back to top
Homeગુજરાત9 શહેરોને મનપા બનાવવાની ઇનસાઇડ સ્ટોરી:CMની ખાસ ટીમ મહિનાઓ સુધી ગુજરાતમાં ચૂપચાપ...

9 શહેરોને મનપા બનાવવાની ઇનસાઇડ સ્ટોરી:CMની ખાસ ટીમ મહિનાઓ સુધી ગુજરાતમાં ચૂપચાપ ફરી, નવી મનપામાં ‘જૂનાગઢ મોડલ’ લાગુ ન થાય એવું કેમ નક્કી થયું?

ગુુજરાતના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે સરકારે એકસાથે 9 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દીધો હોય. એ પહેલાં ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકા હતી. હવે આ સંખ્યા વધીને 17 થઈ ગઈ છે. નવા વર્ષના પહેલાં દિવસે સરકારે આ જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધી. જો કે એવું નથી કે અચાનક આ નિર્ણય લેવામાં આવ્યો. દિવ્ય ભાસ્કરને સૂત્રો તરફથી મળેલી માહિતી પ્રમાણે એક મિશન હોય એમ ઘણા મહિનાઓથી આ બાબતે સરકારમાં અંદરખાને ખૂબ જ ચીવટપૂર્વક કામ થઈ રહ્યું હતું. મુખ્યમંત્રીએ વિશ્વાસુ સિનિયર આઇએએસ અધિકારીઓને કામે લગાડ્યા હતા અને તેની જાણ સુદ્ધા સચિવાલયમાં જ ફરજ બજાવતા અન્ય અધિકારીઓને નહોતી થવા દેવામાં આવી. ગુજરાતના અલગ-અલગ વિસ્તારોનો મહિનાઓ સુધી રિવ્યૂ કરવામાં આવ્યો, કયા શહેર અને તેની આસપાસના કયા વિસ્તારને મહાનગરપાલિકામાં સમાવવા કે નહીં એ મુદ્દે ગ્રાઉન્ડ રિયાલિટી પણ ચકાસવામાં આવી, અમુક ચોક્કસ સમયે તેનું બ્રિફિંગ મુખ્યમંત્રીને થતું હતું અને પછી નિર્ણય લેવાયો કે ગુજરાતમાં વધુ 9 મહાનગરપાલિકાઓ બનશે. 9 નવી મહાનગરપાલિકા બનાવવા પાછળની ઇનસાઇડ સ્ટોરી પણ જાણવા-સમજવા જેવી છે. અમદાવાદ અને સુરતને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યે 50 વર્ષ કરતા વધારે સમય થયો છે અને તેનો વિકાસ અપેક્ષા પ્રમાણે થતો ગયો. બાદમાં જાહેર થયેલી ભાવનગર અને ગાંધીનગર મનપાનો પણ પ્રમાણમાં વધારે વિકાસ થઈ રહ્યો છે. પણ સ્થિતિ એવી થઈ કે આ શહેરોમાં આસપાસના વિસ્તાર તથા નાના નગરોના લોકોએ પણ સ્થળાંતર કર્યું અને સ્થાયી થઈ ગયા છે. જેના પરિણામે ગુજરાતના ઘણા મધ્યમ શહેરોનો વિકાસ અટકી પડ્યો છે. બીજી તરફ ગાંધીનગર, અમદાવાદ, સુરત, રાજકોટ જેવા વિસ્તારનો જ સતત વિકાસ થાય છે. રાજ્યમાં શહેરીકરણની ગતિ વધી રહી છે અને અંદાજે 50 ટકા વસ્તી અત્યારે શહેરોમાં વસવાટ કરે છે. 2047 સુધીમાં આ ટકાવારી વધીને 75 ટકા સુધી પહોંચશે તેવું અનુમાન છે. એટલે સંતુલન ખોરવાતું હોય એવો આભાસ સરકારમાં ઉચ્ચ કક્ષાએ બેઠેલાં નેતાઓ અને અધિકારીઓને થયો હતો. તમામ સ્તર પર સાર્વત્રિક અને સર્વાંગી થવો જોઈએ. પરંતુ ચોક્કસ વિસ્તારનો જ વિકાસ થાય તો ત્યાં વસતિ વધારો થાય અને આસપાસના શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં વસતિ ઘટી જાય છે. આમ, ગામડા તૂટે નહીં અને ગુજરાતના તમામ વિસ્તારનો એક સરખો વિકાસ થાય એ રીતે શહેરીકરણનો વિચાર કરીને મહાનગરપાલિકા બનાવવા માટે સરકારે સંભવિત શહેરો અને વિસ્તારોની યાદી બનાવી હતી. આ બાબતે થોડા મહિનાઓ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મિટિંગ થઈ અને નક્કી થયું કે ગુજરાતમાં 9 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવશે. વર્ષ 2024-25ના બજેટમાં આ અંગેની જાહેરાત પણ કરી દીધી હતી. પરંતુ સરકાર માટે હજું ખરું અને ચિંતાજનક કામ તો બાકી હતું. નવી મનપામાં ‘જૂનાગઢ મોડલ’ લાગુ ન થાય એવું કેમ નક્કી થયું?
9 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની ચર્ચા વચ્ચે સરકારને એક ચિંતા પણ હતી. કારણ કે જૂનાગઢને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યાને 6 વર્ષ કરતા પણ વધુ સમય થઈ ચૂક્યો છે. છતાં ત્યાં આજે ટાઉન પ્લાનિંગ સ્કીમ વ્યવસ્થિત રીતે ખોલી શકાઈ નથી, યોગ્ય પ્રમાણમાં રસ્તા બની શકતા નથી, ડ્રેનેજને લગતી સમસ્યા છે, સ્વાયત બોડી ઊભી કરી લીધી છતાં આ વિસ્તારના કામ કરવા માટે કોઈ તૈયાર થતું નથી. એટલે ક્યાંક નવી 9 મહાનગરપાલિકામાં પણ આવી સ્થિતિ પેદા ન થાય એ માટે સરકારે માર્ચ મહિનામાં જ એક નિર્ણય લઈ લીધો હતો. સરવે અને રિવ્યૂનું કામ ખાનગી રાહે કરવામાં આવ્યું
6 માર્ચ, 2024ના રોજ મુખ્યમંત્રીએ જ એક કમિટી રચાઈ અને તેમાં IAS સ્તરના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. નિયુક્ત અધિકારીને 9 મનપા (મનપા જાહેર થાય એ પહેલાં) એ વિસ્તારનો સતત અલગ-અલગ મુદ્દા પર રિવ્યુ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. નિયુક્ત અધિકારી માટે હવે મુખ્ય પડકાર હતો કે નિશ્ચિત સમયગાળામાં આ તમામ વિસ્તારમાં ખાનગી રાહે તમામ રિવ્યૂ કરવા અને તેમના રિમાર્ક સરકાર સુધી પહોંચાડવા. નિયુક્ત કરાયેલા અધિકારીઓએ જે તે નગરપાલિકા વિસ્તારના 9 ચીફ ઓફિસર સાથે મિટિંગ કરી અને મનપા તરીકે અમલીકરણ થાય ત્યારે જરૂરી વ્યવસ્થા જેવી કે મહેકમ, નગર આયોજન, નાણાકીય રિસોર્સ, હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે રિવ્યૂ કર્યા અને સરકાર સામે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. મનપાનો દરજ્જો મળે એ પહેલાં જ કેટલાક કામ શરૂ થઈ ગયા
પ્રેઝન્ટેશન રજૂ થયા બાદ નગરપાલિકાના અધિકારીઓ મહાનગરપાલિકા તરીકેની માનસિકતામાં તબદીલ થાય એ માટે જરૂરી સૂચના પણ આપવામાં આવી. આ પ્રક્રિયાના ભાગરૂપે જ આણંદ, મહેસાણા સહિતના વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી. ઉપરાંત તાત્કાલિક ધોરણે ઠેર-ઠેર સફાઈ કરવાથી લઈને ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટેની સુવિધા શરૂ કરવામાં આવી. ટેન્ડરના કામોની ચૂકવણી પણ કરી દેવાઈ
આ ઉપરાંત 9 મનપામાં (અમલીકરણ પહેલા કાર્યરત એવી 9 નગરપાલિકા) ટેન્ડરથી ચાલી રહેલા કામની ચૂકવણી પણ કરી દેવામાં આવી. આ તમામ પ્રક્રિયા કરવા માટે સ્થાનિક 9 ચીફ ઓફિસર સાથે અલગ-અલગ તબક્કામાં કુલ 3 મિટિંગ થઈ અને મિટિંગની મિનિટ્સ તૈયાર કર્યા બાદ તમામ મુદ્દા સરકાર સામે રજૂ કરવામાં આવ્યા હતા. મનપાનો દરજ્જો આપ્યા બાદ તેની જોગવાઈઓ મુજબ જે તે મહાનગરોમાં હવે અલગ-અલગ વિસ્તારમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થશે, જરુરી જગ્યાએ નવા રસ્તા બનાવી શકાશે અને એ માટે ફંડ ફાળવણી પણ મહાનગરપાલિકાના નિયમો મુજબ કરવામાં આવશે. જ્યારે પણ કોઈ વિસ્તારનો ગ્રામપંચાયતમાંથી નગરપાલિકામાં સમાવેશ થાય, નગરપાલિકાનો દરજ્જો ધરાવતું શહેર મહાનગરપાલિકા બને તો સામાન્ય લોકો પર તેની સૌથી પહેલી અસર ટેક્સરૂપે થાય છે. એટલે જ જ્યારે સરકારે 9 મહાનગરપાલિકાની જાહેરાત કરી તો જે તે શહેરોમાં રહેતા લોકો તરફથી એવો પણ ગણગણાટ સાંભળવા મળ્યો કે હવે અમારો વિસ્તાર મહાનગરપાલિકા બનવાથી ટેક્સનું ભારણ વધી જશે. કમિશનર ઓફ અર્બન મ્યુનિસિપાલિટિઝ રાજકુમાર બેનીવાલે કહ્યું, મનપા વિસ્તારમાં જે તે મિલકત કેટલી મોટી છે? કયા ઝોન કે વિસ્તારમાં આવેલી છે? મકાનનો પ્રકાર જેમ કે રહેણાંક, કોમર્શિયલ કે ધાર્મિક છે તેના આધારે ટેક્સના સ્લેબ બન્યા હોય છે. ટેક્સ વધારવાની સત્તા નગરપાલિકા અને સામાન્ય સભા પાસે છે. તેઓ ઠરાવ કરીને ટેક્સ વધારી શકે છે. ટેક્સ વધારવાનો ફિક્સ ક્રાઈટેરિયા નથી. મહાનગરપાલિકા માત્ર લોકો પાસેથી લેવાતા વેરા પર નિર્ભર નથી રહેતી
જો કે અવું નથી કે મહાનગરપાલિકા બને એટલે તેના વહીવટ માટે થતાં ખર્ચનો બોજ ટેક્સ રૂપે લોકો પર પડે. ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર જે.એન.વાઘેલાએ આવકના અન્ય રસ્તા પણ ગણાવ્યા. તેમણે કહ્યું, વેરાકીય સિવાય મનપા પાસે બિન વેરાકીય આવકની ઘણા સ્ત્રોત હોય છે. જેમાં ટીપીમાંથી મળતી એફએસઆઈની કિંમત, ટાઉન પ્લાનિંગની ફી, જાહેરાત વગેરે મોટી આવકના સ્ત્રોત છે. તેમણે ઉમેર્યું, ખાસ કરીને પ્રોપર્ટી ટેક્સમાં ચાર વર્ષે આકારણી કરીને મનપા વેરામાં ફેરફાર કરી શકે છે. જેમાં મકાનના બાંધકામ વધારો કે ઘટાડો કરવો, અગાઉ ખાલી પડેલા પ્લોટમાં કોમર્શિયલ કે રહેઠાણની પ્રવૃત્તિ શરૂ થઈ હોય તો એને નવા સ્લેબમાં સમાવવી જેવા નિર્ણય લેવાય છે. નવા દર નક્કી કરવા માટે સ્ટાન્ડર્ડ ફૉર્મ્યુલા છે. કોઈ મકાન વપરાશમાં ન હોય તો તેને વેરામાંથી મુક્તિ આપી શકે છે. ગ્રામ પંચાયત કેવી રીતે ટેક્સ નક્કી કરો છે?
ગુજરાતના ગામડાઓમાં ટેક્સનું માળખું કેવું હોય એ વિશે સમજાવતા મદદનીશ વિકાસ કમિશનર અજય પટેલે કહ્યું, ગુજરાત પંચાયત ધારાની કલમ 200 હેઠળ ગ્રામ પંચાયતમાં કરવેરો લેવામાં આવે છે. ગ્રામ પંચાયતની હદમાં આવેલા વ્યવસાયિક મકાન માટે ઘર વેરો, સામાન્ય વેરા, લાઈટ વેરો, સફાઈ વેરો, ગટર વેરો, વ્યવસાય વેરો હોય છે. બે રીતે પંચાયત વેરો વસૂલ કરે છે. એક ભાડા પદ્ધતિ અને બીજી મકાનની કિંમતના આધારે. દા.ત. મકાનનું ભાડું માસિક 1 હજાર હોય તો વાર્ષિક 12 હજાર ભાડું થાય. તો એના પર અમુક ટકા ટેક્સ લાદવામાં આવે છે. બીજી રીતે જો મકાનની કિંમત રૂપિયા 2 લાખ હોય તો 50 પૈસાથી 2 રૂપિયા સુધી વધારો કરી શકે છે. જો એમાં 50 પૈસા લેખે ગણવામાં આવે તો વાર્ષિક 1 હજાર રૂપિયાનો વધારો થઈ શકે છે. ગાંધીનગર જિલ્લામાં આવેલા શાહપુર ગામના સરપચં અર્પિત પટેલે કહ્યું, સામાન્ય રીતે દર 4 વર્ષે ભૌગોલિક પરિસ્થિતિ અને અન્ય મુદ્દાઓના આધારે ગ્રામ પંચાયત આકારણીના આધારે વેરો વસુલ કરે છે. ગામતળના મકાનના આકાર અને કિંમતના 50 પૈસા સુધી વેરો લેવામાં આવે છે. બિનખેતીમાં સ્ટેમ્પ ડ્યુટીના 0.50 પૈસાની આકરણી હોય, ઈન્ડસ્ટ્રીયલ આકારણી 0.60 પૈસાથી લઈ 0.75 પૈસા થાય છે. આ સિવાય લાઇટ, સફાઈ, પાણી, ગટર અને અન્ય વેરાનો ફિક્સ ચાર્જ નક્કી થાય છે. તેમણે એક ઉદાહરણ આપતા કહ્યું, જો ગામમાં 200થી 250 વીજ થાંભલા હોય તો તેના બિલની ગણતરી કરીને મિનિમમ બિલનો ફિક્સ ક્રાઇટેરિયા નક્કી થાય છે. એ જ રીતે સફાઈ વસૂલાત માટે 1 રૂપિયાનો નિયમ છે. પરંતુ ગ્રામ પંચાયત ઇચ્છે તો તેમાં કાયદેસર વધારો પણ કરી શકે છે. આમ, દરેક પંચાયતમાં ટેક્સ સ્લેબ અલગ-અલગ હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments