સુરણ, શક્કરિયા, રતાળુ, લીલા ધાણા, રીંગણ અને મેથીના મુઠીયાથી બનતું શાક છે. દુકાનમાં મસમોટી લાઈનો
ઉત્તરાયણના પર્વ પર પતંગ ચગાવવા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી જાય છે. દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા છે. કહેવાય છે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’ અને આ વાત ખૂબ જ પ્રખ્યાત છે. સુરતીલાલાઓ ખાણી-પીણીના શોખીન હોય છે. સુરતીઓ શિયાળામાં મોટા પ્રમાણમાં ઉંધિયું આરોગતા હોય છે. ઉત્તરાયણ પર્વ પર લોકો ઘરે પણ ઊંધિયું બનાવે છે તો ઘણા લોકો હોટલ રેસ્ટોરન્ટમાંથી મંગાવે છે. ઉત્તરાયણના તહેવારમાં ઊંધિયું ખાવાનું સુરત શહેરમાં ચલણ છે, દરેક ધર્મના લોકો ઉત્તરાયણના તહેવારની ઉજવણી ધામધૂમથી કરે છે. આ વર્ષે પણ ઉત્તરાયણ પર ઊંધિયાનું ચલણ ભારે જોવા મળી રહ્યું છે. લીલોતરી શાકભાજી ખાવાની મોસમ
વેપારી નીતિન ભજીયાવાળાએ જણાવ્યું હતું કે, ઉંધિયું સુરતીઓની એક સ્પેશિયલ આઈટમ છે. સુરતથી જ ઊંધિયાની આઈટમ દેશ-વિદેશમાં પ્રચલિત થઈ છે. શિયાળો એટલે લીલોતરી શાકભાજી ખાવાની મોસમ કહેવાય. દુબઈની ફ્લાઇટ શરૂ થઈ છે ત્યારે આ ફ્લાઇટમાં જનાર લોકો ઉત્તરાયણ પહેલાથી જ ઊંધિયું ખરીદીને લઇ જતા હોય છે. રોજ દસ ગ્રાહકો એવા છે જે દુબઈ ફ્લાઇટમાં અમારા ત્યાંથી ઊંધિયા ખરીદીને લઇ જતા હોય છે. આ વખતે લીલા શાકભાજીના ભાવમાં વધારો હોવાના કારણે 100 રૂપિયા પ્રતિ કિલો ઊંધિયાના ભાવમાં પણ વધારો છે. આ વખતે સુરત સિવાય અન્ય શહેરોમાંથી પણ ઓર્ડર મળ્યા છે. કેટલાક લોકોએ દુબઈ અને અમેરિકામાં પોતાના પ્રિયજનોને પણ આ ઊંધિયું મોકલ્યું છે. રાજકોટવાસીએ ઉત્તરાયણે 30 હજાર કિલો ઉંધીયું ઝાપટી જશે
રંગીલા રાજકોટની ઉત્સવ પ્રિય જનતા તમામ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવા માટે જાણીતી છે. મકરસંક્રાંતિના પર્વને પણ ભારે ઉત્સાહથી ઉજવતા હોય છે. રાજકોટમાં મોટાભાગે તમામ ઘરોમાં મકરસંક્રાતિના દિવસે લોકો તમામ લીલા શાકભાજીથી બનેલું ઊંધીયું અને ખીચડો આરોગતા હોય છે એક અંદાજ મુજબ એક દિવસમાં રાજકોટવાસીઓ લગભગ 30 હજાર કિલો ઉંધીયુ ઝાપટી જશે. શહેરનાં મોટા ભાગના ઘાબાઓ પર થાળીમાં ઉંધીયાની ડીસ જોવા મળશે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મટુકી રેસ્ટોરન્ટના વેપારી ઘનશ્યામભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દર વર્ષે મકરસંક્રાતિના દિવસે લોકો ઉંધીયુ ખાવાનુ પસંદ કરતા હોય છે. આ વર્ષે ઊંધીયાના ભાવમાં કોઈ ખાસ વધારો થયો નથી માટલા ઉંધીયામાં 5% જેટલો ભાવ વધારો થયો છે. શહેરમાં અલગ અલગ 3 જગ્યાએ માટલા ઉંધીયુ વેચાણ કરવામાં આવશે. જેમાં કાલાવડ રોડ, વાવડી અને જિલ્લા પંચાયત ચોક ખાતે સવારે 9 વાગ્યાથી વેચાણ શરૂ કરવામાં આવશે. મટુકીનું સ્પેશિયલ મટકા ઊંધિયું દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે. જેમાં શાકભાજી માટલામાં ભરી તેને છાણાથી બાફવામાં આવે છે. એક કિલો માટલા ઉંધીયાનો ભાવ ગત વર્ષે 440 હતો જે આ વખતે 40રૂપિયા વધીને 480 રૂપિયા પહોંચ્યો છે. ઉપરાંત અમારું સ્પેશિયલ લીલા ઘઉંનાં પોંકમાંથી બનાવેલું સાદરિયું તેમજ સાત ધાનમાંથી બનાવેલ ખીચડો તેમજ કેશર જલેબી પણ લોકોને ખૂબ પસંદ છે. જેને લઈને સવારથી લોકો આ તમામ વસ્તુઓ લેવા ઉમટી પડતા હોય છે. એક અંદાજ મુજબ શહેરમાં એક દિવસમાં 25થી 30 હજાર કિલો કરતા વધુ ઉંધીયુ ખવાશે. સામાન્ય ઉંધીયાનો ભાવ 300 થી 320 રૂપિયા પ્રતિકીલો હોય છે.