back to top
Homeગુજરાતવાસી ઉત્તરાયણે પવન પડ્યો, પતંગબાજો ગોથે ચઢ્યા:લોકસભા સાંસદને પતંગ ચગાવવામાં મહેનત પડી,...

વાસી ઉત્તરાયણે પવન પડ્યો, પતંગબાજો ગોથે ચઢ્યા:લોકસભા સાંસદને પતંગ ચગાવવામાં મહેનત પડી, ઠુમકા મારી મારીને થાકી ગયા; લોકોને બપોર બાદ પવન છૂટવાની આશા

આજે 15 જાન્યુઆરી એટલે કે વાસી ઉત્તરાયણ. આજના દિવસે પણ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિત રાજ્યભરમાં ઠેર ઠેર પતંગરસિકો દ્વારા પતંગ ચગાવવા સવારથી ધાબે પહોંચી ગયા હતા, પરંતુ આજે પવન ના હોવાથી પતંગરસિકોમાં નિરાશા જોવા મળી રહી છે. ક્યાંક લોકો પતંગને ચગાવવા માટે ઠુમકા મારી મારીને થાકી ગયા તો ક્યાંક લોકો આરામથી બેસીને પવન આવવાની રાહ જોઇ રહ્યા છે. સાંસદને પતંગ ચગાવવામાં મહેનત પડી, ઠુમકા મારી મારીને થાક્યા
અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશભાઈ મકવાણા શહેરના કોટ વિસ્તાર એવા ખાડિયા ખાતે પતંગ ચગાવવા માટે પહોંચ્યા હતા. ખાડિયામાં આવેલી કામેશ્વરની પોળમાં શહેર મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ ભટ્ટના ઘરે કાર્યકર્તાઓ સાથે તેઓએ પતંગ ચગાવ્યો હતો. સાંસદ દિનેશભાઈ મકવાણાએ પતંગ ચગાવ્યો અને પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ફીરકી પકડી હતી. આજે વાસી ઉતરાયણના દિવસે આકાશમાં પવન ખૂબ ઓછો છે, ત્યારે સાંસદ દિનેશભાઈએ પતંગ ચગાવવા માટે ઠુમકા મારવા પડ્યા હતા. દિનેશભાઈએ પોતાનો પતંગ ચગાવવા માટે ખૂબ મહેનત કરવી પડી હતી. લોકોનો ઠુમકા મારી મારીને પતંગ ચગાવવાનો પ્રયાસ
શહેરના કોટ વિસ્તાર એવા ખાડિયામાં આજે બીજા દિવસે પણ લોકો ધાબા ઉપર પતંગ ચગાવવા માટે સવારથી પહોંચ્યા છે. જોકે, પવન ન હોવાના કારણે લોકો નિરાશ પણ જોવા મળ્યા છે અને ધાબા ઉપર બેસી રહ્યા છે તો કેટલાક લોકો ઠુમકા મારી મારીને પતંગ ચગાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને માંડ માંડ પતંગ ચગાવી રહ્યા છે. પવન ન હોવાથી વડોદરાવાસીઓમાં નિરાશા
વાસી ઉત્તરાયણના દિવસે વડોદરા શહેરમાં પવન ન હોવાથી પતંગરસિકોમાં નિરાશા જોવા મળી રહી છે. બપોર બાદ પવન આવશે તેવી આશા સેવી રહ્યા છે. પવનની ગતિ ઓછી થતાં સુરતીઓનો ઉત્સાહ ઘટ્યો
વાસી ઉત્તરાયણના દિવસે સુરતના પતંગરસિયાઓમાં ભારે ઉત્સાહ સાથે ધાબે જોવા મળ્યા હતા. જોકે, આ વર્ષે પવનની ગતિ નબળી હોવાને કારણે પતંગ ચગાવવામાં થોડ ઉત્સાહ ઓછો દેખાઈ રહ્યો છે. સુરતીઓએ ભારે મહેનત કરીને પતંગ ઉડાડવાનો પ્રયત્ન કર્યો પણ નબળા પવનના કારણે પતંગ સ્ટેબલ રાખવામાં મુશ્કેલીઓ થઈ રહી હતી. આમ છતાં તહેવારની મજા ઓછી ન થતા લોકો પવનના પરિવર્તનશીલ સ્વભાવની વચ્ચે પણ રંગબેરંગી પતંગો દ્વારા તહેવારની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. વડોદરામાં બે દિવસમાં 4 લોકોના મોત
વડોદરા શહેરમાં ઉત્તરાયણના પર્વે બે દિવસમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. ત્રણ લોકોના ગળા કપાવવાથી મોત થયા છે જ્યારે પતંગ પકડવા જતાં એકનું ટ્રેન અડફેટે મોત થયું છે. ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત હાલતમાં 65 લોકોને લાવવામાં આવ્યા હતા. 40 લોકોના ગળા કપાતા ઇજાગ્રસ્ત જ્યારે 25 લોકો પડી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. સવારથી લોકો ધાબા પર ચઢી ગયા
વાસી ઉત્તરાયણે પણ આકાશમાં પતંગ ચગતા જોવા મળ્યા હતા. અમદાવાદમાં વાસી ઉત્તરાયણના દિવસે પણ સવારથી લોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી ગયા છે. પતંગની દોરીથી 2000 પક્ષીઓ ઘાયલ
રાજકોટના કરૂણા ફાઉન્ડેશન દ્વારા મકરસંક્રાંતિના તહેવારમાં ખાસ પક્ષી બચાવો અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં આ વખતે અલગ અલગ 16 સ્થળોએ પક્ષીઓ માટે ટેમ્પરરી હોસ્પિટલ ઉભી કરવામાં આવી હતી. અને ગઈકાલથી લઈ આજ સુધીમાં બે હજાર કરતા વધુ પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવી ચૂકી છે. જેમાંથી 1,800 જેટલા પક્ષીના જીવ બચ્યા છે. જ્યારે અથાગ પ્રયાસો કરવા છતાં 200 જેટલા પક્ષીઓના મોત નિપજ્યા છે. ગઈકાલે 14 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં સવારથી લઈને મોડીસાંજ સુધી રંગબેરંગી પતંગોથી આકાશ કલરફુલ બન્યું હતું. લોકો દિવસભર પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયા-જલેબીની જિયાફત માણી હતી તેમજ બોલિવૂડ સોન્ગ પર ડાન્સ- ગરબા કરીને ફૂલ એન્જોય કર્યું હતું, જોકે અંધારુ થતાંની સાથે જ રાજ્યભરમાં ભવ્ય આતશબાજીથી આકાશ ઝગમગી ઊઠ્યું હતું અને ગુજરાતીઓએ ઉત્તરાયણમાં દિવાળી જેવો માહોલ ઊભો કરી દીધો હતો, જોકે રાજ્યભરમાં દિવસ દરમિયાન પતંગની દોરી વાગવાથી એક બાળક સહિત કુલ છ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પતંગની દોરીના કારણે 6 જિંદગીની દોર કપાઈ
રાજ્યમાં મકરસંક્રાંતિની ઉજવણી વચ્ચે પતંગની દોરીના કારણે જ છ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રાજકોટમાં પતંગની દોરીના કારણે એક બાઈકચાલકનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજો બનાવ સુરેન્દ્રનગરના પાટડીના ઓડુ ગામના ઈશ્વરભાઈ ઠાકોરનું પણ પતંગની દોરીના કારણે મોત નીપજ્યું હતું. ત્રીજો બનાવ હાલોલના રાહતલાવ ગામના 5 વર્ષીય કુણાલનું પતંગની દોરીથી ગળું કપાવાને કારણે મોત થયું હતું. પરેશભાઈ તેમના પુત્ર કુણાલને ટૂ-વ્હીલર પર બેસાડીને પનોરમા ચોકડી પાસે ફુગ્ગા ખરીદવા જઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમની આગળ પતંગની દોરી આવી ગઈ, જે આગળ બેઠેલા કુણાલના ગળામાં ભરાઈ ગઈ હતી. ઘસાવેલી દોરીથી બાળકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું. ઈજાગ્રસ્ત કુણાલને તાત્કાલિક હાલોલની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી, પરંતુ ટૂંક સમયમાં જ બાળકનું મોત નીપજ્યું હતું. ચોથો બનાવ કડીના કસ્બા વિસ્તારમાં આવેલા વીજતાર પર પડેલી પતંગની દોરીને દૂર કરવા જતાં મહિલાને કરંટ લાગ્યો હતો. આ દરમિયાન મહિલાને બચાવવા ગયેલા ભાઇને કરંટ લાગતાં તેમનું કરુણ મોત નીપજ્યું હતું. વડનગરમાં 35 વર્ષીય યુવકનું પતંગની દોરીથી ગળું કપાતાં મોત
પાંચમા બનાવમાં મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના વડબાર ગામના 35 વર્ષીય માનસાજી રગુંજી ઠાકોરનું ઘાતક દોરી વાગવાથી કરુણ મોત નીપજ્યું હતું. માનસાજી પોતાની બાઈક પર વડનગર કામ અર્થે ગયા હતા. બપોરે કામ પૂરું કરી ઘરે પરત ફરતી વખતે તેમના ગળાના ભાગે અચાનક ઘાતક દોરી વાગી હતી. ગંભીર ઈજાઓ સાથે તેમને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. વડોદરામાં દોરી વાગતાં મહિલાનું મોત, યુવક ધાબા પરથી નીચે પટકાયો
વડોદરા શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ગળાં કપાવાની સાત ઘટના સામે આવી હતી. આ પૈકી છ વ્યક્તિની સારવાર ચાલી રહી છે. જ્યારે છાણી વિસ્તારમાં રહેતી 35 વર્ષીય મહિલા મધુરી કૌશિકભાઈ પટેલનું દોરીથી ગળું કપાવાથી મોત નીપજ્યું હતું. તો બીજી તરફ શહેરમાં અન્ય એક બનાવ ધાબા ઉપરથી એક વ્યક્તિ પડી જવાનો સામે આવ્યો હતો. જે વ્યક્તિ બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રાત્રે 9 વાગ્યા સુધીમાં 108ને 3707 ઇમર્જન્સી કોલ મળ્યા
ઉત્તરાયણના પર્વને લઈને સવારથી જ અલગ-અલગ શહેરોમાંથી ઈમર્જન્સી ફરિયાદો મળતાં 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. રાત્રે 9 વાગ્યા સુધીમાં રાજ્યમાં 108ને 4256 ઈમર્જન્સી કોલ મળ્યા હતા, જોકે વર્ષ 2023માં નોંધાયેલી ઈમર્જન્સી ફરિયાદો સામે આ વર્ષે 411 ફરિયાદો વધુ નોંધાઈ હતી. 1402 પશુ-પંખી ઘાયલ થયાં
બીજી તરફ ઉત્તરાયણ પર્વ પર લોકોની સાથે અબોલ પશુ-પંખીઓ પણ ઈજાગ્રસ્ત થવાના બનાવમાં વધારો નોંધાયો હતો. સાંજે 6 વાગ્યા સુધીમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સને 1402 ઈમર્જન્સી કોલ મળ્યા હતા, જેમાં 758 પશુના અને 644 પક્ષી ઘાયલ થયાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments