સપ્તાહના ચોથા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજારે મજબૂતી બતાવી હતી. રોકાણકારોની સંપતિનું મોટું ધોવાણ કરનાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) હજુ સતત શેરોમાં મોટાપાયે વેચવાલ રહેતાં અને લોકલ ફંડો-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી બજારમાં મોટી તેજીનો સંચાર કરવામાં સમર્થ રહેશે કે એની વિશ્વાસની કટોકટીએ શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. યુ.કે.માં ફુગાવાનો આંક ઘટયા સામે ફરી વૈશ્વિક ક્રુડ ઓઈલના ભાવ સાધારણ વધી આવ્યા હતા. આઈટી, કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પસંદગીની ખરીદી જોવા મળી. વૈશ્વિક મોરચે અમેરિકી શેરબજારમાં ડાઉ જોન્સની રિકવરી સાથે સાથે નાસ્દાકમાં ઉછાળો અને યુરોપમાં યુ.કે.નો ફુગાવો ઘટતાં યુરોપના બજારોમાં સતત મજબૂતી રહી હતી. ડિસેમ્બરમાં રીટેલ ફુગાવો ઘટીને 5.22% થયો છે જે છેલ્લા ચાર મહિનાની નીચલી સપાટી છે. રીટેલ ફુગાવામાં ઘટાડો થવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) પોતાની નાણાકીય નીતિની સમીક્ષામાં પ્રમુખ વ્યાજ દરોમાં ઘટાડો કરી શકે છે. છેલ્લા બે વર્ષથી રેપો રેટ 6.50% પર સ્થિર છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ) એ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પર આધારિત ડિસેમ્બર, 2024ના રીટેલ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતાં. રીટેલ ફુગાવામાં સતત બીજા મહિને ઘટાડો જોવા મળ્યો છે. આ અગાઉ નવેમ્બર, 2024માં રીટેલ ફુગાવો 5.48% હતો. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4067 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1188 અને વધનારની સંખ્યા 2778 રહી હતી, 101 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 1 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 11 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એચડીએફસી લાઈફ 8.19%, એસબીઆઈ કાર્ડ્સ 2.73%, એસબીઆઈ લાઈફ 2.48%, ગોદરેજ પ્રોપટી 2.18%, હેવેલ્સ ઇન્ડિયા 2.14%, અદાણી એન્ટરપ્રાઈઝ 2.03%, ટાટા કોમ્યુનિકેશન 1.77%, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ 1.64%, ભારતી એરટેલ 1.42%, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ 1.31%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.28%, એસીસી લિ. 1.23% વધ્યા હતા, જયારે ઓબેરોઈ રીયાલીટી 2.27%, એચસીએલ ટેકનોલોજી 1.60%, ઈન્ફોસીસ લિ. 1.48%, લ્યુપીન લિ. 1.45%, ટીસીએસ 1.08%, ગ્લેનમાર્ક ફાર્મા 0.86% ઘટ્યા હતા. નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
નિફ્ટી ફ્યુચર બંધ :- ( 23377 ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર 23606 પોઈન્ટના પ્રથમ અને 23676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 23373 પોઈન્ટ થી 23303 પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં 23606 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. બેન્ક નિફ્ટી ફ્યુચર ટેકનિકલ લેવલ
બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( 49443 ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર 49878 પોઈન્ટ પ્રથમ અને 50088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે 49373 પોઈન્ટ થી 49280 પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. બેન્ક નિફ્ટી ફ્યુચરમાં 50088 પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી. ફ્યુચર સ્ટોક સંદર્ભે સ્પેસિફિક ટેકનિકલ લેવલ
ગોદરેજ પ્રોપર્ટી ( 2373 ) :- ગોદરેજ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.2308 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.2288 ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.2394 થી રૂ.2404 નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.2414 ઉપર તેજી તરફી ધ્યાન. સન ફાર્મા ( 1770 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.1744 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1727 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1793 થી રૂ.1803 ભાવ નોંધાવે તેવી સંભાવના છે. લ્યુપિન લિ. ( 2101 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાર્મા સેક્ટરનો આ સ્ટોક રૂ.2148 આસપાસ વેચવાલી થકી રૂ.2088 થી રૂ.2073 ના નીચા મથાળે ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.2160 નો સ્ટોપલોસ ધ્યાને લેવો. એચસીએલ ટેકનોલોજી ( 1779 ) :- રૂ.1808 આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.1813 ના સ્ટોપલોસે તબક્કાવાર રૂ.1764 થી રૂ.1750 નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.1820 ઉપર તેજી તરફી ધ્યાને લેશો. બજારની ભાવિ દિશા…
મિત્રો, વિક્રમી તેજી ભારતીય શેરબજારમાં જાણે કે હવે ઈતિહાસ બની ગઈ છે. પાછલા કેટલાક વર્ષોમાં શેરોમાં સાર્વત્રિક તેજીનું અવિરત તોફાન જોવાઈ બેફામ વધી ગયેલા શેરોના ભાવો તેના વાસ્તવિક લેવલ તરફ ધસતાં જોવાઈ રહ્યા છે. રોજ બરોજ નવા વિક્રમી ઊંચા શિખરો સર્જનારા સેન્સેક્સ, નિફટી હવે તળીયાની શોધમાં નીકળ્યા હોય એમ મહત્વના સપોર્ટ લેવલ ગુમાવી રહ્યા છે. નફો બુક કરવાનું ચૂકી ગયેલા અનેક રોકાણકારોના પોર્ટફોલિયોમાં શેરોમાં નેગેટીવ વળતર દેખાવા લાગતાં ફફડાટ સાથે નિરાશા છવાઈ છે. હવે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળવાની તૈયારીમાં છે, ત્યારે તેમની નીતિ વિશ્વને ક્યા નવા સંકટમાં મૂકશે એ બાબતે પણ બજારનો વર્ગ ચિંતિત હોઈ શેરોમાં ઓવરબોટ પોઝિશન હળવી કરી રહ્યો છે. સ્થાનિક સ્થળે હવે ફેબ્રુઆરીમાં કેન્દ્રિય બજેટ રજૂ થનાર હોઈ નવા લેણમાં ઈન્વેસ્ટરો સાવચેત રહેવાની શકયતા છે. આરબીઆઈ અને વિવિધ રેટિંગ એજન્સીઓ દ્વારા દેશનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડી 6.4% કરવામાં આવતાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો ગ્રોથ મંદ પડવાની સંભાવના વધી છે. ડોલર સામે રૂપિયો ઓલટાઈમ લો થતાં મોંઘવારી વધવાની ભીતિ પણ વધી છે. અમેરિકામાં રોજગારીના મજબૂત આંકડાઓના કારણે ફેડ રેટ કટની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. વધુમાં છેલ્લા કેટલાક મહિનાથી સ્ટોક સ્પેસિફિક તેજીના કારણે પ્રોફિટ બુકિંગ વધ્યું છે. એફઆઈઆઈ નેટ વેચવાલ રહ્યા છે.