બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત તેમના નિવાસસ્થાને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના ઘા મારવામાં આવ્યા છે. સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. હાલમાં મુંબઈ પોલીસ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલો કોણે અને શા માટે કર્યો. મુંબઈ પોલીસની એક ટીમ તપાસ માટે તેના ઘરે પહોંચી ગઈ છે. લીલાવતી હોસ્પિટલના COO ડૉ. નીરજ ઉત્તમાણી કહે છે કે સૈફ પર છ વખત છરી વડે હુમલો કર્યો હતો. બે ઘા ઊંડા છે. કરોડરજ્જુની નજીક એક ઘા થયો. તેની સારવાર ડૉ. નીતિન ડાંગે (સર્જન), ડૉ. લીના જૈન (કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન), ડૉ. નિશા ગાંધી (એનેસ્થેસિયા નિષ્ણાત), ડૉ. કવિતા શ્રીનિવાસ (ઇન્ટેન્સિવિસ્ટ) અને ડૉ. મનોજ દેશમુખ (કન્સલ્ટન્ટ રેડિયોલોજિસ્ટ) દ્વારા કરવામાં આવી રહી છે. આરોપીએ એક કરોડ રૂપિયાની માગ કરી હતી
આરોપી વિશે નોંધાયેલા નિવેદન મુજબ, સૈફ અલી ખાનના ઘરની મેઇડે કહ્યું હતું કે તેણે અચાનક બાથરૂમ પાસે એક પડછાયો જોયો અને તેને લાગ્યું કે કરીના તેના નાના દીકરાને મળવા આવી હશે, પરંતુ બાદમાં તેને શંકા ગઈ, એટલે ત્યાં જોવા ગઈ તો અચાનક 35થી 40 વર્ષની ઉંમરની એક અજાણી વ્યક્તિએ તેને તીક્ષ્ણ હથિયાર બતાવ્યું અને ચૂપ રહેવા કહ્યું. એ દરમિયાન બીજી મેઇડ પણ આવી ગઈ. આરોપીને પૂછવામાં આવ્યું કે તે શું ઇચ્છે છે, તો તેણે જવાબ આપ્યો કે તેને એક કરોડ રૂપિયા જોઈએ છે. આ દરમિયાન સૈફ અલી ખાન પણ ત્યાં પહોંચી ગયો અને બાદમાં એક્ટરની આરોપી અને સૈફ વચ્ચે ઝપાઝપી થઈ, જેમાં સૈફને છ જગ્યાએ છરી મારવામાં આવી. એક તીક્ષ્ણ હથિયાર તૂટી ગયું અને સૈફના શરીરમાં ફસાઈ ગયું. આ દરમિયાન તેમણે આરોપીને બીજા રૂમમાં બંધ કરી દીધો, પરંતુ સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો એટલે મેઇડ અને પરિવારના અન્ય સ્ટાફે ઇબ્રાહિમને ફોન કર્યો. ઇબ્રાહિમ અને સારા અલી ખાન પણ આઠમા માળે રહે છે. તેઓ ઉપરના માળે આવ્યા અને સૈફ અલી ખાનને ઓટોમાં હોસ્પિટલ લઈ ગયા. એ સમયે પરિવારમાં કોઈ ડ્રાઈવર નહોતો અને કોઈને ઓટોમેટિક ઇલેક્ટ્રિક વાહન ચલાવતા આવડતું નહોતું, તેથી રિક્ષામાં તેઓ સૈફને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયા. આરોપી સીડી પરથી ઊતરીને ભાગતો CCTVમાં કેદ થયો ‘મુંબઈને “અસુરક્ષિત શહેર” ન કહી શકાય’
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના આધારે મુંબઈને “અસુરક્ષિત શહેર” ન કહી શકાય. ગુરુવારે બાંદ્રામાં સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાદ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે ભાજપ પર કરવામાં આવેલા કટાક્ષનો જવાબ આપતાં કહ્યું, માત્ર એક ઘટનાના આધારે મુંબઈ શહેર અસુરક્ષિત છે એમ કહેવું ખોટું છે. મુંબઈ એક મેગાસિટી અને સૌથી સુરક્ષિત શહેર છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમને હુમલા પાછળનો હેતુ શું હોઈ શકે છે એ અંગે તમામ માહિતી આપવામાં આવી છે. દેશનાં બધાં મોટાં શહેરોમાં મુંબઈ સૌથી સુરક્ષિત શહેર છે, કેટલીક ઘટનાઓ બને છે અને એને ગંભીરતાથી લેવી જોઈએ, પરંતુ એ ઘટનાઓને કારણે મુંબઈને અસુરક્ષિત કહેવું યોગ્ય નથી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને આ મામલાની તપાસ માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે. આરોપીની તસવીર આવી સામે
હુમલા સમયે પોલીસે એ વિસ્તારનો ડમ્પ ડેટા મેળવ્યો હતો, જેનાથી પોલીસને એ સમયે એ વિસ્તારમાં કયા મોબાઇલ નેટવર્ક સક્રિય હતા એ જાણવામાં મદદ મળી. એના આધારે પોલીસે આરોપીઓની ઓળખ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર, સૈફ અલી ખાનના ઘરે ચોરી અને હુમલો કરનારી વ્યક્તિ હિસ્ટ્રીશીટર હોઈ શકે છે. આ ઘટનાની મોડસ ઓપરેન્ડી જોતાં હુમલાખોર સામે અગાઉ પણ આવા જ કેસો નોંધાયેલા હોઈ શકે છે. પોલીસનું માનવું છે કે આવી ઘટના ફક્ત એક ચાલાક અને જૂનો આરોપી જ અંજામ આપી શકે છે. આ કલમો હેઠળ કેસ નોંધાયો
સૈફ પર હુમલો અને હત્યાના પ્રયાસના કેસમાં બાંદ્રા પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ BNS કલમ 311 (લૂંટ), 312 (ઘાતક હથિયાર વડે લૂંટ), 331(4), 331(6), 331(7)ના આધારે કેસ નોંધાયો છે. આરોપી ઘરમાં કેવી રીતે ઘૂસ્યો?
મુંબઈ પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે સૈફ અલી ખાન હવે ખતરાની બહાર છે. પોલીસે FIRમાં મેડને ફરિયાદી બનાવી છે, મેડની ફરિયાદના આધારે બાંદ્રા પોલીસે BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં અતિક્રમણનો પણ સમાવેશ થાય છે. ઇબ્રાહિમ સૈફને રિક્ષામાં હોસ્પિટલ લઈ ગયો
અહેવાલ અનુસાર, ઇબ્રાહિમ અલી ખાન પિતા સૈફ અલી ખાનને રિક્ષામાં હોસ્પિટલ સુધી લઈ ગયો. સૈફના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. તેને તાત્કાલિક હોસ્પિટલ જવું જરૂરી હતું. આવી સ્થિતિમાં સમય બગાડ્યા વગર જ તેના પુત્ર ઇબ્રાહિમે ઓટોરિક્ષાનો સહારો લીધો. બંને ઓટો દ્વારા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા. આ હોસ્પિટલ સૈફ અલી ખાનના ઘરથી લગભગ બે કિલોમીટર દૂર છે. એ સમયે કરીના સૈફ સાથે ઓટોમાં જોવા મળી ન હતી. મોડીરાત્રે લગભગ 3:30 વાગ્યે સૈફને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. એ સમયે તેના ઘરે કોઈ ડ્રાઈવર હાજર નહોતો. સૈફ અલી ખાન હવે ‘સેફ’
ડોક્ટરે જણાવ્યું હતું કે ડાબા હાથ પર બે ઊંડા ઘા હતા અને ગરદનમાં છરી સાથે એક્ટરને હોસ્પિટલમાં લવાયો હતો. તેને પ્લાસ્ટિક સર્જરી કરવી પડી છે. હવે તેની હાલત સ્થિર છે. હાલ તેને ICU શિફ્ટ કરવામાં આવ્યો છે. ડિસ્ચાર્જ પર આવતીકાલે નિર્ણય કરવામાં આવશે. એક આરોપીની ઓળખ થઈ ગઈ
મુંબઈ પોલીસના DCP દીક્ષિત ગેડમે જણાવ્યું હતું કે એક હુમલાખોરની ઓળખ થઈ ગઈ છે. આરોપીએ સીડીનો ઉપયોગ કર્યો હતો. જોકે પોલીસે તે પકડાયો છે કે નહીં એ અંગે કોઈ માહિતી આપી નથી. સૈફ અલી ખાન પર હુમલો કરનારી વ્યક્તિ CCTV ફૂટેજમાં દેખાય છે. તે બિલ્ડિંગના છઠ્ઠા માળે જોવા મળી હતી. હુમલાખોરે ભાગી જવા માટે સીડીનો ઉપયોગ કર્યો. પોલીસે ઘરમાં બળજબરીથી ઘૂસવા અને હત્યાના પ્રયાસનો કેસ નોંધ્યો છે. કરીના કપૂર લીલાવતી હોસ્પિટલ પહોંચી હુમલા પાછળ જાણભેદુનો જ હાથ
મુંબઈ પોલીસના DCP દીક્ષિત ગેડમે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હુમલાખોરની ઓળખ હજુ સુધી થઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ પોલીસ સૈફના ઘરેથી ત્રણ લોકોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. પ્રાથમિક તપાસ મુજબ, ઘરની અંદર હાજર કોઈ વ્યક્તિએ હુમલાખોરને પ્રવેશ આપ્યો હતો. કોઈએ બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો નથી. સીસીટીવીમાં પણ કોઈ ઘરમાં પ્રવેશતું દેખાતું નથી. પોલીસ-ક્રાઈમ બ્રાન્ચે તપાસ માટે 18 ટીમ બનાવી
બાંદ્રા પોલીસ સ્ટેશને હુમલાખોરોને શોધવા માટે 10 ટીમ બનાવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ કેસની તપાસ માટે 8 ટીમ પણ બનાવી છે. ક્રાઈમ બ્રાન્ચ પણ તપાસ માટે સૈફના ઘરે પહોંચી ગઈ છે. એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક પણ ટીમનો ભાગ છે. તૈમુર-જેહના રૂમમાં જ બની હતી ઘટના
અહેવાલો અનુસાર, આ ઘટના સૈફ-કરીનાનાં બાળકો તૈમુર-જેહના રૂમમાં બની હતી. તેની ઘરની સંભાળ રાખનાર, અરિયામા ફિલિપ ઉર્ફે લીમા, રૂમમાં હાજર હતી અને તેને એક અજાણી વ્યક્તિએ પકડી લીધી. તેની ચીસો સાંભળીને સૈફ બાળકોના રૂમમાં પહોંચ્યો. સૈફને જોતાંની સાથે જ અજાણી વ્યક્તિએ તેના પર હુમલો કરવાનું શરૂ કરી દીધું. સૈફની ટીમ તરફથી સત્તાવાર નિવેદન સૈફ અલી ખાન સર્જરીમાંથી બહાર આવ્યા છે અને ખતરાની બહાર છે. તે હાલમાં સ્વસ્થ છે અને ડોક્ટરની દેખરેખ હેઠળ છે. પરિવારના બધા સભ્યો સુરક્ષિત છે અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. લીલાવતી હોસ્પિટલના ડૉ. નીરજ ઉત્તમણી, ડૉ. નીતિન ડાંગે, ડૉ. લીના જૈન અને ટીમનો આભાર. આ સમય દરમિયાન તેમના બધા ચાહકો અને શુભેચ્છકોની પ્રાર્થના બદલ આભાર. પોલીસ મીડિયા સાથે વાત નહીં કરે!
સૂત્રોના મતે, મુંબઈ પોલીસને મીડિયા સાથે વાત કરવાની તથા આ અંગે કોઈ પણ જાતની માહિતી આપવાની ચોખ્ખી ના પાડવામાં આવી છે. ઉપરી અધિકારીઓએ સ્પષ્ટ સૂચના આપી છે કે સૈફ પર હુમલો થયો તે પાછળની કોઈ પણ વાત પૂરી રીતે સત્ય છે કે નહીં તે જાણ્યા વગર કોઈએ પણ મીડિયાકર્મી સાથે વાત કરવી નહીં. સૈફની ટીમ તરફથી સત્તાવાર નિવેદન સૈફ અલી ખાન સર્જરીમાંથી બહાર આવ્યા છે અને ખતરાની બહાર છે. તે હાલમાં સ્વસ્થ છે અને ડોક્ટરની દેખરેખ હેઠળ છે. પરિવારના બધા સભ્યો સુરક્ષિત છે અને પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. લીલાવતી હોસ્પિટલના ડૉ. નીરજ ઉત્તમણી, ડૉ. નીતિન ડાંગે, ડૉ. લીના જૈન અને ટીમનો આભાર. આ સમય દરમિયાન તેમના બધા ચાહકો અને શુભેચ્છકોની પ્રાર્થના બદલ આભાર. ડીસીપી દીક્ષિત ગેડમનું નિવેદન એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં, તેમના પુત્ર જેહના બેડરૂમમાં, 16.1.2025ના રોજ સવારે લગભગ 2:00 વાગ્યે, તેમની ઘરની નોકરાણી શ્રીમતી આરિયામા ફિલિપ્સ ઉર્ફે લીમાએ એક અજાણી વ્યક્તિને જોઈ. તેણે તરત જ એલાર્મ વગાડ્યો, જેના પછી સૈફ અલી ખાન આગળ આવ્યો. પછી તે વ્યક્તિએ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેના કારણે સૈફ અલી ખાન ઘાયલ થયો. આ ઘટનામાં તેમની નોકરાણી પણ ઘાયલ થઈ હતી.સૈફ અલી ખાનની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બધા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે, અને આરોપીઓની શોધ ચાલુ છે. આ મામલે ફરિયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજના પહેલા 2 કલાકમાં, કોઈ અંદર પ્રવેશતું જોવા મળ્યું નથી. પોલીસને શંકા છે કે હુમલાખોર પહેલાંથી જ અંદર હતો. મહિલા સ્ટાફ પર પણ હુમલો થયો છે. તેની પણ સારવાર ચાલી રહી છે. સૈફ પણ ખતરામાંથી બહાર છે. સારા-ઈબ્રાહિમ પિતાને મળવા લીલાવતી હોસ્પિટલ પહોંચ્યાં ઘટનાની માહિતી મળતાં જ સારા અલી ખાન તેના ભાઈ ઇબ્રાહિમ સાથે લીલાવતી હોસ્પિટલ પહોંચી ગઈ હતી. બંને ઉતાવળમાં હોસ્પિટલમાં જતાં જોવા મળ્યાં. કરીના ઘરની બહાર પરેશાન જોવા મળી
એપાર્ટમેન્ટની બહારથી કરીના કપૂરનો મોડીરાતનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સ્ટાફ સાથે વાત કરતી વખતે નર્વસ જોવા મળી રહી છે. એ સમયે તેમની સાથે 3 મહિલા અને 1 પુરુષ સ્ટાફ હાજર હતાં. કરીના પાસે એક ઓટો પણ પાર્ક કરેલી જોવા મળી હતી. સૈફની ન્યુરો સર્જરી થઈ
સૂત્રોના મતે, સૈફ અલી ખાનની ન્યુરો સર્જરી કરવામાં આવી હતી. તેના શરીરમાંથી બેથી ત્રણ ઇંચ લાંબું શાર્પ ઓબ્જેક્ટ્સ કાઢવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે આ ચાકુનો આગળનો હિસ્સો છે. હવે સૈફ અલી ખાનની કોસ્મેટિક સર્જરી કરવામાં આવશે. હુમલાખોર પાઇપલાઇનમાંથી આવ્યો હોવાની શક્યતા
સૂત્રોના મતે, સૈફના ઘરની પાઇપલાઇન છે અને એ બેડરૂમમાં અંદર ખૂલે છે. પ્રાથમિક તપાસમાં પોલીસ માની રહી છે કે આ પાઇપલાઇનમાંથી જ અજાણી વ્યક્તિ સીધી બેડરૂમમાં આવી હતી. હુમલાની થિયરી પર ઉઠાવવામાં આવેલા સવાલો એક્ટર પર હુમલા બાદ સ્ટાર્સની પ્રતિક્રિયા ચિરંજીવી સૈફ અલી ખાન પર ઘૂસણખોર દ્વારા હુમલો થયાના સમાચારથી ખૂબ જ દુઃખ થયું. તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. રવિ કિશન આ ઘટના દુઃખદ છે, તે મારો મિત્ર અને સાથી કલાકાર છે… મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે અને ચોર પકડાઈ જશે. હું તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. પૂજા ભટ્ટ શું આ અરાજકતા પર કાબૂ મેળવી શકાશે @MumbaiPolice @CPMumbaiPolice? બાંદ્રામાં આપણને વધુ પોલીસ અધિકારીઓની જરૂર છે. શહેર અને ખાસ કરીને શહેરોની રાણીને પહેલાં ક્યારેય આટલું અસુરક્ષિત લાગ્યું નથી. કૃપા કરીને ધ્યાન આપો.
મમતા કુલકર્ણી મને સૈફ વિશે જાણીને ખૂબ જ દુ:ખ થયું. હું ખાનગી સિક્યોરિટી બાબતે ખૂબ જ ચિંતિત છું. સિક્યોરિટીના લોકો પોતાના માલિકની જિંદગીને આટલી હળવાશથી કેમ લઈ રહ્યા છે. શું તેમને પગાર નથી મળતો? હું ઇચ્છું છું કે સિક્યોરિટીએ પણ એટલી કાળજી રાખવી જોઈએ, જેથી કરીને તેઓ તેના માલિકના જીવનને એટલું જ મહત્ત્વ આપે. આ ઘટના સૈફ પૂરતી સીમિત નથી, ઘણી જગ્યાએ આવી ઘટના બનતી રહે છે એ પછી ગુજરાતમાં રાજકોટ હોય કે બોમ્બેમાં હોય. આ ઘટના સઘન સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત દર્શાવે છે. હું સૈફના સ્વાસ્થ્ય માટે ઇશ્વરને પ્રાર્થના કરું છું ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ હોસ્પિટલ પહોંચ્યા
‘તા રા રમ પમ’ અને ‘સલામ નમસ્તે’માં સૈફ અલી ખાન સાથે કામ કરી ચૂકેલા ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ તેમના પત્ની સાથે લીલાવતી હોસ્પિટલ પહોંચ્યા. સૈફ અલી ખાનના ઘરની આસપાસનાં બિલ્ડિંગોમાં પણ તપાસ શરૂ
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ સૈફ અલી ખાનના ઘરની આસપાસની ઇમારતોની તપાસ કરી રહ્યા છે. મુંબઈ પોલીસના સ્નિફર ડોગ્સને બાંદ્રાના તે સ્થળે લાવવામાં આવ્યા છે જ્યાં એક્ટર સૈફ અલી ખાન રહે છે. હુમલાનું કારણ શું છે એ અંગે 3 નિવેદન આવ્યાં લીલાવતી હોસ્પિટલનું નિવેદન સૈફ અલી ખાન પર તેમના બાંદ્રા સ્થિત ઘરમાં એક અજાણી વ્યક્તિએ છરી વડે હુમલો કર્યો હતો.’ સૈફને સવારે 3.30 વાગ્યે હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. તેને છરીના 6 ઘા માર્યા હતા, જેના કારણે સૈફના શરીર પર બે ઊંડા ઘા પડ્યા હતા. આમાંથી એક ઘા કરોડરજ્જુની નજીક છે. અભિનેતાનું ઓપરેશન ન્યુરોસર્જન, કોસ્મેટિક સર્જન અને એનેસ્થેટિસ્ટ ડૉ.ના નેતૃત્વમાં ડોક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. સૈફની ટીમ તરફથી સત્તાવાર નિવેદન એમાં જણાવવામાં આવ્યું છે કે સૈફ અલી ખાનના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં તેની સર્જરી લીલાવતી હોસ્પિટલમાં ચાલી રહી છે. ડોક્ટર લીના અને ડોક્ટર નીતિન ડાંગે સૈફની સારવાર કરી રહ્યાં છે. આ હુમલામાં સૈફના ઘરનો એક કર્મચારી પણ ઘાયલ થયો છે. આવી પરિસ્થિતિમાં અમે મીડિયા અને ચાહકોને અમારો સાથ આપવા વિનંતી કરીએ છીએ. આ પોલીસનો મામલો છે. અમે તમને અપડેટ કરતા રહીશું. ડીસીપી દીક્ષિત ગેડમનું નિવેદન સૈફ અલી ખાન ખારમાં ફોર્ચ્યુન હાઇટ્સમાં રહે છે. ગઈકાલે મોડી રાત્રે એક માણસ સૈફના ઘરમાં ઘૂસી ગયો અને તેની નોકરાણી સાથે ઝઘડો કર્યો. જ્યારે અભિનેતાએ તે માણસને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે સૈફ પર હુમલો કર્યો અને તે હુમલામાં તેમને ઘાયલ થયા. સેફ અલી પર હુમલાનો ઘટનાક્રમ કરીના કપૂર ક્યાં હતી?
હાલમાં, હુમલા સમયે પરિવારના બાકીના સભ્યો ક્યાં હતા તે અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ કરિશ્મા કપૂરે 9 કલાક પહેલાં ઇન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી હતી. તેણે તેની બહેનો કરીના કપૂર, રિયા અને સોનમ કપૂર સાથે પાર્ટી કરી હતી. ત્રણેયે સાથે રાત્રિભોજનનો આનંદ માણ્યો. આ પાર્ટીમાં કરીના હાજર હતી. સૈફ પર હુમલો થયો ત્યારે કરીના તેની ગર્લ ગેંગ સાથે હતી કે ઘરે પહોંચી હતી તે અંગે કોઈ પુષ્ટિ નથી. સૈફ નવા વર્ષની ઉજવણી કરવા સ્વિટ્ઝર્લેન્ડ ગયો હતો
સૈફની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ ‘દેવરા’ હતી. તેમાં જુનિયર એનટીઆર અને જાહ્નવી કપૂર હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સારી કમાણી કરી શકી નહીં. પોતાની ફિલ્મો ઉપરાંત, સૈફ કરીના અને તેના બાળકો સાથેના તેના બોન્ડને કારણે પણ સમાચારમાં રહે છે. આ કપલે સ્વિટ્ઝર્લૅન્ડમાં ક્રિસમસ અને નવું વર્ષ ઉજવ્યું હતું. 2023માં શાહરુખના ઘરમાં ઘૂસ્યા હતા બે અજનબી 2 માર્ચ, 2023એ બે યુવાનો દીવાલ કૂદીને શાહરુખ ખાનના બંગલા ‘મન્નત’ ના ત્રીજા માળ સુધી પહોંચી ગયા હતા. જોકે, સુરક્ષા ગાર્ડ્સે તેમને પકડી લીધા અને પોલીસને સોંપી દીધા હતા. બંનેની ઉંમર 21થી 25 વર્ષની હોવાનું જણાવાયું હતું. બંને ગુજરાતના રહેવાસી હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેમણે કહ્યું કે તે શાહરુખને મળવા માગતા હતા. આ ઘટના સમયે શાહરુખ ખાન ઘરે નહોતા. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ