ડાયમંડ માર્કેટમાં મંદી ચાલી રહી છે, જેને લઈને હીરાના વેપારીઓની ઉઠમણાનીઓની પણ ઘટનાઓ વધી ગઈ છે. છેલ્લાં 3 વર્ષમાં ડાયમંડમાં 210થી વધારે ઉઠમણાં થયા છે. જેમાં 1 લાખથી માંડીને 150 કરોડ રૂપિયા સુધીના ઉઠમણાં થયા છે. સુરત ડાયમંડ એસો.માં ત્રણ વર્ષમાં 24, મહિધરપુરા પોલીસમાં 186 ઉપરાંત બેલ્જિયમ અને હોંગકોંગમાં 1-1 ઉઠમણા થયા છે. અંદાજીત 210 ઉઠમણાઓમાં 300 કરોડથી વધારે રૂપિયાના ઉઠમણા થયા છે. મંદીને કારણે તૈયાર હીરાની ડિમાન્ડમાં ઘટાડો થયો, જેથી વેપારીઓ પાસે સ્ટોક થયો, અમુક હીરા વેપારીઓએ સ્ટોક ખાલી કરવા માટે ખરીદનારની ચકાસણી વગર જ માલ ઉધારમાં વેચી નાંખ્યો એટલે આવી સ્થિતિ થઈ છે. બેલ્જિયમની એક પાર્ટી 140 કરોડમાં પણ ઉઠમણું કર્યુ હતું
બેલ્જિયમમાં 30 વર્ષથી ડાયમંડ ટ્રેડિંગ અને ફાઈનાન્સનો વેપાર કરતી પેઢીએ ઓક્ટોબર મહિનામાં 142 કરોડમાં નાદારી નોંધાવી હતી. મૂળ સૌરાષ્ટ્રના અને પાટીદાર વેપારી છેલ્લાં 30 વર્ષથી બેલ્જિયમમમાં ટ્રેડિંગ કરતા હતા. હોંગકોંગમાં પાર્ટીએ 50 કરોડનું ઉઠમણું કર્યુ હતું, રૂપિયા ફસાયા
સપ્ટેમ્બર મહિનામાં હોંગકોંગમાં એક પાર્ટીએ ઉઠમણું કર્યું હતું. મૂળ ઉત્તર ગુજરાતના વેપારીએ રૂપિયા 50 કરોડનું ઉઠમણું કર્યુ હતું. આ ઉઠમણામાં સુરત, મુંબઈ અને વિદેશમાં ઓફિસ ધરાવતા વેપારીઓના રૂપિયા ફસાયા હતા. 2021માં કોરોના દરમિયાન ઉઠમણા ઘટવાના કારણ બજારમાં ઉઠમણાંથી બચવા રોકડાથી વેપાર શરૂ થયો છે
સુરત ડાયમંડ એસોસિએશએનના પ્રમુખ જગદીશ ખૂંટે કહ્યું હતું કે, ઉઠમણાં માર્કેટને આધિન હોય છે. માલનો ભાવ નીચે જતો રહે એટલે ઉઠમણાં થતા હોય છે. પરંતુ હવે વેપારીઓ ઉઠમણાંથી બચવા માટે રોકડાથી વેપાર કરવા તરફ વળ્યા છે. ડિમાન્ડ નિકળે તો ઉઠમણાં ઘટે
ડાયમંડ બ્રોકર એસોસિએશનના પ્રમુખ નંદલાલ નાકરાણીએ કહ્યું હતું કે, આ વખતે મંદી ખૂબ જ લાંબી ચાલી છે, માર્કેટમાં ડિમાન્ડ ન હોવાને કારણે ઉઠમણાનું પ્રમાણ વધ્યું છે, વેપારીઓને માલની પડતર પણ મોંઘી પડી રહી છે. ડિમાન્ડ નિકળે તો ઉઠમણાનું પ્રમાણ ઘટી શકે.