અનેક ફરિયાદ છતાં બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ ખુલ્લેઆમ લક્કી ડ્રો ચાલી રહ્યા છે. પોલીસની નજરથી બચવા આયોજકોએ હવે ઓનલાઇન ટિકિટનું વેચાણ વધારે શરૂ કર્યું છે. દિવ્ય ભાસ્કરે આવા લક્કી ડ્રો અંગે અહેવાલ પ્રસારિત કર્યા બાદ પોલીસે લક્કી ડ્રોના આયોજકો સામે ગુનો નોંધવાનું શરૂ કર્યું હતું. જેના કારણે લક્કી ડ્રોના આયોજકોમાં ફફડાટ તો ફેલાયો છે પણ સરળતાથી કરોડપતિ બનવાની લાલચે તેમણે આવા ડ્રો ચાલુ જ રાખ્યા છે. તેમને જાણે કે પોલીસનો કોઇ ખૌફ નથી તેવું લાગી રહ્યું છે. લક્કી ડ્રોના આયોજકો સામે ગુનો નોંધાય છે, તેમની પૂછપરછ થાય છે, ધરપકડ થાય છે અને પછી તેઓ જામીન પર સરળતાથી છૂટી જાય છે. 8મી ફેબ્રુઆરીએ મોરથલમાં લક્કી ડ્રો યોજાશે
ઉત્તર ગુજરાતમાં લક્કી ડ્રોના કિંગ તરીકેની ઓળખ ધરાવતો અશોક માળી રામદેવ ફાઉન્ડેશન ચલાવે છે. આ રામદેવ ફાઉન્ડેશને 8મી ફેબ્રુઆરીએ મોરથલ ગામે એક લક્કી ડ્રોનું આયોજન કર્યું છે. આ અંગે સોશ્યલ મીડિયા પર જોરશોરથી જાહેરાત પણ થઇ રહી છે. પ્રવીણ ચૌધરી નામની એક વ્યક્તિ પણ તેની આયોજક છે. તેના ફેસબુક એકાઉન્ટ, ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ડ્રોની જાહેરાત થઇ રહી છે. આ લક્કી ડ્રોમાં કુલ 45 લાખ રોકડા, 25 ટ્રેક્ટર, 251 બાઇક ઇનામમાં અપાશે તેવો દાવો કરાયો છે. જેની ટિકિટ 399 રૂપિયા છે. દિવ્ય ભાસ્કરે આ ડ્રોના આયોજક પ્રવીણ ચૌધરી સાથે વાત કરી હતી. જેમાં તેણે આ ડ્રો કાયદેસર હોવાનો દાવો કર્યો હતો. જો કે જ્યારે અમે તેમની પાસેથી મંજૂરીનો પત્ર માંગ્યો ત્યારે તેમણે પત્ર ન આપ્યો અને એવો મેસેજ કર્યો કે તમે અશોક માળી સાથે વાત કરો. લક્કી ડ્રો કાયદેસર હોવાનો દાવો
પ્રવીણ ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે, આ લક્કી ડ્રો કાયદેસર છે અને ચાલુ છે. પોલીસે જે ગેરકાયદેસર ડ્રો હતા તેના પર ફરિયાદ કરી હતી એટલે એવા ડ્રો બંધ થઇ ગયા છે. અમે રામદેવ ફાઉન્ડેશન ચલાવીએ છીએ અને તેના નામે લક્કી ડ્રો કરીએ છીએ. પ્રવીણ ચૌધરીના આ દાવા બાદ અમે બનાસકાંઠાના ચેરિટી કમિશનર પી.કે.રાવલને ફોન કર્યો હતો. અમે પ્રવીણ ચૌધરીના દાવાની હકીકત જાણવા માંગતા હતા. જો કે ચેરિટી કમિશનરે અમારો કોલ રિસીવ કર્યો નહોતો. અશોક માળીના ગુણગાન ગાયા
અશોક માળી સામે ગુનો નોંધાયા બાદ પ્રવીણ ચૌધરીના ફેસબુક એકાઉન્ટ પર 9મી જાન્યુઆરીએ એક વીડિયો પોસ્ટ કરાયો છે. જેમાં એક વ્યક્તિ પોતાની પત્રકાર તરીકેની ઓળખ આપે છે અને કહે છે કે હું વાલેરમાં ડ્રો સમયે હું સ્ટેજ ઉપર ગયો હતો કારણ કે મારે જાણવું હતું કે અશોક માળી સાચુ કરે છે કે ખોટું કરે છે. અશોક માળી 100 ટકા સાચુ કરે છે. મને લાગ્યું કે અશોક માળી જેવું બીજું કોઇ ન કરી શકે એટલે હું પણ તેનો એજન્ટ બન્યો અને મેં પણ કુપન વેચવાનું ચાલુ કર્યું છે. અશોક માળી 54 હજાર લોકોને રોજગાર પૂરો પાડે છે. તમારા 400 રૂપિયા વેડફાઇ નથી જતા, આ પૈસા કોઇ ગૌશાળા કે સેવાના કાર્યોમાં જશે, 100 રૂપિયા અમારા જેવા 54 હજાર લોકોના ઘરમાં જશે. તમારા બાકીના વધતા 200 રૂપિયામાંથી જેને ઇનામ લાગે છે તેને મદદ થઇ શકે છે. રામદેવ ફાઉન્ડેશને જે ચોથા ડ્રોનું આયોજન કર્યું છે તેમાં આ વખતે 21 લાખ રૂપિયા રોકડા અપાશે. માની લો કે કોઇ ગરીબ માણસને 21 લાખ રૂપિયા લાગે તો તેને આખી જિંદગી કમાવું નહીં પડે. 21મી તારીખે યોજાનારા ડ્રોનું સિંગરે પ્રમોશન કર્યું
બનાસ ધરા મિત્ર મંડળે 21મી જાન્યુઆરીએ એક લક્કી ડ્રોનું આયોજન કર્યું છે. થરાદના રાહ ગામે યોજાનારા આ લક્કી ડ્રોમાં 5121 ઇનામ રખાયા છે. 399 રૂપિયાની ટિકિટમાં 11 લાખ રોકડા, 21 વ્યક્તિને 1-1 લાખની રોકડ, સોનાલિકા ટ્રેક્ટર, 101 બાઇક, 31 એક્ટિવા જેવા ઇનામો રખાયા છે. સિંગર વર્ષા વણઝારા અને ગાયત્રી ઠાકોરે આ લક્કી ડ્રોનું પ્રમોશન કર્યું છે. આ માટે તેમણે એક વીડિયો જાહેર કર્યો છે. સિંગર વર્ષા વણઝારા કહે છે કે, મેં આ ટિકિટ ખરીદી છે, તમે પણ ટિકિટ ખરીદો. સેદલા ગામે લક્કી ડ્રો
પોલીસે લક્કી ડ્રોના આયોજકો સામે ગુનો નોંધવાનું શરૂ કર્યું હોવા છતાં થરાદના સેદલા ગામે ઉત્તરાયણના દિવસે જ એક લક્કી ડ્રોનું આયોજન કરાયું હતું. જય ભોલેનાથ લક્કી ડ્રો યોજના હેઠળ 399ની ટિકિટમાં 351 ઇનામો રાખવામાં આવ્યા હતા. જેમાં 6 લાખ રૂપિયા રોકડા, 5 લાખ રૂપિયા રોકડા, 5 બાઇક, 10 મોબાઇલ, ફ્રિઝ, કુલર જેવા ઇનામો રાખવામાં આવ્યા હતા. લક્કી ડ્રો માટે 20 હજાર ટિકિટનું વેચાણ કરવાનું હતું. આયોજકોએ ઓનલાઇન કુપન માટે ફોન નંબર પર કોન્ટેક્ટ કરવાનું કહ્યું હતું. આમ બનાસકાંઠામાં હજુપણ કોઇ રોકટોક વગર આવા લક્કી ડ્રો ચાલી રહ્યા છે અને તેનું પ્રમોશન પણ થઇ રહ્યું છે. દિવ્ય ભાસ્કરે થરાદના DySP, થરાદના PI અને ભીલડીના PI સાથે વાતચીત કરી હતી અને અત્યાર સુધીમાં થયેલી કાર્યવાહી વિશે માહિતી મેળવી હતી. બનાસકાંઠામાં 5 FIR થઇ
આ પહેલાં આવા લક્કી ડ્રોના આયોજકો વિરૂદ્ધ બનાસકાંઠા પંથકમાં કુલ 5 FIR થઇ છે. થરાદમાં 3, ધાનેરા અને ભીલડીમાં 1-1 ફરિયાદ દાખલ કરાઇ છે. જેમાં 15થી વધુ શખસોને આરોપી બનાવાયા છે. લોટરી કિંગની ઓળખ ધરાવતા અશોક માળી વિરૂદ્ધ બીજો ગુનો દાખલ થયો છે. પોલીસે 15 થી 17 લોકોને નોટિસ આપી છે અને પૂછપરછ માટે બોલાવ્યા છે. અત્યારસુધીમાં ડેડુવા ગૌશાળા, બિદરડા ગૌશાળા અને બનાસ ધારા ફાઉન્ડેશનના નામે થયેલા લક્કી ડ્રોના આયોજકો વિરૂદ્ધ ગુના નોંધાયા છે. હજુ પણ 4 કે 5 ગુના દાખલ થઇ શકે છે. જેની સામે કેસ થયો તેણે ફરીથી લક્કી ડ્રોનું આયોજન કર્યું
ડેડુવા ગૌશાળાના કેસમાં અશોક માળી ફરાર છે. અશોક માળીએ ગૌશાળાને 35 લાખ રૂપિયા રોકડા આપ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં ખૂલ્યું છે. જ્યારે બનાસ ધરા ફાઉન્ડેશનના કેસમાં આરોપી પકડાયા હતા અને જામીન પર મુક્ત થઇ ગયા છે. આ જ બનાસ ધરાએ 21મી જાન્યુઆરીએ લક્કી ડ્રોનું આયોજન કર્યું છે. પોલીસે 25 હજાર ટિકિટ કબજે લીધી
પોલીસે 500થી 1 હજાર જેટલી બૂક કબજે લીધી છે. એક બૂકમાં 50 ટિકિટ હોય છે. એટલે આમ ગણીએ તો ઓછામાં ઓછી 25 હજાર ટિકિટ કબજે લેવાઇ છે. જેતડા, ચારડા અને વાલેર ગામમાં યોજાયેલા લક્કી ડ્રોની તપાસ ચાલુ છે. જેને રૂપિયા પાછા ન મળે તેને ફરિયાદ કરવાની અપીલ
થરાદના DySP એસ.એમ.વારોતરિયાએ લોકોને અપીલ કરી છે કે જે લોકોના રૂપિયા પરત ન મળે તે પોલીસ ફરિયાદ કરી શકે છે. થરાદના PI આર.આર.રાઠવાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અશોક માળીની મિલકતની તપાસ ચાલુ છે. ભીલડીના PI ડી.બી. પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે પાંચેક દિવસ પહેલાં જૂના નેસડા ગામના 3 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. જેની પૂછપરછ કરતાં તેમણે 50 હજાર ટિકિટ છપાવી હોવાનું ખૂલ્યું છે. તેમણે આ ટિકિટ બીજા કોઇને આપી છે કે નહીં તેની તપાસ ચાલુ છે. લક્કી ડ્રો પાછળ મોટા માથાના સંડોવણીઃ સામાજિક કાર્યકર
સ્થાનિક સામાજિક કાર્યકર તલાભાઇ ચૌધરીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, થરાદ, દાંતીવાડા, લાખણી, ધાનેરા પંથકમાં આવા લક્કી ડ્રો ચાલે છે. પોલીસ આવા લક્કી ડ્રોના આયોજકો સામે કેમ પગલાં નથી લેતી? અશોક માળી અને બીજા 1-2ની ધરપકડ કરી પણ હજુય ઘણા લોકો બાકી છે. આવા લક્કી ડ્રો પાછળ કોઇ મોટા માથાની સંડોવણી જ હોઇ શકે. મોટા માથાના પીઠબળ સિવાય કરોડો રૂપિયાના લક્કી ડ્રોનું આયોજન શક્ય જ નથી. લક્કી ડ્રોની પેટર્નને આ રીતે સમજો
99, 199, 299, 399 જેવી રકમની લાખોની સંખ્યામાં કુપન છપાય છે. જેનું ઓનલાઇન અને ઓફલાઇન એમ બન્ને રીતે વેચાણ કરાય છે. કુપન વેચવા માટે એજન્ટની પણ નિમણૂક થાય છે. જેને એક ટિકિટના વેચાણ બદલ 100 રૂપિયાનું કમિશન અપાય છે. 2-3 મહિના સુધી આ રીતે કુપનનું વેચાણ ચાલુ રહે છે. જેના પછી મોટી ઇવેન્ટ કરીને લક્કી ડ્રો કરાય છે. આ લક્કી ડ્રોમાં કોઇ ખ્યાતનામ વ્યક્તિને ખાસ હાજર રખાય છે જેથી લોકોને પ્રભાવિત કરી શકાય. ઘણા ડ્રોમાં તો રાજકારણીઓ પણ હાજરી આપે છે. મોટા સંતો, મહંતો પણ ઉપસ્થિત રહે છે. કોના નામે ટિકિટ વેચાય છે?
ગૌશાળાના લાભાર્થે, અનાથ બાળકોના શિક્ષણ અને વિકાસ માટે, મંદિર નિર્માણ માટે આવા લક્કી ડ્રો યોજાય છે. ઘણા ડ્રો કોઇના લાભાર્થે નથી હોતા પરંતુ ફક્ત ઇનામ માટે હોય છે. 199, 299, 399 જેવી રકમમાં ગૌશાળા કે અનાથ બાળકોના કથિત લાભાર્થે લોટરીની જેમ ટિકિટ વહેંચાય છે. હજારો લોકોની હાજરીમાં ડ્રો કરાય છે અને પછી થાર, સ્કોર્પિયો, ટ્રેક્ટર, જેસીબી, બાઇક, ફ્રિઝ, વોશિંગ મશીન અને 25 લાખની રોકડ જેવા ઇનામ અપાય છે. આ પણ વાંચો 300ની ટિકિટ ખરીદો ને 25 લાખ જીતો, ગૌશાળાના નામે લક્કી ડ્રોનો ગોરખધંધો