2025માં PoK આપણું હશે? અમિત શાહે કાશ્મીરને કશ્યપ ઋષિ સાથે કેમ જોડ્યું? ‘જમ્મુ-કશ્મીર એન્ડ લદ્દાખ, થ્રુ ધ એજિસ’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ દિલ્હીમાં હતો. એ કાર્યક્રમમાં અમિત શાહે બે વાત મહત્વની કરી.
જે પણ આપણે ગુમાવ્યું છે તે આપણે જલ્દી મેળવી લેશું
કાશ્મીરને કશ્યપની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. શક્ય છે કે તેમના નામ પરથી કાશ્મીરનું નામ પડ્યું હોય.
2025ની શરૂઆત સાથે જ ગૃહમંત્રી અમિત શાહે આ ગર્ભિત ઈશારો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર PoK પાછું મેળવવા માટે કર્યો. એનો અર્થ એવો થયો કે, કાશ્મીરમાં મહેબૂબા સરકાર ગઈ અને અબ્દુલ્લા સરકાર આવી પછી ભાજપ તેનો સાથ લઈને PoK પાછું મેળવવા ચોક્કસ સ્ટ્રેટેજી ગોઠવી રહ્યો છે. નમસ્કાર, અમિત શાહ, રાજનાથ સિંહ, યોગી આદિત્યનાથ, જે.પી.નડ્ડા, એસ. જયશંકર જેવા ભાજપના મંત્રીઓએ 2024માં PoK વિશે નિવેદનો આપીને ગયા વર્ષે જ આ ક્ષેત્ર પાછું મેળવવાનો સંકેત આપી દીધો હતો કે, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતનું હતું, ભારતનું છે ને ભારતનું રહેશે. પાકિસ્તાને કાશ્મીરના રાજાને ચેતવણી આપતો પત્ર લખ્યો હતો
દેશની આઝાદીના સમય સુધીમાં 560 રજવાડાંએ ભારતમાં જોડાવાનું નક્કી કર્યું, પણ જૂનાગઢ, જમ્મુ-કાશ્મીર અને હૈદરાબાદના રાજાઓએ એવો નિર્ણય લીધો કે, અમારે ન તો ભારત સાથે જોડાવું છે, ન તો પાકિસ્તાન સાથે. અમે સ્વતંત્ર્ય રહેવા માગીએ છીએ. વિલિયમ નોર્મન બ્રાઉને પોતાના પુસ્તક ‘યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ ઈન્ડિયા એન્ડ પાકિસ્તાન’માં લખ્યું છે – 24 ઓગસ્ટ 1947ના રોજ પાકિસ્તાને મહારાજા હરિ સિંહને એક ચેતવણી પત્ર મોકલ્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘કાશ્મીરના મહારાજા માટે પોતાની પસંદગીનો નિર્ણય લેવાનો સમય આવી ગયો છે, તમારે પાકિસ્તાનની પસંદગી કરવી જોઈએ. જો કાશ્મીર પાકિસ્તાન સાથે નહીં જોડાય તો એને ગંભીર સંકટનો સામનો કરવો પડશે.’ પાકિસ્તાનીઓ કાશ્મીરમાં ઘૂસ્યા અને આ રીતે બન્યું PoK
પત્ર લખ્યાના લગભગ બે મહિના પછી 22 ઓક્ટોબર 1947ના રોજ પાકિસ્તાને ઉત્તર-પશ્ચિમ સરહદી પ્રાંતના કબાલીઓને એકત્ર કરીને ઓપરેશન ગુલમર્ગ શરૂ કર્યું. આધુનિક હથિયારોથી સજ્જ અને પાકિસ્તાની સેનાના સીધા નિયંત્રણ હેઠળ લગભગ 2000 કબાલીઓ વાહનો દ્વારા અને પગપાળા કાશ્મીરના મુઝફ્ફરાબાદ પહોંચ્યા. 22 ઓક્ટોબરના દિવસે કબાલીઓએ મુઝફ્ફરાબાદ પર કબજો મેળવ્યો અને 26 ઓક્ટોબર સુધીમાં ઉરી અને બારામુલ્લા તેમના કબજામાં હતા. 26 ઓક્ટોબરે મહારાજા હરિ સિંહ પોતાનો જીવ બચાવીને શ્રીનગરથી જમ્મુ પહોંચ્યા હતા. એ જ દિવસે હરિ સિંહે ભારત સાથે કાશ્મીરના જોડાણના પત્ર પર હસ્તાક્ષર કર્યા. આ રીતે કાશ્મીર ભારતનો ભાગ બન્યું પણ પાકિસ્તાને આ જોડાણ સ્વીકાર્યું નહીં. 1948માં કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધનો માહોલ ઊભો થયો. પંડિત નહેરૂએ કાશ્મીરનો મુદ્દો UNમાં ઉઠાવ્યો. અંતે સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ 1 જાન્યુઆરી 1949ના રોજ બંને દેશ વચ્ચે યુદ્ધવિરામ થયો અને કાશ્મીરમાં બંને દેશો વચ્ચે સરહદ રેખા નક્કી કરવામાં આવી, જેને નિયંત્રણ રેખા અથવા LoC કહેવામાં આવે છે. જમ્મુ-કાશ્મીરના રજવાડાનો ભાગ જે પાકિસ્તાન દ્વારા કબજે કરવામાં આવ્યો હતો એને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર એટલે કે PoK કહેવામાં આવ્યું. 1971ના યુદ્ધ પછી આ પરિવર્તન આવ્યું
1971ના યુદ્ધમાં હાર બાદ પાકિસ્તાને ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિસ્તારને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, એટલે કે PoKથી અલગ કરી દીધો. એને પાકિસ્તાનના ઉત્તરીય વિસ્તારો નામ આપવામાં આવ્યું હતું. પાકિસ્તાને બાકીના ભાગનું નામ આઝાદ કાશ્મીર રાખ્યું. હાલમાં ભારત પાસે જમ્મુ-કાશ્મીર રજવાડાનો 60%, પાકિસ્તાન પાસે 30% અને ચીન પાસે લગભગ 10% છે. આજે પણ આ જ સ્થિતિ છે. જમ્મુ-કાશ્મીરના હાલમાં 7 ભાગ છે. 6 ભાગમાં વહેંચાયેલું છે જમ્મુ-કાશ્મીર PoK સંબંધિત કાયદામાં મોદી સરકારે મોટો ફેરફાર કર્યો
જમ્મુ-કાશ્મીર રજવાડાની સમગ્ર જમીન ભારતની છે. રાજા હરિ સિંહે જમ્મુ-કાશ્મીરના રજવાડાને ભારતમાં સંપૂર્ણપણે ભેળવી દેવાના કાગળ પર હસ્તાક્ષર કર્યા હતા. ભારતીય સંસદનાં બંને ગૃહોએ 22 ફેબ્રુઆરી 1994ના રોજ સર્વસંમતિથી એક ઠરાવ પસાર કર્યો હતો, જેમાં ભાર મૂકવામાં આવ્યો હતો કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને પાકિસ્તાને તેના કબજા હેઠળની જમીન ખાલી કરવી જ જોઈએ. ડિસેમ્બર 2023માં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં જમ્મુ-કાશ્મીર સંબંધિત બે બિલ રજૂ કર્યા- બંને ગૃહોમાંથી પસાર થયા બાદ હવે આ બિલ કાયદા બની ગયા છે. આ બિલ રજૂ કરતી વખતે તેમણે બે વાત કહી… PoKને ભારતમાં ભેળવવું સરળ છે?
હકીકતે PoKને ભારતમાં ભેળવવું ખૂબ મુશ્કેલ છે. જો ભારત પીઓકેને જોડે છે, તો માત્ર ત્યાંની જમીન જ નહીં, પણ ત્યાંના લોકો પણ ભારતનો એક ભાગ બની જશે, કારણ કે ત્યાં રહેતા 30 લાખ લોકોને બહાર કાઢવા શક્ય નહીં બને. પાકિસ્તાનનો ભાગ એવા કાશ્મીરના લોકોની વંશીયતા અલગ છે. ત્યાંના લોકોની ભાષા અને જીવનશૈલી અલગ છે. આવી સ્થિતિમાં બંદૂકના જોરે બધું જ થઈ શકતું નથી. જ્યાં સુધી ત્યાંના લોકો ભારતમાં ભળવા માગતા નથી ત્યાં સુધી ભારત માટે PoKનું વિલિનીકરણ કરવું સરળ નથી. PoKના પંજાબી મુસ્લિમો પાકિસ્તાનને વફાદાર છે
1947 પછી પાકિસ્તાન જાણતું હતું કે ભારત PoK માટે કોઈપણ સમયે યુદ્ધ શરૂ કરી શકે છે. પાકિસ્તાન આના માટે તૈયાર છે. ઇસ્લામાબાદે 1984માં પીઓકેના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં રાજ્ય વિષયનો નિયમ નાબૂદ કર્યો. આ પછી પાકિસ્તાનના કોઈપણ અન્ય ભાગનો નાગરિક ત્યાં જમીન ખરીદી શકે છે. આનું પરિણામ એ આવ્યું છે કે PoKની ડેમોગ્રાફી ઘણી બદલાઈ ગઈ છે. હવે પંજાબી મુસ્લિમોની મોટી વસતિ અહીં રહેવા લાગી છે, જેઓ પાકિસ્તાન સરકારને વફાદાર છે. PoK ભારત માટે વ્યૂહાત્મક રીતે કેટલું મહત્ત્વનું છે?
POK રણનીતિકરૂપથી આપણા માટે મહત્વનું છે. તે ઘણી આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલું છે. પશ્ચિમમાં પાકિસ્તાનનું પંજાબ, ખૈબર પખ્તુનવા, ઉત્તર પશ્ચિમમાં અફઘાનિસ્તાનનો વિસ્તાર અને ઉત્તરમાં ચીનનો શિનઝીયાન પ્રાંત સામેલ છે. લગભગ 13 હજાર વર્ગ કિલોમીટરના આ વિસ્તારમાં લગભગ 30 લાખની વસ્તી છે. PoKની સરહદ અફઘાનિસ્તાન સાથે જોડાયેલી છે. જો આ ભાગ ભારતમાં મળી જશે તો ભારત રોડ માર્ગે અફઘાનિસ્તાન પહોંચી શકે છે. આનાથી ભારતને તજાકિસ્તાન જેવા મધ્ય એશિયાના દેશોમાં કુદરતી ગેસ અને કુદરતી સંસાધનથી સમૃદ્ધ વિસ્તારોમાં પ્રવેશ મળશે. આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે પણ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ સુધી ચીનની પહોંચ સરળ બની ગઈ છે. ચીન PoKમાં CPEC પ્રોજેક્ટ બનાવી રહ્યું છે. આ જગ્યાએથી ચીન સરળતાથી ભારતીય નૌકાદળ પર નજર રાખી શકશે. આવી સ્થિતિમાં જો આ ભાગ ભારતમાં મળી જાય તો આપણે ચીન અને પાકિસ્તાનની આ યોજનાને નિષ્ફળ બનાવી શકીએ છીએ તેમજ ભારતીય સેનાને તમામ ઊંચાઈવાળાં સ્થળો પર તહેનાત કરવામાં આવશે. મોદી સરકાર PoK માટે જલ્દી નિર્ણય લઈ શકે છે?
ડિફેન્સ એક્સપર્ટ જે.એસ. સોઢીએ મીડિયા ઈન્ટરવ્યૂમાં કહેલું કે, મને નથી લાગતું કે ભારત અત્યારે આટલો મોટો નિર્ણય લઈ શકે. આ એક-બે વર્ષનો પ્લાન નથી, પરંતુ ઘણાં વર્ષોનો પ્લાન છે. ભારતે 1971નું બાંગ્લાદેશ યુદ્ધ માત્ર 13 દિવસમાં જીતી લીધું હતું. તેનું એક મુખ્ય કારણ એ હતું કે ત્યાંની સમગ્ર વસતિ ભારત સાથે હતી. જો ત્યાંના લોકો ભારતની સાથે ન હોત તો સેના ગમે તેટલી મજબૂત હોય, યુદ્ધ આસાનીથી પૂરું ન થાત. એનું ઉદાહરણ એ છે કે વિશ્વની સૌથી શક્તિશાળી ઇઝરાયલ સેના છેલ્લા દોઢ વર્ષથી લડી રહી છે, પરંતુ તે નાની ગાઝાપટ્ટી પર કબજો કરી શકી નથી. PoK માટે કોણે શું કહ્યું છે?
PoK પર કબજો કરવા માટે અમારે બળનો ઉપયોગ નહીં કરવો પડે, કારણ કે ત્યાંના લોકો કહેશે કે અમારે ભારતમાં ભળી જવું જોઈએ. એવી માગ પણ હવે ઉઠવા લાગી છે. PoK આપણું હતું, છે ને રહેશે.
– રક્ષામંત્રી રાજનાથસિંહે PTIને 5 મે 2024ના દિવસે ઈન્ટરવ્યૂ આપ્યો હતો PoKને લઈને સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. દરેક રાજકીય પક્ષ માને છે કે PoK ભારતનો ભાગ છે. કલમ 370 પછી અમારી સરકાર PoKને ફરીથી ભારતનો ભાગ બનાવવા પ્રતિબદ્ધ છે.
– વિદેશમંત્રી એસ.જયશંકરે 9 મે 2024ના દિવસે એક કાર્યક્રમમાં આ વાત કરી હતી. PoK ભારતનો ભાગ છે અને અમે એને લઈને રહીશું. યોગ્ય સમયે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
– ગૃહમંત્રી અમિત શાહે 15 મે 2024એ ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કરી હતી. શ્યામા પ્રસાદ મુખરજીએ સૂત્ર આપ્યું હતું કે- વો કાશ્મીર હમારા હૈ, જો સારા કા સારા હૈ. PoKને ભારતમાં ભેળવીને ભાજપ તેનો એજન્ડા પૂરો કરશે. PM મોદીના નેતૃત્વમાં PoK લેવું તે નક્કી છે.
– ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 6 જુલાઈ, 2024ના દિવસે જમ્મુ-કાશ્મીરની વર્કિંગ કમિટિની બેઠકમાં વાત કરી હતી. જો જમ્મુ-કાશ્મીરમાં ભાજપની સરકાર હોય તો પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ભારતમાં વિલિન થવા તત્પર છે. ત્યાંના લોકો ભારતમાં ભળવા ઈચ્છે છે.
– યોગી આદિત્યનાથે 4 સપ્ટેમ્બર 2024ના દિવસે કાશ્મીરની સભામાં સંબોધન વખતે આ વાત કરી હતી દિલ્હીમાં અમિત શાહે શું કહ્યું?
દિલ્હીમાં પુસ્તક ‘જમ્મુ-કશ્મીર એન્ડ લદ્દાખ, થ્રુ ધ એજિસ’ના વિમોચન સમયે ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, કાશ્મીર ફરી એકવાર આપણા ભૂસાંસ્કૃતિક રાષ્ટ્ર ભારતનું અભિન્ન અંગ બનીને ભારતની સાથે વિકાસના રસ્તે ચાલ્યું છે. ત્યાં પણ લોકતંત્ર પ્રસ્થાપિત થયું છે. અમિત શાહે પીઓકેનું નામ લીધા વગર કહ્યું કે, મને વિશ્વાસ છે કે, આપણે જે પણ આપણે ગુમાવ્યું છે તે આપણે જલ્દી પ્રાપ્ત કરી લેશું. એક રીતે જોઈએ તો દુનિયાભરના દેશોનું અસ્તિત્વ એ જિયોપોલિટિકલ અસ્તિત્વ છે. સરહદોથી બનેલા દેશ છે. કોઈ યુદ્ધથી જનમ્યો છે તો કોઈ સમૃદ્ધિથી જનમ્યો છે. દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જે જિયોકલ્ચર દેશ છે. તેની સરહદ સંસ્કૃતિથી બની છે. કલમ 370એ જ યુવાનોના મનમાં અલગાવવાદનું બી રોપવાનો પ્રયાસ કર્યો. મુસ્લિમ વસ્તી દેશના ઘણા ભાગોમાં છે. બીજી કોઈ જગ્યાએ કેમ આતંકવાદ નથી? ભારત અને કાશ્મીરનું જોડાણ ટેમ્પરરી છે એવી ભ્રામક વાતો ફેલાવવાનું કામ અલગાવવાદીઓએ કર્યું. તેના કારણે વર્ષો સુધી કાશ્મીરમાં આતંકવાદનો નગ્ન નાચ થતો રહ્યો. કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ હતું, આજે પણ છે અને હંમેશા રહેશે. અમિત શાહે કહ્યું કે, કાશ્મીર એ કશ્યપની ભૂમિના નામથી ઓળખાય છે. બની શકે કે કશ્યપના નામ પરથી જ કાશ્મીર નામ પડ્યું હશે. ઈતિહાસ કહે છે કે, મહર્ષિ કશ્યપ જ કાશ્મીરના પહેલા રાજા હતા. કાશ્મીર ઘાટીમાં સૌથી પહેલાં કશ્યપ સમાજનો નિવાસ થયો. મહાભારતકાળમાં કાશ્મીરની ભૂમિ પર ગણપતયાર અને ખીર ભવાની મંદિરનો પણ ઉલ્લેખ છે. કાશ્મીરનો સંબંધ કશ્યપ ઋષિ સાથે કેવી રીતે છે?
કાશ્મીર પર લખાયેલા સૌથી જૂના પુસ્તક નીલમત પુરાણમાં કશ્યપ ઋષિ અને કાશ્મીરનો ઉલ્લેખ છે. આ પ્રમાણે કાશ્મીર ઘાટીમાં પહેલા સતીસર નામનું વિશાળ સરોવર હતું, જેમાં જલોદ્ભવ નામનો રાક્ષસ રહેતો હતો. જલોદ્ભવે તપસ્યા કરી અને બ્રહ્મા પાસેથી પાણીમાં ન મરવાનું વરદાન લીધું. આ પછી તેણે ઘાટીમાં રહેતા સાપોને પરેશાન કરવાનું શરૂ કર્યું. એકવાર બ્રહ્માના પૌત્ર ઋષિ કશ્યપ હિમાલયમાં તીર્થયાત્રા કરતા કરતા આ ક્ષેત્રમાં આવ્યા ત્યારે તેમને જલોદ્ભવના આતંકની જાણ થઈ. ઋષિ કશ્યપે વરાહ-મૂલાની ટેકરીનો એક ભાગ કાપીને સરોવરને સુકવી નાખ્યું અને જલોદ્ભવ મરી ગયો. કશ્યપે ત્યાં રહેતા સાપોને આદેશ આપ્યો કે તે માણસોને પણ અહીંયા રહેવા દે. ઋષિ કશ્યપના નામ પર કશ્યપપુરાની સ્થાપના થઈ. સમયજતાં કશ્યપપુરાનું નામ કાશ્મીર થયું. કોણ હતા કશ્યપ ઋષિ?
કશ્યપ ઋષિ ભગવાન બ્રહ્માના માનસ પુત્ર મરીચી અને કર્દમ ઋષિની પુત્રી કલાના પુત્ર હતા. વિષ્ણુ પુરાણ અનુસાર ઋષિ કશ્યપ સાત ઋષિઓમાંથી એક હતા, જેમણે બ્રહ્માંડની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મહાભારત અને અનેક પુરાણો અનુસાર તેમની 17 પત્નીઓ હતી, જેમાંથી 13 પત્નીઓ પ્રજાપતિ દક્ષની પુત્રીઓ હતી. ઋષિ કશ્યપને ઘણા માનસ પુત્રો હતા. તેમની પત્ની અદિતિથી દેવતાઓ અને દિતિથી અસુરો અને દાનુમાંથી દાનવોનો જન્મ થયો હતો. કશ્યપ ઋષિએ કશ્યપ સંહિતા, સ્મૃતિ ગ્રંથ જેવા ગ્રંથોની રચના કરી હતી. છેલ્લે,
નીલમત પુરાણ’માં અને બૃહદ્દસંહિતામાં ઘાટી માટે ‘કાશ્મીર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાશ્મીરમાં રહેતા લોકો માટે કાશ્મીરા શબ્દ હતો. આપણે કાશ્મીર કે કાશ્મીરાને એકબાજુએ મુકીને PoK પાછું લેવાના કરિશ્માની રાહ જોઈએ છીએ. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી)