ગુજરાતમાં નિયમિત વેતન મેળવતા નોકરિયાત લોકો (સેલેરાઇડ કર્મચારી) અઠવાડિયામાં દેશમાં સૌથી વધુ સરેરાશ 53 કલાક કામ કરે છે. તેમ છતાં ગુજરાતમાં સેલેરાઇડ કર્મચારીઓનું વેતન મોટા રાજ્યોમાં સૌથી ઓછું 17,503 રૂપિયા પ્રતિ માસ છે. તાજેતરમાં જાહેર કરાયેલા પિરીઓડિક લેબર ફોર્સ સરવે (PLFS) 2023-24 મુજબ, રાજ્યમાં નોકરિયાત લોકો દિવસમાં સરેરાશ 8-30 કલાકથી વધુ કામ કરે છે. દેશમાં નાના મોટા તમામ રાજ્યોમાં પંજાબ(રૂ.16,161) બાદ ગુજરાતના સેલેરાઇડ કર્મચારીઓનું વેતન દેશમાં સૌથી ઓછું છે. તેલંગાણામાં નોકરીયાત લોકો અઠવાડિયામાં સરેરાશ 46.5 કલાક કામ કરે છે અને દર મહિને 27,606 મેળવે છે. કર્ણાટકના કર્મચારી સરેરાશ 46.9 કલાક કામ કરી 25,621ની સેલેરી મેળવે છે. રાજ્યમાં નોકરી કરતાં લોકોમાંથી 80%થી વધુ ખાનગી ક્ષેત્રમાં કાર્યરત છે. રાજ્યમાં સૌથી વધુ 30% કર્મચારીઓ અઠવાડિયામાં 48-60 કલાક સુધી કામ કરે છે.
રાષ્ટ્રીય સરેરાશ કરતાં ખરાબ સ્થિતિ ગુજરાતમાં ગુજરાતમાં નિયમિત વેતન મેળવતા નોકરીયાત કર્મચારીમાં 42.2% લોકો પેઇડ લીવ, લેખિત જોબ-કોન્ટ્રાક્ટ અને સોશિયલ સિક્યોરીટના લાભ વિના નોકરી કરે છે. પુરુષ કર્મચારીમાં તેનું પ્રમાણ 41% છે. જ્યારે મહિલા કર્ચમારીઓમાં 44.6% છે. એકદંરે કુલ 60% સેલેરાઇડ કર્મચારીઓ પીએફ-પેન્શન, ગ્રેજ્યુઇટી, હેલ્થ કેર અને મેટરનિટી બેનિફિટ વગર નોકરી કરે છે. ગુજરાતમાં આવા સેલેરાઇડ કર્મચારીઓ રાષ્ટ્રીય સરેરાશ 39.6% કરતાં પણ વધુ છે.
ક્યાં કેટલા ગુજરાતી કામ કરે છે?
એન્ટરપ્રાઇઝ ટકાવારી
ગર્વન્ટમેન્ટ-પબ્લિક સેક્ટર8.1%
પ્રાઇવેટ-પબ્લિક લિમેટેડ કંપની19%
પ્રોપ્રિએટરી-પાર્ટનરશિપ67.8%
ટ્રસ્ટ – નોન પ્રોફિટ સંસ્થા2.4%
અન્ય જગ્યાએ2.6%