સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી તે ભાગ્ય જોવા મળે છે. પીએસઆઇએ ફીરકી પકડી હતી, જ્યારે પીઆઇ પતંગ મુકાવતા મનોદિવ્યાંગ કિશોરીનો પતંગ સરર કરીને આકાશમાં ઉડી ગયો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઉજવણીમાં જોડાયો હતો અને દિવ્યાંગોને ખુશીઓ વહેંચી હતી. પોલીસ સ્ટેશનના ધાબા પર આયોજન
આ અંગે ટ્રાફિક પોલીસના પીઆઇ કુલદીપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટ આવેલું છે. આ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે. આ દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનું કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા. દિવ્યાંગોના ચહેરા પર ખૂબ જ ખુશી જોવા મળી
વધુમાં જણાવ્યું હતું કે, આપણે બધા વર્ષ દરમિયાન આવતા તમામ વાર તહેવારો ઉજવતા હોઈએ છીએ. જોકે આ દિવ્યાંગ બાળકોને આ ઉજવણી કરવાની ખુશી મળતી નથી. જેથી કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે જ ઉત્તરાયણની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમણે ક્યારે આવી ઉજવણી ન કરી હોય અને તેમની સાથે આ ઉજવણી કરવામાં આવે તો તેનો આનંદ જ કંઈક અલગ હોય છે. કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગો સાથે આ ઉજવણી કરવામાં આવતા તમામ દિવ્યાંગો ખૂબ જ ખુશીમાં જોવા મળી રહ્યા છે. પતંગો પર સ્લોગન લખી લોક જાગૃતિનું કાર્ય
આ ઉત્તરાયણ દરમિયાન પોલીસ દ્વારા અલગ-અલગ રીતે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા માર્કેટ વિસ્તારમાં ચોરી અને ચેડતીના બનાનવો ન બને તે માટે પણ વોચ રાખવામાં આવી રહી છે. ટ્રાફિક સિગ્નલ સહિત ટ્રાફિકના નિયમો, નો ડ્રગ્સ ઇન સિટી સહિતના અલગ-અલગ સ્લોગનો પતંગો પર લગાવીને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ સાથે જ વાહનચાલકોને સેફ્ટી બેલ્ટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.