શહેરમાં પાઇપ વડે ઘરગથ્થુ ગેસ આપતી વડોદરા ગેસ કંપનીના ગ્રાહકો પાસેથી રૂા.19.76 કરોડ વસૂલવાના બાકી છે. જેમાં 1237 રહેણાક મિલકતના માલિકોએ રૂા.14 કરોડ જેટલી માતબર રકમ ગેસ વિભાગમાં ભરી નહીં હોવાનું સપાટી પર આવ્યું છે. રૂા.19 કરોડની બાકીની વસૂલાત માટે ગેસ વિભાગની વિવિધ ટીમો દ્વારા આગામી 15 દિવસમાં ઝુંબેશ હાથ ધરી મિલકતોના કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વડોદરા મહાનગર પાલિકા અને ગેલના સંયુક્ત સાહસથી વર્ષ 2014માં વડોદરા ગેસ કંપની લિ. બની હતી. આ કંપની દ્વારા શહેરમાં 2.20 લાખ ગ્રાહકોને રોજ પાઇપ મારફતે ઘરગથ્થુ ગેસ પહોંચાડવામાં આવે છે. જોકે ગેસ વિભાગે ચાલુ વર્ષે ગ્રાહકો પાસેથી રૂા.19.76 કરોડ વસૂલવાના બાકી હોવાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જે રિપોર્ટમાં જણાવ્યું છે કે, ઘરેલુ 1237 મિલકતોના 14.2 કરોડની વસૂલાત બાકી છે. તદુપરાંત 18 કોમર્શિયલ અને 71 સ્પેશિયલ કોમર્શિયલ મિલકતધારકોએ અંદાજિત 6 કરોડના બિલનું ચુકવણું કર્યું નથી. મહત્ત્વનું છે કે, ગેસ વિભાગ દ્વારા શહેરીજનોને રાહત દરે પાઇપ મારફતે ગેસ પહોંચાડવામાં આવે છે. જેથી આ નાણાંની વસૂલાત માટે હવે આગામી 15 દિવસમાં ગેસ વિભાગ દ્વારા ઝુંબેશ ધરવામાં આવશે. જેમાં અલગ-અલગ ટીમો બનાવીને બાકી નાણાંની વસૂલાત સાથે ગેસ કનેક્શન કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે, તેવું ગેસ વિભાગના અધિકારીએ જણાવ્યું છે. કેટલા ગ્રાહકોનું કેટલું બિલ બાકી?
રહેણાંક ગ્રાહક: 1237 -બાકી રકમ રૂ.14.03 કરોડ
કોમર્શિયલ ગ્રાહક: 18 -બાકી રકમ રૂ. 57 લાખ
સ્પે.કોમર્શિયલ ગ્રાહક: 71 – બાકી રકમ રૂ. 5.16 કરોડ એક વર્ષથી ગેસ વિભાગની ટીમ વસૂલાત કરવા નીકળી જ નથી
ગેસ વિભાગનાં આધારભૂત સૂત્રો મુજબ બાકી લેણાની કડક હાથે વસૂલાત માટે ગેસ વિભાગની ટીમો દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે ગ્રાહકોને ત્યાં જઈ કાર્યવાહી કરવામાં આવતી હતી. જોકે છેલ્લા એક વર્ષથી આ કામગીરી બંધ કરવામાં આવી છે, જેને કારણે બાકી બિલની વસૂલાત રૂા.19 કરોડ સુધી પહોંચી ગઈ હોવાની માહિતી મળી છે. હવે રોજ 125 નવા ગેસ જોડાણ આપવાનું લક્ષ્યાંક
વડોદરા ગેસ કંપની દ્વારા હાલ વર્ષો જૂનું નેટવર્ક બદલી નવું નેટવર્ક નાખવાનું ચાલુ છે. 2025માં ગેસ વિભાગ 20 હજાર જૂનાં કનેક્શનને બદલી નવું નેટવર્ક નાખશે, જેના માટે 30 કરોડના ખર્ચનો અંદાજ છે. તે જ રીતે ચાલુ વર્ષે 40 કરોડના ખર્ચે નવા વિસ્તારમાં નેટવર્ક નાખી 25 હજાર નવા ગ્રાહકોને ગેસ જોડાણ આપશે. ચાલુ વર્ષે રોજ 125 જોડાણ આપવાનો છે. વર્ષ 2025માં ઔદ્યોગિક વસાહત, ઉદ્યોગ અને ગામડાંમાં જોડાણ અપાશે 2024માં સૌથી વધુ 34.85 કરોડનો નફો
2014માં શરૂ થયેલી વડોદરા ગેસ કંપની 2015માં 4.28 કરોડ અને 2016માં 2.91 કરોડના નુકસાનમાં હતી. ત્યારબાદ 3 વર્ષ કંપની નફાે કર્યો હતો. જોકે 2020માં 5.26 કરોડનું નુકસાન થયું હતું. 7 વર્ષ બાદ નફો ડબલ ડિજિટમાં પહોંચી 16 કરોડ થયો હતો. 2023માં આશ્ચર્યજનક રીતે 10.51 કરોડ ખોટ ગઈ હતી. જોકે 2024માં અત્યાર સુધીનો સૌથી વધુ 34.85 કરોડ નફો થયો છે.