રાજ્યના બહુચર્ચિત GST કૌભાંડ પૈકીના એક એવા કૌભાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 14 આરોપીઓ વિરૂધ્ધ કરેલી ચાર્જશીટમાં કેટલાક નવા ઘટસ્ફોટ થયાં છે. પૂર્વ પત્રકાર મહેશ લાંગા સહિતના લોકો વિરૂધ્ધ કરાયેલી ચાર્જશીટમાં ‘ધ્રુવી એન્ટરપ્રાઈઝ’ જેવી એટલે કે માત્ર કાગળ પર જ હયાત હોય તેવી 30 કંપનીમાંથી 60 કરોડની કિંમતના 1800 બોગસ બીલ મળ્યાંનો ઉલ્લેખ છે. જ્યારે મહેશ લાંગાએ કરેલા GST કૌભાંડની તપાસ દરમિયાન ED પણ આ કેસ સાથે જોડાઈ હતી. સૂત્રોનું કહેવું છે કે, કૌભાંડ આચરીને મહેશ લાંગાએ વિદેશમાં કરેલા વ્યવહારોની વિગતો ED ને મળી છે જેના પર પણ ટૂંક સમયમાં કાર્યવાહી થશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 7 ઓક્ટોબરે અલગ અલગ 12થી વધુ કંપનીઓ અને તેના સંચાલકો વિરૂધ્ધ નોંધેલા બોગસ બિલ બનાવી ખોટી રીતે GST ઈનપુટ ક્રેડીટ લઈ સરકારને નુકશાન કરવાના ગુનામાં ચાર્જશીટ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં જ પત્રકાર મહેશ લાંગા સહિત 14 લોકોની ધરપકડ કરી હતી. જેમાં તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, અલગ અલગ કંપનીઓએ ધંધાકિય ખોટ દર્શાવી ‘ધ્રુવી એન્ટર પ્રાઈઝ’ નામની એક માત્ર કાગળ પર ઉભી કરાયેલી કંપનીમાંથી માલ-સામાનની આપલે કરી ખોટા બિલ દર્શાવ્યાં હતા. આ બિલના રૂપિયા કંપનીમાં બેન્કથી ટ્રાન્સફર કર્યા અને રોકડમાં ઉપાડી આંગડીયા દ્વારા હવાલા પાડી પરત મેળવી લીધા હતા. નવાં 11નાં નામ ખુલ્યાં, મોટાભાગના ભાવનગરનાં રાજકીય સંબંધો ધરાવનારી વ્યક્તિ સાથે લાંગાના વ્યવહારો અંગે તપાસ
ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોનું કહેવું છે કે, મહેશ લાંગા એક એવી વ્યક્તિના સંપર્કમાં હતો જેના રાજકીય સંબંધો છે. આ વ્યક્તિ સાથેના કેટલાક ગુપ્ત વ્યવહારોની કડીઓ મળી છે જેના પર ટૂંક સમયમાં કાર્યવાહી થશે. આવા વધુ કેટલાક નામ મહેશ લાંગા સાથે જોડાયેલા હોવાનું પણ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. ભાડા માટે એડિટિંંગ એપ્લિકેશનનો ઉપયોગ કરાયો
વર્ષ 2023 માં બનેલાં મુન્નાભાઈ મકવાણા અને ભાણજીભાઈ કોરાટ વચ્ચેના અસલ ભાડા કરારમાં ઈમેજ એડીટીંક એપ્લિકેશનથી એડીટ કરીને તેમાં હરેશ મકવાણાનું નામ નાંખ્યું. ત્યાર બાદ રજીસ્ટ્રેશન સ્ટેમ્પ સાથે પણ ચેડાં કરીને ધ્રુવી એન્ટરપ્રાઈઝ નામની કંપનીનો GST નંબર મેળવવામાં આવ્યો હતો. આ કંપની માત્ર કાગળ પર જ હતી. આમ સરકારી ડોક્યુમેન્ટ્સમાં પણ આ ટોળકીએ છેડછાડ કર્યાનું ખુલ્યું છે.