ગુજરાત પરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વિવિધ જિલ્લાના લઘુતમ અને મહત્તમ તાપમાનમાં છેલ્લા ત્રણ દિવસથી વધઘટ થઈ રહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપમાનમાં એકાએક ચાર ડિગ્રી સેલ્સિયસ સુધીના વધારા બાદ છેલ્લા 24 કલાક દરમિયાન લધુતમ તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. નલિયાને પાછળ છોડીને રાજકોટ બાદ હવે અમરેલી 8.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ચાર દિવસ સુધી લઘુતમ તાપમાન યથાવત્ રહેવાની સંભાવના છે. એટલે કે, રાજ્યમાં ફરી એક વખત બેઠી ઠંડીનો અનુભવ થશે. અમરેલી રાજ્યનું સૌથી ઠંડું શહેર
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુતમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. ત્યારબાદ રાજકોટમાં પણ લઘુતમ તાપમાન નલિયા કરતાં ઓછું રહ્યું હતું. ગત રાત્રિએ અમરેલીમાં રાજ્યનું સૌથી ઓછું 8.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 9.4 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 9.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં ચાર ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 12.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. તો વડોદરામાં 17.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં 16.3 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. હજુ પણ 4 દી’ ઠંડી રહેશે, પછી પારો વધશે
રાજકોટ શહેરમાં મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન પણ ઠાર અનુભવાઈ રહ્યો છે. સામાન્ય રીતે આ દિવસોમાં ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાતું હોય છે, પણ શહેરમાં પારો 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જ રહે છે. શહેરમાં મંગળવારે ન્યૂનતમ તાપમાન 9.9 ડિગ્રી, જ્યારે બુધવારે 10.8 ડિગ્રી રહ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના બીજા સપ્તાહનું સામાન્ય તાપમાન 12.8 ડિગ્રી સેલ્સિયસ છે અને 13થી 14 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાતું હોય છે. જોકે, આ વખતે સામાન્ય કરતાં 2થી 3 ડિગ્રી ઘટાડો આવ્યો છે. હજુ ચાર દિવસ સુધી પારો 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ ક્રમશ: વધારો આવશે. મહત્તમ તાપમાન વિશે વિભાગે જણાવ્યું છે કે, હાલ જે તાપમાન નોંધાઈ રહ્યું છે તે 28 ડિગ્રી સેલ્સિયસ છે અને સામાન્ય જ છે. પણ હાલ પવનની ગતિ ક્યારેક 15થી 20 કિ.મી. પ્રતિ કલાક જેટલી નોંધાતી હોવાથી દિવસ દરમિયાન ઠારનો અનુભવ થાય છે. હજુ થોડા દિવસ સુધી આ જ સ્થિતિ રહેશે. ત્યારબાદ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ થતા ઠંડીમાં રાહત થશે. જામનગરમાં કડકડતી ઠંડી, બર્ફીલા પવનથી જનજીવન પ્રભાવિત
જામનગરમાં છેલ્લા ત્રણ દિવસથી કડકડતી ઠંડીએ જનજીવનને પ્રભાવિત કર્યું છે. શહેરમાં લઘુતમ તાપમાન 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70 ટકા અને પવનની ગતિ 3.4 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે. બર્ફીલા પવનના કારણે લોકો રાત્રે અને વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં લોકો ઠંડીથી બચવા ગેસ હીટર અને સગડીનો આશરો લઈ રહ્યા છે. ખાસ કરીને શ્રમિક પરિવારો તાપણાનો સહારો લઈને કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો નોંધાયો હોવા છતાં, શીતલહેર અને ઠંડા પવનના કારણે લોકોને ઠંડીનો વધુ અનુભવ થઈ રહ્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોલ્ડવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડનું લઘુતમ તાપમાન 21 ડિગ્રી
વલસાડ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ફુલગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં સવારનું લઘુતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે ગઈકાલના 20 ડિગ્રી કરતાં એક ડિગ્રી વધુ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું છે. વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ અને સૂર્યદર્શનના અભાવે લોકોને ઠંડીનો વધુ અનુભવ થયો હતો. શહેરના માર્ગો પર નાગરિકો સ્વેટર, જેકેટ અને શાલ જેવાં ગરમ વસ્ત્રો ધારણ કરીને જોવા મળ્યા હતા. પારનેરા ડુંગર પરથી આવતા ઠંડા પવનના કારણે ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત જેવા ખેતીકાર્યોમાં વ્યસ્ત છે. ઠંડીની મોસમની શરૂઆત થતાં ખેડૂતો આંબામાં થતાં રોગ અને જીવાત પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. હવામાન વિભાગના મતે રાત્રિ દરમિયાન તાપમાન 21 ડિગ્રી સુધી રહી શકે છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં તાપમાન 4 ડિગ્રી વધ્યું છતાં પવનના સુસવાટાથી ઠંડી અનુભવાઇ
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓનું લઘુતમ તાપમાન 4 ડિગ્રી વધ્યું છે, જેથી રાત્રે ઠંડીનું પ્રમાણ ઓછું હતું, પરંતુ પવનના સુસવાટાને કારણે ઠંડી અનુભવાઇ હતી. આગામી 24થી 36 કલાક વાતાવરણ યથાવત્ રહેશે, ત્યારબાદ ફરી તાપમાન ઘટશે. ઉત્તરાયણના બન્ને દિવસે 10-12 કિમીના પવને પતંગ-રસિયા ચગ્યા
વડોદરામાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણમાં બંને દિવસ 10થી 12 કિમીના એવરેજ પવનો ફુંકાતા પતંગ રસિયાઓને પતંગ ચગાવવામાં મોજ પડી ગઈ હતી. ઉત્તરાયણના દિવસે એટલે કે, 14 જાન્યુઆરીના રોજ 8થી 12 કિમી વચ્ચે પવનો ફુંકાયા હતાં. દિવસે ઠંડા પવનો ફુંકાતા લોકોને સ્વેટર પહેરીને પતંગ ચગાવી પડી હતી. 15 જાન્યુઆરીએ સવારથી બપોર સુધી એવરેજ 5થી 8 કિમીના પવનો હતા, પરંતુ સાંજે ઝડપ 12 કિમી પહોચી હતી. હવામાન વિભાગના આંકડા મુજબ શહેરમાં 14 જાન્યુઆરીના રોજ મહત્તમ તાપમાનનો પારો 26.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 12.8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે 15 જાન્યુઆરીના રોજ મહત્તમ તાપમાનનો પારો 2.8 ડિગ્રી વધીને 29.6 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 4.8 ડિગ્રી વધીને 17.6 ડિગ્રી નોંધાયો હતો.