ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના ગઇકાલના એપિસોડમાં તમે વાંચ્યું કે દાતાર પર્વત પર દર્શન કરવા ગયેલા પરિવારની દીકરી ચાંદનીની હત્યા થઇ ગઇ અને તેની બહેનપણી પર બળાત્કાર થયો. 9-9 દિવસ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર રહ્યા. જેના કારણે સૌરાષ્ટ્રભરમાં રોષ ફાટી નીકળ્યો. બંધનું એલાન અપાયું અને મંત્રીએે રાજીનામું આપ્યું. સરકાર અને પોલીસ પર આરોપીઓને પકડવાનું દબાણ વધી ગયું. હવે આજના એપિસોડમાં વાંચો કે પોલીસે આગળ શું કર્યું? આરોપીઓના કોઇ સગડ મળ્યા કે નહીં? જૂનાગઢના દાતાર પર્વત પર બનેલી જઘન્ય ઘટનાના આરોપીઓ કોઇ રીતે પોલીસના હાથમાં આવતા નહોતા. આરોપીઓ ક્યાં જતા રહ્યા તેનું કોઇ પગેરૂં મળતું નહોતું. છેવટે આરોપીઓની બાતમી આપનારાને ઇનામ આપવાનું જાહેર કરાયું. કોળી સમાજે દોઢ લાખ રૂપિયા તો કોઇએ વ્યક્તિગત રીતે 51 હજાર રૂપિયા ઇનામ આપવાનું એલાન કર્યું પણ કોઇ નક્કર બાતમી ન મળી. દિવસો વિતતા ગયા, દિવસો મહિનામાં બદલાયા અને મહિનાઓ વર્ષોમાં. આમને આમ અંદાજે 2 વર્ષ જેવો સમય વિતી ગયો હતો. આ સમય દરમિયાન જૂનાગઢ રેન્જ આઇજી અને એસપી પણ બદલાઇ ગયા. એસ.જી.ભાટી જૂનાગઢ રેન્જ આઇજી હતા અને મનિન્દરસિંહ પવાર જૂનાગઢના એસપી હતા. આ દરમિયાન પોલીસની નજર આરોપીઓના પરિવાર ઉપર પણ હતી. પોલીસને જાણવા મળ્યું કે આરોપી મોહન હમીરના લગ્ન બાદ છૂટાછેડા થઇ ગયા હતા. તેની પૂર્વ પત્ની કચ્છમાં રહેતી હતી અને એક પુત્ર પણ હતો. હવે પોલીસે મોહન હમીરની પત્ની પર વોચ વધારી. મોહન હમીરની પત્ની પાસે એક મોબાઇલ હતો. જેનો નંબર પોલીસે અત્યંત ગુપ્ત રીતે મેળવી લીધો. આ મોબાઇલ નંબરની કોલ ડિટેલ કઢાવી. જેનું એનાલિસિસ કર્યું તો પોલીસને એક કડી મળી. કોલ ડિટેલમાં પકડાયું કે મોહન હમીરની પત્નીના મોબાઇલ નંબર પર દર મહિને મુંબઇના એક લેન્ડ લાઇન નંબર પરથી ફોન આવતો હતો. કોલ ડ્યુરેશન પણ થોડી જ મિનિટોનું રહેતું. પોલીસને આ લેન્ડ લાઇન નંબર શંકાસ્પદ લાગ્યો. તપાસ કરી તો ખબર પડી કે આ નંબર મુંબઇના બોરીવલી વિસ્તારના એક STD PCOનો હતો. જૂનાગઢ પોલીસે સ્પેશ્યલ ટાસ્ક ટીમ રચી. આ નંબર અને મોહન હમીરનો ફોટો લઇને બોરીવલી પહોંચી ગઇ. બોરીવલીમાં ફરી-ફરીને તમામ STD PCO પર મોહન હમીરનો ફોટો આપી દીધો અને તે વોન્ટેડ હોવાનું અને જો મોહન ક્યાંય દેખાય તો તરત જ જાણ કરવાનું કહ્યું. આ વાતને પંદરેક દિવસો વિતી ગયા. એક દિવસ જૂનાગઢ પોલીસને મુંબઇથી ઓચિંતો ફોન આવ્યો. ફોન કરનારો STD PCOનો માલિક હતો. તેણે પોલીસને કહ્યું કે, તમે જેનો ફોટો આપી ગયા છો તે વ્યક્તિ સાથે થોડાઘણા વર્ણનનો મેળ ખાતો એક કચરો વિણનારો માણસ અહીં ફોન કરવા આવે છે. આ ફોન પછી પોલીસ તરત જ એક્શનમાં આવી. એ સમયે ડી.જી.લિંબાસિયા જૂનાગઢ એ ડિવીઝનના પીઆઇ તરીકે નવા-નવા આવ્યા હતા. તેમને પણ તપાસમાં સાથે જોડાયા. પોલીસે એક બાતમીદારને પણ સાથે લીધો કેમ કે બાતમીદાર મોહન હમીરને સારી રીતે ઓળખી શકે તેમ હતો. પોલીસ યુક્તિપૂર્વક સરકારી વાહનના બદલે ખાનગી કાર લઇને ગઇ હતી કેમ કે જો સરકારી વાહનમાં પોલીસ આવે તો આરોપીઓને ખબર પડી જાય. 12 કલાકમાં જ આ સ્પેશ્યલ ટાસ્ક ટીમ જૂનાગઢથી મુંબઇ પહોંચી. 30મી મે, 2009ના રોજ પોલીસ જ્યારે મુંબઇ પહોંચી ત્યારે રાત પડી ગઇ હતી. પોલીસે STD PCO માલિકને મળીને ખાતરી કરી લીધી કે આરોપી મોહન હમીર જ છે કે નહીં. પોલીસને એ પણ જાણવા મળ્યું કે તે અત્યારે બોરીવલી રેલવે સ્ટેશન પાસે સૂતો હશે. વહેલી સવારના 4 વાગી ચૂક્યા હતા. પોલીસ અને બાતમીદાર રેલવે સ્ટેશન પાસે પહોંચ્યા. ફૂટપાથ પર ઘણા લોકો સૂતા હતા. તેમાંથી મોહન હમીર અને મહેશ ચૌહાણ કોણ? તેની બાતમીદારે ઓળખ કરી લીધી. બન્ને ગાઢ નિંદ્રામાં સૂતા હતા. પોલીસે તેમને કોર્ડન કરી લીધા. પીઆઇ લિંબાસિયાએ મોહન હમીરને પગથી હડસેલો માર્યો. હડસેલો વાગતાં જ મેલી ચડ્ડી અને બનિયાનમાં સૂતેલો લાંબી દાઢીવાળો મોહન હમીર ઉઠી ગયો. તેણે આંખો ચોળીને ચારે બાજુ જોયું. ચારેબાજુ પોલીસ ઊભી હતી. પોલીસને જોઇ તે ચોંકી ગયો. આના પછી પોલીસે તેને અને મહેશ ચૌહાણને ઝડપી લીધા. પોલીસની પૂછપરછમાં ખૂલ્યું કે મોહન હમીર કચ્છમાં રહેતી તેની પૂર્વ પત્નીને ફોન કરીને પોતાના પુત્ર સાથે વાત કરતો હતો. બન્ને આરોપીઓ ચાંદનીની હત્યા કરીને તેની બહેનપણી પર બળાત્કાર ગુજારી રાજકોટ જિલ્લામાં આવેલા ઠેબચડા ગામે ભાગી ગયા હતા. બન્ને ત્યાં વાડી વિસ્તારમાં રહેતા હતા. ત્યાં પણ એક મહિલા પર બળાત્કાર ગુજારીને રાજકોટ ભાગી ગયા હતા. રાજકોટથી તેઓ ટ્રેનમાં મુંબઇ જતા રહ્યા હતા. જ્યાં 2 વર્ષ સુધી રહ્યા હતા અને કચરો વિણવાનું તેમજ છૂટક મજૂરી કરવાનું કામ કરતા હતા. મહેશનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પણ ખૂલ્યું. ગળું કાપીને હત્યા કરવાની તેની મોડસ ઓપરેન્ડી હતી. પોલીસે બન્ને આરોપીઓને જૂનાગઢ લાવી કોર્ટ સમક્ષ રજૂ કર્યા. જ્યાં તેમના પર કેસ ચાલ્યો. આરોપીઓના બચાવ માટે જૂનાગઢમાં કોઇ વકીલ કેસ લડવા તૈયાર નહોતા. એટલે કોર્ટે એડવોકેટ તરીકે ડી.ડી.રૂપારેલિયાની નિમણૂંક કરી હતી. તેમણે પણ પછીથી અનિચ્છા દર્શાવતાં અને અન્ય કોઇ વકીલ તૈયાર થયા નહોતા. જેના પછી જૂનાગઢ બાર એસોસિએશનના પ્રમુખ દીપેન્દ્ર યાદવે બચાવ પક્ષના વકીલ તરીકે કેસ લડ્યો. 107 સાક્ષીઓ અને 260 જેટલા વિવિધ પુરાવા કોર્ટ સમક્ષ રજૂ થયા. બળાત્કારનો ભોગ બનનારી યુવતીની પણ જુબાની લેવાઇ હતી. જે સૌથી વધુ મહત્વની પૂરવાર થઇ. 19 મહિના સુધી આ કેસ ચાલ્યો. વર્ષ 2011માં જૂનાગઢની પાંચમી એડિશનલ (એડહોક) ડિસ્ટ્રીકટ જજ અને એડિશનલ સેશન્સ જજ જી.એમ.પટેલે બન્ને આરોપીઓને દોષિત જાહેર કર્યા. જે દિવસે દોષિતોને સજાની જાહેરાત થવાની હતે દિવસે કોર્ટ રૂમ વકીલો, પત્રકારો, કોળી સમાજના આગેવાનોની હાજરીથી ખીચોખીચ ભરેલો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર ગણાવ્યો હતો અને તમામની હાજરીમાં બન્ને દોષિતોને ફાંસીની સજા ફટકારી હતી. જેવી કોર્ટે ફાંસીની સજા જાહેર કરી કે કોર્ટ રૂમમાં તાળીઓ પડવા લાગી. જજે ટકોર કરવી પડી હતી કે આ કોર્ટ રૂમ છે. જૂનાગઢ કોર્ટે ફાંસીની સજા ફટકારી હોય તેવો આ બીજો કેસ હતો. આ પહેલાં વર્ષ 1997-98ના એક કેસમાં પત્નીની હત્યા કરનારા પતિને કોર્ટે ફાંસીની સજા આપી હતી. મોહન અને મહેશને ફાંસીની સજા ફટકાર્યા બાદ કોર્ટે જેલમાં આ બન્નેને અન્ય કેદીઓથી જુદા રાખવાનો હુકમ કર્યો હતો. બન્ને દોષિતોને એઇડ્સ હોવાથી વર્ષ 2013માં ગુજરાત હાઇકોર્ટે આ બન્નેને થયેલી ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી નાંખી હતી. મહેશ ઉર્ફે ભદો ભૂજની પાલારા જેલમાં છેલ્લાં સાડા પાંચ વર્ષથી સજા કાપી રહ્યો હતો. હાઇકોર્ટના હુકમ બાદ તે 7 દિવસના વચગાળાના જામીન પર મુક્ત થયો હતો. જો કે તે હજુ સુધી જેલમાં પાછો ન આવતા હવે પોલીસ દોડતી થઇ છે. જૂનાગઢ એ ડિવીઝનના તત્કાલિન પીઆઇ ડી.જી.લિંબાસિયા ડીવાયએસપી તરીકે નિવૃત્ત થઇને જૂનાગઢમાં જીવન વિતાવી રહ્યા છે. ચર્ચા તો એવી છે કે આરોપીઓએ જેલમાંથી છૂટીને ડી.જી.લિંબાસિયાને જોઇ લેવાની ધમકી આપી હતી એટલે આવા નિવૃત્ત અધિકારી પર જીવનું જોખમ પણ ગણી શકાય. નરાધમોએ ગળું કાપી નાખતા ચાંદની ત્યાં જ ઢળી પડી, પાર્ટ-1 વાંચવા અહીં ક્લિક કરો