ઈઝરાયલ અને હમાસ ગાઝામાં 15 મહિનાથી ચાલેલા યુદ્ધને રોકવા માટે સંમત થયા છે. યુદ્ધવિરામ દરમિયાન હમાસ ગાઝામાં બંધક બનેલા ઈઝરાયલી નાગરિકોને મુક્ત કરશે. બદલામાં ઈઝરાયલ હમાસના લોકોને પણ મુક્ત કરશે. જો કે, યુદ્ધવિરામ અંગે સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગાઝામાં યુદ્ધવિરામ સમજૂતી થઈ ગઈ છે. તેમણે સોશિયલ મીડિયા પર કહ્યું- અમે મધ્ય પૂર્વમાં બંધકો માટે કરાર કર્યો છે. તેમને ટૂંક સમયમાં જ મુક્ત કરવામાં આવશે. અલઝઝીરાના અહેવાલ મુજબ, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન બિન જાસિમ અલ થાની બુધવારે હમાસ અને ઈઝરાયલના પ્રતિનિધિઓને મળ્યા હતા, જે બાદ આ ડીલ પૂર્ણ થઈ હતી. ગાઝામાં ઈઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર, 2023થી યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બંને પક્ષના 47 હજારથી વધુ લોકો માર્યા ગયા. હવે આગળ શું થશે?
હમાસની શરત છે કે યુદ્ધવિરામ કરારના પ્રથમ તબક્કામાં ઇઝરાયલની સેના ગાઝા સરહદથી 700 મીટર પાછળ તેના વિસ્તારમાં ખસી જશે. હાલમાં આ યુદ્ધવિરામ કરારને ઈઝરાયલની કેબિનેટમાં રજૂ કરવાનો બાકી છે. સીઝફાયર ડીલને ત્યાં મંજૂર થતાંની સાથે જ તેને લાગુ કરવામાં આવશે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે કહ્યું કે હમાસ ટૂંક સમયમાં બંધકોને મુક્ત કરશે. ન્યૂઝ એજન્સી એએફપીએ સોમવારે પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે, ‘ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો કુલ 42 દિવસ સુધી ચાલી શકે છે. યુદ્ધવિરામ ડીલના પ્રથમ તબક્કામાં હમાસ 5 મહિલાઓ સહિત 33 બંધકોને મુક્ત કરી શકે છે. બીજી તરફ ઈઝરાયલ બદલામાં 250 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. 15 દિવસ પછી, હમાસ બાકીના બંધકોને મુક્ત કરશે. આ દરમિયાન બંને પક્ષો કાયમી યુદ્ધવિરામ અંગે વાત કરશે. કતાર અને અમેરિકાની મધ્યસ્થામાં ડીલ
ઇજિપ્ત, કતાર અને અમેરિકાની મદદથી કતારની રાજધાની દોહામાં આ કરાર પર વાટાઘાટો કરવામાં આવ્યો હતો. ઇઝરાયલનું પ્રતિનિધિત્વ મોસાદ ચીફ ડેવિડ બાર્નિયા અને શિન બેટ ચીફ રોનેન બારે કર્યું હતું. તે જ સમયે, યુએસ તરફથી ટ્રમ્પના દૂત સ્ટીવ વિટકોફ અને બાઇડેનના દૂત બ્રેટ મેકગર્ક અહીં હાજર હતા. પેલેસ્ટિનિયન નાગરિકો ઉત્તર ગાઝા પરત ફરશે
સીએનએનના અહેવાલ મુજબ, યુદ્ધવિરામ ડીલ હેઠળ, ઇઝરાયલ ઉત્તર ગાઝાથી વિસ્થાપિત પેલેસ્ટિનિયન નાગરિકોને પરત ફરવાની મંજૂરી આપશે. જો કે સુરક્ષાના કારણોસર આ વિસ્તારમાં ઈઝરાયલના સૈનિકોની હાજરી રહી શકે છે. ગાઝા અને ઈઝરાયલ વચ્ચે બફર ઝોન બનાવવામાં આવશે. બફર ઝોનને લઈને ઈઝરાયલ અને હમાસ બંનેની અલગ-અલગ માગ છે. ઇઝરાયલ સરહદથી 2 કિમીના બફર ઝોનની માગ કરી રહ્યું છે, જ્યારે હમાસ ઓક્ટોબર 2023 પહેલાની જેમ 300થી 500 મીટરના બફર ઝોન ઇચ્છે છે. બીજી તરફ ઈઝરાયેૃલે ડીલ હેઠળ હમાસ ચીફ યાહ્યા સિનવારની લાશ પરત કરવાનો ઈનકાર કરી દીધો છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધ સાથે સંબંધિત 5 તસવીરો…