અમેરિકાના લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 25 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગુમ છે. ન્યૂઝ એજન્સી AP મુજબ 90 હજાર લોકોને ઈમરજન્સી એક્ઝિટ એલર્ટ (શહેર છોડવાની ચેતવણી) આપવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 50 લોકોની ધરપકડ કરી છે. આ લોકો પર લૂંટફાટ, ફાયર એરિયામાં ડ્રોન ઉડાડવા અને કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા જેવા અનેક આરોપો છે. મંગળવારે પવનની ગતિ અનુમાન કરતાં ઓછી હતી, જેણે આગને કાબૂમાં લેવામાં બચાવ ટીમને ઘણી મદદ કરી હતી. હાલમાં પેલિસેડ્સ અને ઈટન સિવાય આગ લગભગ કાબુમાં છે. આગથી અત્યાર સુધીમાં 12 હજારથી વધુ ઈમારતો નાશ પામી છે, જ્યારે 155 ચોરસ કિલોમીટરનો વિસ્તાર રાખ થઈ ગયો છે. નેશનલ વેધર સર્વિસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહ્યું – અમે હજુ પણ સંપુર્ણ રીતે ખતરાની બહાર નથી. જો કે, મંગળવારે પવનની ગતિ એટલી ન હતી જેટલી આશંકા હતી. બુધવારે સ્થિતિ વધુ સુધરી શકે છે. તસવીરોમાં આગની તબાહી… મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ શકે છે. આ દરમિયાન યુએસ સંસદના નીચલા ગૃહના સ્પીકર માઈક જોન્સનનું કહેવું છે કે કેલિફોર્નિયામાં વોટર મિસમેનેજમેન્ટ થયું છે. ત્યાંના સ્થાનિક નેતાઓએ આગ બાબતે બેદરકારી દાખવી હતી. આગને કારણે 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન રોયટર્સ અનુસાર, લોસ એન્જલસ (LA)માં લાગેલી આગને કારણે લગભગ રૂ. 11.60 લાખ કરોડથી રૂ. 13 લાખ કરોડ ($ 135-150 અબજ)નું નુકસાન થવાનો અંદાજ છે. અહી આગ પર અમુક અંશે કાબુ મેળવી લેવામાં આવ્યો છે. લોકોને માસ્ક પહેરી રાખવાની અપીલ કરવામાં આવી છે. બીજી તરફ લોસ એન્જેલસ પોલીસના જણાવ્યા અનુસાર બ્રેટનવુડમાં વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસના ઘરે ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જોકે બાદમાં તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. કેલિફોર્નિયામાં લાગેલી આગમાં અત્યાર સુધી શું-શું થયું… કેલિફોર્નિયામાં છેલ્લા 50 વર્ષમાં 78થી વધુ આગ લાગી છે કેલિફોર્નિયામાં ઘણા વર્ષોથી દુષ્કાળની સ્થિતિ છે. આ વિસ્તારમાં ભેજની કમી છે. આ સિવાય આ રાજ્ય અમેરિકાના અન્ય વિસ્તારો કરતા વધુ ગરમ છે. આ જ કારણ છે કે ઉનાળાની ઋતુમાં અહીં અવારનવાર જંગલમાં આગ લાગે છે. આ ક્રમ વરસાદની સિઝન આવે ત્યાં સુધી ચાલુ રહે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં દરેક સિઝનમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે. છેલ્લા 50 વર્ષમાં કેલિફોર્નિયાના જંગલોમાં 78થી વધુ આગ લાગી છે. કેલિફોર્નિયામાં જંગલોની નજીક રહેણાંક વિસ્તારો વધ્યા છે. આવી સ્થિતિમાં આગ લાગવાના કિસ્સામાં વધુ નુકસાન થાય છે. 1933માં લોસ એન્જલસમાં ગ્રિફિથ પાર્કમાં લાગેલી આગ કેલિફોર્નિયાની સૌથી મોટી આગ હતી. તેણે લગભગ 83 હજાર એકર વિસ્તારને ઘેરી લીધો હતો. લગભગ 3 લાખ લોકોએ પોતાનું ઘર છોડીને અન્ય શહેરોમાં જવું પડ્યું હતું.