વેરાવળના પ્રખ્યાત સોમનાથ મંદિરમાં મકરસંક્રાંતિના પાવન અવસરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. પ્રાતઃ આરતી બાદ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના હસ્તે સૂર્યપૂજન અને ગૌપૂજન કરવામાં આવ્યું. મંદિર પરિસરમાં આયોજિત ગૌપૂજનમાં ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળામાંથી લાવવામાં આવેલી ગૌમાતાનું શૃંગાર સહિત વિધિવત પૂજન કરાયું. આ વિશેષ પૂજનમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 300થી વધુ ભક્ત પરિવારો ઓનલાઈન માધ્યમથી જોડાયા. મકરસંક્રાંતિના પુણ્યકાળમાં શ્રી સોમનાથ મહાદેવનો શુદ્ધોદક જળ, દૂધ, દહીં અને સાકર સાથે તલ મિશ્રિત વિશેષ અભિષેક કરવામાં આવ્યો. પુરાણોમાં તલનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શિવપુરાણ મુજબ તલદાન અત્યંત ફળદાયી માનવામાં આવે છે, જ્યારે બૃહન્નાર્દીય પુરાણ અનુસાર પિતૃકર્મમાં તલના ઉપયોગથી પિતૃઓને હજાર વર્ષ સુધી સ્વર્ગવાસ મળે છે. આ પવિત્ર દિવસે મંદિરમાં આખો દિવસ વિશેષ શૃંગાર અને અભિષેકમાં સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના દર્શન કરી દેશ-વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા. સમગ્ર કાર્યક્રમ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે વિશ્વકલ્યાણની પ્રાર્થના સાથે સંપન્ન થયો.