ગુવાહાટીથી પાસ આઉટ ગુજરાતી યુવકે વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ નીતિના આધારે એક એવી લેબ બનાવી છે, જેમાં બેસીને વિદ્યાર્થીઓ વિશ્વના કોઈપણ ખૂણામાં જઈ શકે છે. તમે વિચારતા હશો કે આ તો કેવી લેબ છે, જેમાં બેસીને કોઈપણ વિદ્યાર્થી વિશ્વના કોઈપણ ખૂણામાં જઈને માહિતી એકત્ર કરી શકે. IITથી બીટેક કરનાર હાર્દિક દેસાઈએ 5D લેબ બનાવી છે. 5D ચશ્માં અને સેન્સરવાળી ખુરશીમાં બેસીને વિદ્યાર્થીઓ ભારત જ નહીં, પરંતુ વિશ્વના કોઇપણ ખૂણામાં વાસ્તવિક રીતે પહોંચ્યા હોય અને માહિતી એકત્ર કરી રહ્યા હોય તેવી અનુભૂતિ કરી શકે છે. વિદ્યાર્થીઓ આ લેબના માધ્યમથી અનુભવ કરે છે કે નીલ આર્મસ્ટ્રૉંગ સાથે તેઓ ચંદ્ર પર ઊતરી રહ્યા છે જ્યાં ગ્રેવિટી નથી. VR, AIનો ઉપયોગ કરીને શિક્ષણને રસપ્રદ બનાવ્યું
સુરતના હાર્દિક દેસાઈએ 5D ડેવલપ કર્યું છે. તેઓ પોતાના સ્ટાર્ટઅપમાં આ કોન્સેપ્ટ લાવ્યા છે, જેમાં શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા અને તેમાં ટેક્નોલોજી કઈ રીતે લાવી શકાય તેનો ઉમેરો કર્યો છે. આ ટેક્નોલોજી હેઠળ તેઓએ 5D લેબમાં VR, AR અને AIનો ઉપયોગ કરીને શિક્ષણને રસપ્રદ બનાવ્યું છે. જે બાળકો પુસ્તકોથી દૂર ભાગે છે, તેઓને ચોક્કસ આ લેબ આકર્ષિત કરશે. આફ્રિકન જંગલ સફારીનો પણ અનુભવ લેબમાં બેસીને થઈ શકે
દાખલા તરીકે, જો કોઈ વિદ્યાર્થીને સ્પેસવોક શું છે એ સમજવું હોય, તો આ 5D ચશ્માં પહેરીને તે પોતે અનુભવ કરી શકે છે કે સ્પેસમાં કેવી રીતે વોક કરી શકાય. આવી જ રીતે સમુદ્રની અંદર સ્કૂબા ડાઈવિંગ કેવી રીતે થાય છે તે અનુભવ પણ આ 5D ચશ્માં પહેરીને બાળકો કરી શકે છે. આ દરમિયાન, જે પણ ચશ્માં પહેરીને વીડિયો આવે છે, તેમાં તેઓ પોતે એક જોયસ્ટિકના માધ્યમથી 360 ડિગ્રી પર તમામ ઓડિયો-વીડિયો માધ્યમને ઓપરેટ કરી શકે છે. આ સાથે બાળકોને આફ્રિકન જંગલ સફારીનો પણ અનુભવ લેબમાં બેસીને થઈ શકે છે. ખાસ સેન્સરવાળી ખુરશી પર બેસીને આ અનુભવ થાય છે
માત્ર 5D ચશ્માં લગાવવાથી આ અનુભવ રોચક નથી બનતો. આ માટે ખાસ ખુરશી બનાવવામાં પણ આવી છે. બાળકો જે પણ પ્રોગ્રામ શરૂ કરે છે તેના અનુસંધાને ખુરશીમાંથી હવા, સુગંધ, પાણી, અને કંપન જેવી વસ્તુઓ ઓપરેટ થતી હોય છે, જેના કારણે તેમને લાગે છે કે તેઓ વાસ્તવિક રીતે તે જ જગ્યાએ પહોંચી ગયા છે. દાખલા તરીકે, જો કોઈ બાળક આફ્રિકન જંગલમાં જાય અને ત્યાં સિંહ આવે, તો સિંહના આવ્યા પર જે કંપન અનુભવ થાય છે તે ખુરશી આપે છે. આવી જ રીતે સ્કૂબા ડાઈવિંગના પ્રોગ્રામિંગ સમયે ખુરશીમાંથી પાણી પણ નીકળે છે. શિક્ષણની ગુણવત્તા અને સંવર્ધન વધારવાનો સ્કોપ
હાર્દિક દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ 2020માં જ્યારે સર્વપ્રથમ કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિ લાવવામાં આવી, ત્યારે જ અમે વિચાર્યું કે કેવી રીતે શિક્ષણને રસપ્રદ બનાવી શકાય. આ લેબ થકી શિક્ષણની ગુણવત્તા અને સંવર્ધન વધારવાનો સ્કોપ અમે મૂક્યો છે. બાળક જ્યારે ચશ્માં પહેરીને ખુરશીમાં બેસે છે, ત્યારે આ ચશ્માંમાં 3Dના માધ્યમથી તે બીજી જગ્યાએ પહોંચી જાય છે. આ રીતે જો બાળકને શિક્ષણ આપવામાં આવે, તો તે ક્યારેય ભૂલશે નહીં, સરળતાથી યાદ રાખી શકશે અને તેની મૌલિકતા ખીલશે. 10થી વધુ સ્થળોએ આ પ્રોજેક્ટ ઉમેરવાનો પ્રયાસ
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ખાસ કરીને અમારો પ્રયત્ન રહ્યો છે કે, આ ટેક્નોલોજીથી જે પણ માહિતી આપી રહ્યા છીએ તે ગુજરાતીમાં હોય. કારણ કે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે અનેક સોફ્ટવેર સંસાધનો ઉપલબ્ધ હોય છે, પરંતુ ગુજરાતી માધ્યમનાં બાળકો માટે આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ હોતી નથી. અમે માતૃભાષામાં જ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં વધુ માનીએ છીએ. હાલ અમે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં આ લેબનું પ્રોગ્રામિંગ કર્યું છે. કઈ ભાષામાં આ પ્રોગ્રામિંગ હેઠળ શિક્ષણ ગ્રહણ કરવું છે તે વિદ્યાર્થીઓ પોતે પસંદ કરે છે. આવનારા દિવસોમાં આ પ્રકારની સુવિધા અમે હિન્દીમાં પણ રજૂ કરીશું. એટલું જ નહીં, દર મહિને આવા દસથી વધુ સ્થળો આ પ્રોજેક્ટમાં ઉમેરવાના પ્રયાસમાં છીએ. વિદ્યાર્થી ઓમનો અનુભવ
વિદ્યાર્થી ઓમ જણાવે કે, મેં સર્વપ્રથમ આમાં અપોલો 11 ચંદ્રયાન જોયું હતું. સૌપ્રથમ મને એમાં રોકેટ લોન્ચ બતાવવામાં આવ્યું હતું. જ્યારે પ્રથમ આ રોકેટ જોયું, ત્યારે ભયથી ઊભો થઈ ગયો, કારણ કે તે વાસ્તવિક લાગતું હતું. નીલ આર્મસ્ટ્રોંગ સાથે ચંદ્ર પર ગયો, કઈ રીતે પ્રથમ પગ ચંદ્ર પર મુકાય છે તે બતાવવામાં આવ્યું હતું, ત્યાં ગ્રેવિટી ન હોય ત્યારે કૂદીએ તેવો અનુભવ પણ ખુરશી અમને કરાવે છે, જેના કારણે અમને લાગતું હતું કે, અમે વાસ્તવિક રીતે ચંદ્ર પર પહોંચી ગયા છીએ. હું તો ડરીને ઊભો પણ થઈ ગયો હતો. પહેલા અમારા મોનિટરે અમને શિખવડાવ્યું હતું. આજે હું પોતે લેબનો મોનિટર છું. 45થી વધુ પ્રોગ્રામ
એક લેપટોપ જેટલી કિંમત હોય છે તેટલા ખર્ચમાં સુરતના હાર્દિક દેસાઈએ 5D લેબની એક ખુરશી બનાવી છે. જ્યારે ડિઝનીલેન્ડ, એપકોટ સેન્ટર, ચાર ધામ, દેશના પ્રાચીન મંદિર, આફ્રિકન જંગલ, સ્પેસ સેન્ટર, યુનિવર્સલ સ્ટુડિયોમાં અનુભવ કરવા મળે છે. હાલ વિદ્યાર્થીઓ સામાજિક વિજ્ઞાન, હિસ્ટ્રી, સાયન્સના પ્રયોગો અને નોલેજ તેમજ એડવેન્ચર જેવી વસ્તુઓનો અનુભવ મેળવી શકે છે. આ ઉપરાંત વિજ્ઞાનના 15થી વધુ પ્રયોગો વિદ્યાર્થીઓ વર્ચ્યુઅલી કરી શકશે. આ ઉપરાંત સ્પેસ વોક, ધાર્મિક સ્થળોનાં દર્શન, ડાંગ અને ગીરનાં જંગલો સહિતના 45થી વધુ પ્રોગ્રામ પણ ફિટ કરવામાં આવ્યા છે. સમગ્ર 5D લેબ મેઈડ ઈન સુરતની બનાવટ
સુરતના યુવાન હાર્દિક દેસાઈ દ્વારા આ 5D ડેવલપ કરવામાં આવી છે. આ લેબ બનાવવા માટે બનાવાયેલી દરેક વસ્તુ સુરતમાં જ બનાવાઈ છે. જેમાં વપરાયેલા સેન્સર, ખુરશી સહિતની તમામ વસ્તુ સુરતમાં બનાવવામાં આવી છે. એકમાત્ર 5D ચશ્માં બહારથી મંગાવવામાં આવ્યાં છે. હાર્દિક દેસાઈએ જણાવ્યું હતું કે અઢી વર્ષની મહેનત બાદ શાળામાં 5D લેબ ઊભી કરાઈ છે. હાલ એક સ્કૂલમાં આ લેબ શરૂ કરાઇ છે. આ લેબનો ઉપયોગ અન્ય સ્કૂલના વિદ્યાર્થીઓ પણ કરી શકશે. તેમજ જો કોઈ સ્કૂલ પાસે સગવડ હોય તો તેમના માટે આ સિસ્ટમ બનાવી દઈશું. તેમજ જો કોઈ સ્કૂલ પાસે સગવડ ન હોય તો અમારી ટીમ દાતાઓ શોધીને સિસ્ટમ ઈન્સ્ટોલ કરી આપશે.