નરસૈયાની નગરી, દત્ત અને દાતારની ભૂમિ આવી અનેક ઉપમા જેને મળી છે એ જૂનાગઢ શહેર વર્ષ 2007માં ભારે ચર્ચાનું એપિસેન્ટર બન્યું હતું. એ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી હતી પણ એ પહેલાં 13મી મેએ અહીં એક એવી ઘટના બની જેણે રાજકીય રંગ પકડી લીધો હતો. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં જાણો આખા ગુજરાતમાં ચર્ચા જગાવનારા 17 વર્ષ પહેલાંના ચાંદની હત્યા કેસ વિશે. આ કેસનો દોષિત મહેશ ચૌહાણ ઉર્ફ ભદો કચ્છની પાલારા જેલમાં સજા કાપી રહ્યો હતો પરંતુ તે જામીન પર છુટ્યા બાદ પાછો ન આવતા ચાંદની કેસ ફરીથી ચર્ચામાં આવ્યો છે. રાજકોટના રામજીભાઇ વિંઝવાડિયા પોતાના પરિવાર સાથે જૂનાગઢમાં રહેતા સગા સંબંધીને મળવા આવ્યા હતા. 13મી મેએ રામજીભાઇ અને તેઓ જેના ઘરે આવ્યા હતા એ સંબંધીએ ઉપલા દાતાર દર્શન કરવા જવાનું નક્કી કર્યું. આ સમયે રામજીભાઇની 15 વર્ષની પુત્રી ચાંદનીએ પોતાની એક બહેનપણીને પણ સાથે આવવા માટે કહ્યું હતું. રામજીભાઇનો પરિવાર અને તેના સંબંધીનો પરિવાર એમ કુલ 13 લોકો ખુશી-ખુશી ઉપલા દાતાર જવા નીકળ્યા. હસતા, કિલ્લોલ કરતા અને આનંદ માણતા આ લોકોને ક્યાં ખબર હતી કે તેમની સાથે એક એવી ઘટના બનવાની છે જે જિંદગીભરના વસવસાનું કારણ બનશે. દાતાર પર્વત પર 3,200 ફૂટની ઊંચાઇએ દાતાર બાપુની જગ્યા આવેલી છે. જ્યાં પહોંચવા માટે અંદાજે 5,000 સીડીઓ ચડવી પડે છે. રામજીભાઇનો પરિવાર અને તેમના સગા અહીં સવારે 11:30 વાગ્યે પહોંચ્યા, દર્શન કર્યા. બપોરે તેઓ પાછા આવી રહ્યા હતા. મનમાં ઉમંગ, આંખોમાં અનેક સપના અને હૈયામાં કોડ સાથે ચાંદની અને તેની બહેનપણી એકબીજા સાથે મસ્તી કરતા કરતા પર્વત પરથી તળેટી તરફ નીચે આવી રહ્યા હતા. આ સમયે રામજીભાઇ અને બાકીના સ્વજનો આગળ જતાં રહ્યા અને ચાંદની તેમજ તેની બહેનપણી પાછળ છૂટી ગયા. આગળ નીકળી ગયેલા પરિવારજનોને ખ્યાલ ન રહ્યો કે ચાંદની અને તેની બહેનપણી પાછળ છે. રસ્તામાં ચીંથરિયા પીરની જગ્યા આવે છે. તળેટી ત્યાંથી 300 પગથિયા જ દૂર હતી. બપોરે દોઢેક વાગ્યાનો સમય થયો હશે. ચાંદની અને તેની બહેનપણી નીચે આવી રહ્યા હતા. આ સમયે તેમણે પગથિયા નજીક બે શખસોને જોયા. આ શખસો હતા મોહન હમીર ગોહેલ અને તેનો સાગરિત મહેશ ઉર્ફે ભદો મૂળજી ચૌહાણ. આ લોકો ત્યાં પાણીની બોટલ વહેંચવાનો ધંધો કરતા હતા. બન્ને સખીઓને મોહન અને ભદાના ઇરાદા સારા ન લાગ્યા. હિંમત કરીને બન્ને બહેનપણીઓ ત્યાંથી નીકળવા ગઇ. જેવી તે આ બન્ને પાસેથી પસાર થઇ કે આ બન્ને શખસો છરી બતાવીને તેમને જંગલમાં ઢસડી ગયા. મોહન અને ભદાએ ચિક્કાર દારૂ પીધેલો હતો. તેમના મનમાં બદઇરાદા હતા. હવે અહીં આ બન્ને શખસોએ પોતાનું પોત પ્રકાશ્યું. તેમણે પોતાના બદઇરાદા છતા કર્યા અને ચાંદની તેમજ તેની બહેનપણીને છરી બતાવી પોતાને તાબે થવાનું કહ્યું. જો તાબે નહીં થાય તો છરીથી મારી નાખશે તેવી ધમકી પણ આપી. જેના કારણે ચાંદનીએ મદદ માટે બૂમો પાડવાનું શરૂ કર્યું. ચાંદનીની બૂમોથી ગભરાઇ ગયેલા બન્ને શખસોએ તેને ડરાવી અને બૂમો ન પાડવાનું કહ્યું પરંતુ ચાંદની ન માની. તેણે મદદ માટેની બૂમો પાડવાનું શરૂ જ રાખ્યું. જેના કારણે મોહન હમીરે પોતાની પાસે રહેલી છરીથી તેનું ગળું કાપી નાખ્યું અને લોહીથી લથપથ હાલતમાં ચાંદની ત્યાં જ ઢળી પડી. આ આખી ઘટના તેની બહેનપણીની નજર સામે બની ગઇ. ચાંદનીની બહેનપણી એકદમ હેબતાઇ ગઇ. હવે આ નરાધમો ચાંદનીની બહેનપણી તરફ વળ્યા. મોહન અને ભદો ચાંદનીની બહેનપણીને 50થી 60 પગથિયા નીચે ઢસડી ગયા. જ્યાં તેના પર બળાત્કાર ગુજાર્યો. બળાત્કાર બાદ બન્ને નરાધમોએ ચાંદનીની બહેનપણીની આંખે પાટા બાંધી દીધા. પાટા બાંધ્યા બાદ છરીનો પાછળનો ભાગ તેના માથામાં મારીને બેભાન કરી દીધી. થોડીવાર પછી જ્યારે ચાંદનીની બહેનપણીને ભાન આવ્યું ત્યારે તેને ખબર પડી કે બન્ને શખસો ભાગી ચૂક્યા હતા. આના પછી તે સીધી જ ચાંદની પાસે પહોંચી અને જોયું તો તે મૃત હાલતમાં પડી હતી. ચાંદનીની આ હાલત જોઇને તે પગથિયા પાસે પાછી આવી. આ તરફ આગળ જતા રહેલા પરિવારને ખ્યાલ આવ્યો કે ચાંદની અને તેની બહેનપણી તો અમારી સાથે નથી. એટલે બધા તેમને શોધવા માટે પાછા ફર્યા. પરિવારજનોને ચાંદનીની બહેનપણી મળી, તેણે રડતા રડતા આખો ઘટનાક્રમ જણાવ્યો. જેના પછી પરિવારજનો ચાંદનીને શોધવા માટે ગયા. જોયું તો ચાંદની લોહી નીકળતી હાલતમાં ત્યાં પડી હતી. તેનો મૃતદેહ જોઇને માતા-પિતા બેભાન થઇ ગયા. કલ્પાંત વચ્ચે પોલીસને જાણ કરાઇ. જેના પછી પોલીસ અને જૂનાગઢના તત્કાલિન ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. હિન્દુ-મુસ્લિમોની આસ્થાના કેન્દ્ર દાતારના પર્વત પર બનેલી આ ઘટનાની વાત જોતજોતામાં આખા શહેરમાં પ્રસરી ગઇ. લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો. ચાંદની કોળી સમાજની દીકરી હતી એટલે કોળી અને ખાંટ સમાજના આગેવાનો સિવિલ હોસ્પિટલે એકઠા થયા. જ્યાં સુધી આરોપીઓ ન પકડાય ત્યાં સુધી ચાંદનીના મૃતદેહનો કબજો સંભાળવાનો ઇન્કાર કરી દીધો. આગેવાનોની વાત સાંભળી પોલીસનું ટેન્શન વધી ગયું કારણ કે આરોપીઓ ફરાર હતા જેના કારણે મામલો વધુ ગરમાઇ રહ્યો હતો. મૂંઝવણમા મુકાઇ ગયેલી પોલીસે 24 કલાકમાં જ આરોપીઓને પકડવાની ખાતરી આપતા પરિવારજનોએ ઘટનાના 18 કલાક બાદ ચાંદનીની લાશ સ્વીકારી લીધી. જેના પછી ચાંદનીની અંતિમવિધિ કરાઇ. હવે પોલીસે બન્ને આરોપીઓની શોધખોળ તેજ કરી પણ કોઇ રીતે સફળતા મળતી નહોતી. આમને આમ 2-3 દિવસ વિતી ગયા. પોલીસે આપેલી 24 કલાકની ખાતરીનું પણ સૂરસૂરિયું થઇ ગયું. અઠવાડિયા સુધી પોલીસના હાથ ખાલી રહ્યા અને આ ઘટનાએ રાજકીય રંગ પકડી લીધો. કોળી અને ખાંટ સમાજે 20મી તારીખે જૂનાગઢ બંધનું એલાન આપ્યું. દર્શન કરવા આવેલા પરિવાર સાથે થયેલી આવી ઘટનાથી જૂનાગઢના સાધુ-સંતોમાં પણ ગુસ્સો ફાટી નીકળ્યો હતો એટલે સાધુ સંતો પણ આ બંધના સમર્થનમાં આગળ આવ્યા. હિચકારી ઘટનાના વિરોધમાં જૂનાગઢે 20મી તારીખે સ્વયંભૂ ઐતિહાસિક બંધ પાળ્યો. મહિલા, પુરૂષો મેદાને ઉતર્યા. શહેરના કાળવા ચોકમાં ચક્કાજામ કરાયો, આઝાદ ચોકમાં પોલીસ પર ચપ્પલ ફેંકાયા, સરદારચોકમાં પથ્થરમારો થયો, ચિત્તાખાના ચોકમાં લારીઓ ઊંધી વાળી દેવાઇ, બસ સ્ટેન્ડ પાસે દુકાનોના બોર્ડમાં તોડફોડ કરાઇ. પોલીસે કેટલીક જગ્યાએ હળવો બળપ્રયોગ પણ કર્યો. આ સ્વયંભૂ બંધની નોંધ આખા સૌરાષ્ટ્રમાં લેવાઇ. લોકોનો અકલ્પનીય રોષ જોઇને પોલીસ અને સરકાર ડઘાઇ ગયા. રાજ્ય સરકારે જૂનાગઢના ડીવાયએસપી મંગળસિંહ પરમારની જામનગર બદલી કરી નાખી અને તપાસનો દોર એડિશનલ ડીજીપી વી.કે.ગુપ્તાને સોંપ્યો. જેના પછી વી.કે.ગુપ્તા જૂનાગઢ પહોંચ્યા હતા અને જૂનાગઢ રેન્જના તત્કાલિન ડીઆઇજી મોહન ઝા, તત્કાલિન એસપી શૈલેષ કટારા સાથે બંધ બારણે બેઠક કરી હતી. આરોપીઓ ગિરનારના જંગલમાં છુપાયા હોઇ શકે તેવી આશંકાને પગલે પોલીસે 450 તાલીમી કોન્સ્ટેબલોને જંગલમાં ઉતાર્યા હતા. એકતરફ આકરી મહેનત છતાં પોલીસને આરોપીઓનો કોઇ અતોપતો નહોતો મળતો. બીજીતરફ લોકોમાં આક્રોશ વધી રહ્યો હતો. પોલીસની નિષ્ફળતાના આરોપસર હવે સૌરાષ્ટ્ર બંધનું એલાન અપાયું. રાજકોટમાં 4 સિટી બસ, મહાનગરપાલિકાની 2 વોર્ડ ઓફિસ અને જીઇબીની ઓફિસને સળગાવી દેવાઇ, કલેક્ટર કચેરીને ઘેરાવ કરાયો. અમરેલી, પોરબંદર, જામનગર જિલ્લામાં પણ સજ્જડ બંધ પળાયો. ચાંદનીની બહેનપણી એટલી બધી ગભરાઇ ગઇ હતી કે બન્ને આરોપી ન પકડાય ત્યાં સુધી તેના ઘરે 24 કલાક હથિયારધારી પોલીસની સિક્યોરિટી આપવી પડી. પોલીસે તેના ઘરની બહાર જ તંબૂ તાણ્યા હતા. ઘટનાના વિરોધમાં કોળી સમાજના કદાવર નેતા અને તત્કાલિન મંત્રી પરસોત્તમ સોલંકી 23મી મેએ કોળી સમાજના આગેવાનોને મળ્યા અને તેમને મંત્રીપદેથી રાજીનામાનો પત્ર સોંપી દીધો. મંત્રીના રાજીનામાથી સરકાર અને પોલીસ પર પ્રેશર વધ્યું. આરોપીઓને કોઇપણ ભોગે પકડી પાડવા પોલીસે મરણિયા પ્રયાસો શરૂ કર્યા. પોલીસના આ મરણિયા પ્રયાસોનું શું પરિણામ આવ્યું? મોટા-મોટા અધિકારીઓને હંફાવનારા બન્ને આરોપીઓનું શું થયું? તેમના કોઇ સગડ મળ્યા કે નહી? આ જાણવા જુઓ આવતીકાલનો ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો એપિસોડ. આ પણ વાંચો
ડૉક્ટર એકાંતમાં પ્રેમિકા સાથે કારમાં હતા ને બે બુકાનીધારી આવ્યા, પાર્ટ-1
ડૉક્ટર એકાંતમાં પ્રેમિકા સાથે કારમાં હતા ને બે બુકાનીધારી આવ્યા, પાર્ટ-2