ગુજરાતમાં આજે આકાશમાં રંગબેરંગી પતંગો છવાશે અને વાતાવરણમાં કાઈપો છે અને લપેટના નારા ગુંજી ઉઠશે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં મોડીરાત સુધી પતંગરસિકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો દિવસભર પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝિક સાથે ઊંધિયા-જલેબીની જયાફત માણવાની પણ પૂરતી તૈયારી કરી રાખી છે. તો બીજી તરફ ઉત્તરાયણના આ પર્વ પર કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે 108, કરૂણા અભિયાન અને ફાયરની ટીમો પણ ખડેપગે રહેશે. રાજ્યમાં 108ની કેવી છે તૈયારી?
ઉત્તરાયણના પર્વ પર સંભવિત અકસ્માતના બનાવને પહોંચી વળવા માટે 108ની ટીમ સજ્જ બની છે. ઉતરાયણ અને વાસી ઉતરાયણના દિવસે સૌથી વધુ ઇમરજન્સીના કેસો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી અને પંચમહાલ જેવા શહેરોમાં નોંધાતા હોય છે જેથી આ શહેરોના નાગરિકોએ તહેવાર દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. 108 ઇમરજન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉતરાયણ અને વાસી ઉતરાયણના બે દિવસના તહેવાર દરમિયાન કોઈપણ મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા અગાઉથી તૈયારીઓ કરી ફોરકાસ્ટ કરવામાં આવે છે. ઉત્તરાયણના બે દિવસના તહેવારમાં ગુજરાતમાં સામાન્ય રીતે વાહન અકસ્માત, ધાબા -છાપરા પરથી પડી જવાના કિસ્સા, પતંગની હાથ અને ગળામાં વાગવાથી, મારામારીના કેસ અને વિશેષરૂપે ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે ઈજા થતાં કેસો જોવા મળે છે. જેના માટે 108 સેવા સતત કાર્યરત રહેશે. આ વર્ષે ઉત્તરાયણે 4900 ઈમરજન્સી કેસ નોંધાવાની શક્યતા
108 રોજની 3000થી 4000 ઇમરજન્સી આવતી હોય છે. ચાલુ વર્ષે 14 અને 15જાન્યુઆરી 70 ટકા જેટલા કેસો વધે તેવું અનુમાન છે. 14 જાન્યુઆરી 4900 ઇમરજન્સી અને 15 જાન્યુઆરી 4500 ઇમરજન્સીના કેસો મળી શકે તેવું અનુમાન છે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ રહેશે.મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બાનાસકાંઠા, ગાંધીનગર, મહિસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં કેસો નોંધાઈ શકે છે. રસ્તાથી લઈ પાણી પર 108ની ટીમ તૈનાત
રોડ એમ્બ્યુલન્સ- 800
બોટ એમ્બ્યુલન્સ-2
એર એમ્બ્યુલન્સ-1 લોકોની સાથે અબોલ જીવની પણ ચિંતા કરાશે
ઉતરાયણના તહેવાર દરમિયાન પતંગની દોરીના કારણે પશુ પંખીઓને પણ ઇજાઓ થતી હોય છે. ત્યારે પશુ પક્ષીઓ માટે પણ મેડિકલ ઇમરજન્સી કાર્યરત હોય છે. કરુણા અભિયાન હેઠળ પશુ પક્ષીઓને પણ ઇમરજન્સી સારવાર મળી રહેશે. કુલ 87 એમ્બ્યુલન્સ અને દરેક એમ્બ્યુલન્સમાં 2 ટીમ હાજર રહેશે. ઉતરાયણમાં પશુ-પક્ષીઓ માટે 1962ને કોલ કરી શકાશે. પશુઓને મદદ કરવા માટે 1962ને કોલ કરી શકાય છે. 37 જેટલી એમ્બ્યુલન્સ મુખ્ય શહેરોમાં કાર્યરત છે. 1962 એમ્બ્યુલન્સ કરુણા અભિયાનનો નંબર છે. આવતીકાલ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલશે. 37 સિવાય 50 વધારાની એમ્બ્યુલન્સનું આયોજન કરાયું છે. ફાયરની ટીમો પણ એલર્ટ રહેશે
ઉતરાયણના તહેવાર દરમિયાન ધાબા પરથી પડી જવાના અને પશુ- પક્ષીઓ દોરીના કારણે ઇજાગ્રસ્ત, ઊંચાઈ પર બિલ્ડિંગમાં અથવા તારમાં ફસાઈ જતા હોવાના બનાવ બનતા હોય છે જેને લઈને અમદાવાદ ફાયર બ્રિગેડ પણ સતત કાર્યરત રહેશે. 14 અને 15 જાન્યુઆરીના રોજ કોઈપણ પક્ષી ફસાયુ હોય અથવા તો પડી જવાના કિસ્સામાં ફાયર બ્રિગેડના 101 નંબર ઉપર કોલ કરી મદદ મેળવી શકાશે. બે દિવસમાં સૌથી વધારે પક્ષીઓના આવા અંગેના કોલ મળતા હોવાના કારણે ફાયર બ્રિગેડ દ્વારા અલગ અલગ સંસ્થાઓ અને કરુણા અભિયાન સાથે સતત સંપર્કમાં રહેશે. જ્યાં પણ કોઈ પક્ષી ફસાયુ હોય અને જગગ્રસ્ત થયું હોય તો તેને ઉતારીને કરુણા એમ્બ્યુલન્સ અથવા NGO સંસ્થાને સોંપી દેશે.