સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં મકરસંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. 14 જાન્યુઆરી 2025ના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતીથી કાર્યક્રમની શરૂઆત થઈ. કષ્ટભંજનદેવને પતંગના વાઘા પહેરાવવામાં આવ્યા અને મંદિરને રંગબેરંગી પતંગો અને ફીરકીઓથી શણગારવામાં આવ્યું. દાદાને મમરા-તલના લાડુ, કાળા-સફેદ તલ-દાળિયાની ચીકી, શીંગ, ખજૂર, ડ્રાયફ્રૂટ્સ અને કચરિયાનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો. મંદિરની ગૌશાળામાં સવારે 9થી 11 દરમિયાન વિશેષ ગૌ પૂજન કાર્યક્રમ યોજાયો, જેમાં 108 ગાયોનું પૂજન કરવામાં આવ્યું. આ દરમિયાન ગૌ વંશ દર્શન, ગૌ વત્સ દર્શન, ગૌ નામાવલીથી પૂજન, ગૌ ચરણ પ્રક્ષાલન, પુષ્પવૃષ્ટિ, ગૌ અર્ધ્ય પ્રદાન અને રેશમ વસ્ત્ર સમર્પણ જેવી વિધિઓ કરવામાં આવી. બપોરે 11:30 કલાકે પવિત્ર ધનુર્માસ નિમિત્તે ચાલી રહેલા શ્રી હનુમાન ચાલીસા યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે સૂર્યદેવ ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે, જેને સંક્રાંતિ કહેવાય છે અને આ દિવસે ભારતભરમાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવે છે.