સુરતના જહાંગીરાબાદમાં હિંદુ યુવતી સાથે લિવ ઈન રિલેશનશિપમાં ભાડેથી રહેવા પશ્ચિમ બંગાળના મુસીબુલ શેખે પોતાનું હિંદુ નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવતા એસઓજીના હાથે ઝડપાયો છે. એસઓજીએ તેની પાસેથી બે આધારકાર્ડ, એક પાનકાર્ડ અને એક ફોર વ્હીલ ગાડીની આરસી બુકની પીવીસી કાર્ડ તેમજ 15 હજારની કિંમતનો મોબાઇલ કબજે કર્યો છે. હિંદુ વિસ્તારમાં ભાડેથી મકાન કોઈ આપતું ન હોવાને કારણે તેણે બોગસ આધારકાર્ડ બનાવ્યો હતો. આ આધારકાર્ડ તેણે મોબાઇલમાં એપ્લીકેશનમાં એડીટીંગ કરીને બનાવ્યો હોવાનું રટણ કરી રહ્યો છે. જોકે પોલીસને આ વાત ગળે ઉતરે તેમ નથી. પશ્વિમ બંગાળનો મુસીબુલ શેખ સુરતમાં સ્પામાં યુવતીઓને સપ્લાય કરતો હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. જો કે, તેણે પોલીસ સમક્ષ રિંગરોડની માર્કેટમાં ટેક્ષટાઇલ ડિઝાઇનીંગનું કામ કરતો હોવાની વાત કરી છે. જોકે આ વાત ખરેખર સાચી છે કે કેમ તે તપાસનો વિષય છે. હાલમાં એસઓજીના સ્ટાફે રાંદેર પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે મુસીબુલની ધરપકડ કરી છે. ફેસબુકના માધ્યમથી મમતા સાથે સંપર્કમાં આવ્યો હતો
મમતા મૂળ નેપાળની છે અને તે પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયેલી છે. મમતા સાથે આરોપી મુસીબુલ ઉર્ફે રાજ ઉર્ફે પ્રદીપ મકબુલ શેખને ફેસબુકના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી એકબીજાને પ્રેમ કરે છે. છેલ્લા દોઢ મહિનાથી તે મમતાને લઈ સુરત ચાલી આવ્યો હતો અને ભાડાના મકાનમાં જહાંગીરબાદમાં રહેતો હતો.