રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. તેની વચ્ચે પતંગની દોરીના કારણે પાંચ લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. તો અનેક લોકોના ગળા કપાતા સારવાર માટે ખસેડવાની ફરજ પડી છે. સવારથી જ અલગ અલગ શહેરોમાંથી ઈમરજન્સી ફરિયાદો મળતા 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108ને 4256 ઈમરજન્સી કોલ મળી ચૂક્યા છે, ત્યારે આ અંકડામાં વધારો થવાની શક્યતા છે. અલગ અલગ ચાર શહેરોમાં 6 લોકોનાં મોત
રાજ્યમાં મકરસંક્રાતિની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે જ ચાર લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીના કારણે મોત નિપજ્યું હતું. ત્રીજો બનાવ હાલોલના રાહતલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મૃત્યુ થયું છે. પરેશભાઈ તેમના પુત્ર કુણાલને ટુ વ્હીલર પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. દોરી ઘસાવાથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. ઈજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલ વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું છે. વડનગરમાં 35 વર્ષીય યુવકનું પંતગની દોરીથી ગળું કપાતા મોત
મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણની ઉજવણી વચ્ચે એક દુખદ ઘટના સામે આવી છે. વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય માનસાજી રગુંજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત નિપજ્યું છે. બનાવની વિગતો મુજબ, માનસાજી પોતાના બાઈક પર વડનગર કામ અર્થે ગયા હતા. બપોરે કામ પૂરું કરી ઘરે પરત ફરતી વખતે તેમના ગળાના ભાગે અચાનક ઘાતક દોરી વાગી હતી. ગંભીર ઈજાઓ સાથે તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.મૃતકના ભાઈ મોનાજી ઠાકોરે જણાવ્યું કે માનસાજી ઘર નજીક પહોંચ્યા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. ત્રણ બાળકોના પિતા એવા માનસાજીના અકાળ અવસાનથી સમગ્ર પરિવાર અને વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. વડોદરામાં પતંગની દોરીથી 6ના ગળા કપાયા, એકનું મોત
વડોદરા શહેરમાં ઉતરાયણ પર્વને લઈને ગળા કપાવવાની 6 ઘટનાઓ સામે આવી છે. આ પૈકી પાંચ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. જ્યારે છાણીના 35 વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલનું દોરીથી ગળુ કપાવતી મોત નીપજ્યું છે. શહેરમાં એક બનાવ ધાબા ઉપરથી પડી જવાનો સામે આવ્યા છે જે વ્યક્તિ હાલમાં બેભાન અવસ્થામાં છે. 6 વાગ્યા સુધીમાં 108ને 3707 ઈમરજન્સી કોલ મળ્યા
રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વ પર સવારથી જ 108 એમ્બ્યુલન્સ દોડતી રહી છે. સાંજે 6 વાગ્યા સુધીમાં 108ના કોલ સેન્ટરને 3707 જેટલા ઈમરજન્સી કોલ મળી ચૂક્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 732 જ્યારે 320 કોલ સાથે સુરત બીજા ક્રમે રહ્યું છે. જિલ્લા વાઈઝ નોંધાયેલા ઈમરજન્સી કોલના આંકડા નીચે મુજબ છે. 1402 પશુ-પંખીઓ ઘાયલ થયા
ઉત્તરાયણ પર્વ પર લોકોની સાથે અબોલ પશુ-પંખીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો નોંધાયો છે. સાંજે છ વાગ્યા સુધીમાં કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમરન્સી કોલ મળી ચૂક્યા છે. જેમાં 758 પશુના અને 644 પક્ષીઓના હતા. રાજ્યમાં 108ની કેવી છે તૈયારી?
ઉત્તરાયણના પર્વ પર સંભવિત અકસ્માતના બનાવને પહોંચી વળવા માટે 108ની ટીમ સજ્જ બની છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સૌથી વધુ ઇમર્જન્સીના કેસો અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, નવસારી અને પંચમહાલ જેવાં શહેરોમાં નોંધાતા હોય છે, જેથી આ શહેરોના નાગરિકોએ તહેવાર દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. 108 ઇમર્જન્સી સેવાના ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસના તહેવાર દરમિયાન કોઈપણ મેડિકલ ઇમર્જન્સીને પહોંચી વળવા અગાઉથી તૈયારીઓ કરી ફોરકાસ્ટ કરવામાં આવે છે. ઉત્તરાયણના બે દિવસના તહેવારમાં ગુજરાતમાં સામાન્ય રીતે વાહન અકસ્માત, ધાબા -છાપરાં પરથી પડી જવાના કિસ્સા, પતંગની દોરી હાથ અને ગળામાં વાગવાથી, મારામારીના કેસ અને વિશેષરૂપે ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે ઈજા થતાં કેસો જોવા મળે છે. એના માટે 108 સેવા સતત કાર્યરત રહેશે. આ વર્ષે ઉત્તરાયણે 4900 ઇમર્જન્સી કેસ નોંધાવાની શક્યતા
108 રોજની 3000થી 4000 ઇમર્જન્સી કેસ આવતા હોય છે. ચાલુ વર્ષે 14 અને 15 જાન્યુઆરી 70 ટકા જેટલા કેસો વધે એવું અનુમાન છે. 14 જાન્યુઆરી 4900 ઇમર્જન્સી અને 15 જાન્યુઆરી 4500 ઇમર્જન્સીના કેસો મળી શકે એવું અનુમાન છે. 108ના તમામ સ્ટાફ વિવિધ હોસ્પિટલની સાથે કનેક્ટ રહેશે. મુખ્ય જિલ્લાઓ, જેમ કે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ગાંધીનગર, મહીસાગર, નવસારી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, અને સુરેન્દ્રનગરમાં કેસો નોંધાઈ શકે છે.