back to top
HomeગુજરાતRMC મિલકતવેરાનાં 4.50 કરોડથી વધુના 856 ચેક રિટર્ન:વેરો ન ભરનાર સામે 30...

RMC મિલકતવેરાનાં 4.50 કરોડથી વધુના 856 ચેક રિટર્ન:વેરો ન ભરનાર સામે 30 દિવસ બાદ ફોજદારી કાર્યવાહી કરાશે; સરકારી મિલકતોનો 93 કરોડથી વધુનો વેરો બાકી

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં વર્ષ 2025 માટે રૂ. 410 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જે પૈકી અત્યાર સુધીમાં રૂ. 338 કરોડની વસુલાત થઈ છે. તો રૂ. 72 કરોડ જેટલો વેરો વસુલવા માટે મનપા દ્વારા સિલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, વસુલવામાં આવેલા ટેક્સ પૈકી વર્ષ 2024માં રૂ. 4.58 કરોડનાં 856 જેટલા ચેક રિટર્ન થયા છે. ત્યારે મિલકતવેરાનો ટાર્ગેટ કેમ પૂરો થશે તે મોટો સવાલ છે. જોકે, આ મામલે નિયમ મુજબ ફોજદારી ફરિયાદ સુધીના પગલાં લેવામાં આવનાર છે. RMCના બાકી મિલકતવેરામાં સરકારી કચેરીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં સૌથી વધુ રેલવે વિભાગનો 14 કરોડ 32 લાખ 94 હજાર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 12 કરોડ 82 લાખ 52 હજાર અને કલેક્ટર ઓફિસનો 11 કરોડ 59 લાખ 99 હજાર વેરો ભરવાનો બાકી છે, જે સૌથી વધુ રકમ છે. ચેક રિટર્ન કેસમાં નોટિસ બાદ ફોજદારી કાર્યવાહી કરાશેઃ અધિકારી
મનપાનાં વેરા વિભાગના મેનેજર વત્સલ પટેલના જણાવ્યા મુજબ, રાજકોટ મનપા દ્વારા વેરા વસુલાત માટેની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, આ દરમિયાન વર્ષ 2024માં રૂ. 4.58 કરોડની કિંમતના કુલ 856 જેટલા ચેક રિટર્ન થયા હતા. આ પૈકીનાં 75 ટકા કિસ્સામાં બેંકમાં અપૂરતું ફંડ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને નિયમ મુજબ તેની પણ રિકવરી કરવામાં આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. 4.19 કરોડનાં 804 ચેકની વસુલાત થઈ ચૂકી છે. જ્યારે રૂ. 39 લાખના 52 ચેક રિકવરી બાકી છે. આ માટે નિયમ મુજબ નોટિસ આપવાની કામગીરી કરવામાં આવી છે અને જરૂર પડ્યે ફોજદારી ફરિયાદ કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં રૂ. 338 કરોડની વસુલાત
રાજકોટ મનપા દ્વારા વર્ષ 2024-25 માટે રૂપિયા 410 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જેની સામે અત્યાર સુધીમાં રૂ. 338 કરોડની વસુલાત કરાઈ ચૂકી છે અને બાકીની રકમ વસૂલવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે વધારાનાં સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવી ચૂકી છે. સામાન્ય રીતે ઘણા લોકો ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં જ ટેક્સ ભરવાનો આગ્રહ રાખતા હોય છે. હાલ 5થી 25 હજાર રૂપિયાનો વેરો બાકી હોય તેવા બાકીદારો પાસેથી પણ મિલકત અને પાણી વેરો વસુલવામાં આવી રહ્યો છે. જેને લઈને બાકી રહેલા અઢી માસ દરમિયાન લક્ષ્યાંક પૂરો થવાની પૂરતી સંભાવના છે. સરકારી મિલકતોનો રૂ. 93 કરોડથી વધુનો વેરો બાકી
સરકારી મિલકતોનાં બાકી વેરા અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, હાલ રેલવે, કલેક્ટર ઓફિસ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિતની સરકારી મિલકતોનો રૂ. 93 કરોડ જેટલો વેરો વસુલવાનો બાકી છે. જોકે, આ કચેરીઓમાં લોકોની મોટા પ્રમાણમાં અવરજવર રહેતી હોવાથી તેની સામે સિલિંગ જેવી કાર્યવાહી કરી શકાતી નથી. પરંતુ આ પ્રકારનો વેરો વસૂલવા માટે મ્યુ. કમિશનર દ્વારા જે-તે કચેરીના અધિકારીઓ સાથે પત્રવ્યવહાર તેમજ મિટિંગો પણ કરવામાં આવી રહી છે. સરકાર તરફથી ગ્રાન્ટ મંજૂર થયા બાદ આ કચેરીઓનો મહત્તમ બાકીવેરો પણ વસુલાય તેવી શક્યતા છે. હવે રૂ. 25,000થી વધુનો ટેક્સ બાકી હશે તો પણ મિલકત સીલ!
ટેક્સ વિભાગ દ્વારા અત્યાર સુધી રૂ. 50 હજારથી વધુ વધુ રકમનો ટેક્સ બાકી હોય તેવા મિલકતધારકો સામે સિલિંગ સહિતની કામગીરી કરવામાં આવતી હતી. હવે છેલ્લા બે મહિના દરમિયાન જે મિલકતધારકોનો રૂ. 25 હજારથી વધુ રકમનો ટેક્સ બાકી છે, તેમની સામે પણ સિલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. આવા મિલકત ધારકોની યાદી તૈયાર થઈ ગઇ છે અને હવે આ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. વેરા વસૂલાત ઝુંબેશ સઘન બનાવવા માટે ટુંક સમયમાં વધારાનો સ્ટાફ મુકાશે
મહાનગરપાલિકા દ્વારા સામાન્ય સંજોગોમાં જાન્યુઆરી અંત પછી વેરા વસુલાત ઝુંબેશને વધુ કડક બનવવામાં આવે છે. અને સરકારી અર્ધ સરકારી કચેરીઓ, બેંકો, મોબાઈલ ટાવર તેમજ સામાન્ય મિલકતધારકો પાસેથી ટેક્સ રિકવરી કરવા માટે સિલિંગ ઝુંબેશ, ચેક પરત ફરે તો એક મહિનામાં કોર્ટમાં ફરિયાદ સહિતની કામગીરી કરવામાં આવે છે. દરવર્ષે બે મહિના માટે આ ઝુંબેશ વધુ સઘન બનાવવા ટેક્સ બ્રાંચને અન્ય વિભાગોમાંથી સ્ટાફ ફાળવવામાં આવે છે. ત્યારે જાન્યુઆરી માસના અંત સુધીમાં ટેક્સ બ્રાંચને વધારાનો સ્ટાફ ફાળવી દેવાશે. 2024-25 બજેટમાં ટાર્ગેટ રૂ.410 કરોડનો
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં નવા ભળેલા મોટામૌવા, માધાપર, મુંજકા, મનહરપુર સહિતના વિસ્તારોને કારણે ટેક્સ શાખામાં મિલકતધારકોની સંખ્યા વધીને 5.90 લાખ જેટલી થઈ છે. શહેરના વધતા જતાં વિસ્તારોની નળ, ગટર અને રસ્તાની પ્રાથમિક સુવિધા પુરી કરવા માટે અને વિકાસકામો આગળ ધપવવા માટે મહાનગરપાલિકા દ્વારા બજેટમાં દરવર્ષે મિલકતવેરાનો ટાર્ગેટ વધારવામાં આવે છે. 2024-25 બજેટમાં આ ટાર્ગેટ રૂ.410 કરોડ રાખવામાં આવ્યો છે. આ સામે અત્યાર સુધીની કુલ રિકવરી રૂ.338 કરોડ થઈ છે. નાણાંકિય વર્ષ પુરૂ થવા આડે હવે બે મહિના જેવો જ સમય રહ્યો છે. બીજી તરફ લક્ષ્યાંક સિધ્ધ કરવા માટે હજી 72 કરોડનું છેટું છે અને દરરોજ માત્ર રૂ. 30-40 લાખની વસુલાત થઈ રહી છે. ત્યારે ચાલુ નાણાકીય વર્ષમાં લક્ષ્યાંક પૂરો થવાની હાલ ઓછી શક્યતા જોવા મળી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments