અમદાવાદ બાદ હવે વડોદરામાં પણ ઉત્તરાયણ પર્વ પર પોળમાં ધાબા ભાડે આપવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. વર્ષોથી અમદાવાદમાં આ ટ્રેન્ડ ચાલે છે. ખાસ કરીને લાખો રૂપિયા ખર્ચીને વિદેશથી વડોદરા ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે આવતા NRI આ પ્રકારનું ધાબુ ભાડે રાખે છે. વડોદરામાં આ વર્ષે શરૂઆત થઇ છે. જેમાં ધાબુ ભાડે આપવાની સાથે જમવાનું, પાણી, ટેબલ-ખુરશી સહિતની સુવિધાઓ પણ મકાન માલિક દ્વારા આપવામાં આવનાર છે. આવનાર સમયમાં આ ટ્રેન્ડ વેગ પકડે તો નવાઇ નહીં. અમેરિકા અને લંડનના પરિવારોએ 25 હજાર આપીને ધાબુ ભાડે લીધું
અમદાવાદમાં પોળમાં ઉત્તરાયણ પર્વ પર ધાબા ભાડે આપવાનો ટ્રેન્ડ જાણીતો છે. હવે આ ટ્રેન્ડ વડોદરામાં જામી રહ્યો છે. ચાલુ વર્ષે અમેરિકા અને લંડનના પરિવારોએ શહેરના ચાર દરવાજા વિસ્તારમાં રૂ. 25 હજાર આપીને ધાબુ ભાડે લીધું છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે NRI પરિવાર ધામધૂમથી ઉત્તરાયણ પર્વની મજા લૂંટશે. આવનાર સમયમાં ઉત્તરાયણ પર્વ પર આવકનું સ્ત્રોત વધારતું ટ્રેન્ડ વધુ જામે તેવું પોળમાં ઘર ધારકો ઇચ્છી રહ્યા છે. ચાર દરવાજાની ઉત્તરાયણ પહેલાથી જ વખણાય છે
લક્ષ સોનીએ જણાવ્યું કે, અમારૂ ઘર ચાર દરવાજા વિસ્તારમાં આવેલું છે. NRI અમેરિકાથી આવેલા છે, તેમણે રૂપિયા 25 હજારમાં બે દિવસ માટે ધાબુ ભાડે રાખ્યું છે. અમે તેમને કેર ટેકર, ખુરશી-ટેબલ, તથા જમવા સહિતની સુવિધાઓ આપી છે. ચાર દરવાજાની ઉત્તરાયણ પહેલાથી જ વખણાય છે. અમદાવાદ પછી વડોદરામાં ધાબું ભાડે આપવાનો ટ્રેન્ડ આવ્યો છે. અમારી આજુબાજુના ધાબા અમેરિકા અને લંડનથી આવેલા NRI એ ભાડે લીધું છે. લોકો લાખો રૂપિયા ખર્ચીને તહેવારની ઉજવણી માટે વતન પાછા આવી રહ્યા છે. જે ખૂબ સારી વાત છે.