બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલામાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી હતી, જોકે હાલમાં જ મુંબઈ પોલીસે સ્પષ્ટતા કરી દીધી છે કે જેની ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી, એટલે કે ઘટનાના 38 કલાક બાદ પણ પોલીસના હાથ હજુ ખાલી છે. અત્યારસુધી બે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ હાઇપ્રોફાઇલ કેસને ઉકેલવા માટે મુંબઈ પોલીસ ઝડપી કાર્યવાહી કરી રહી છે. આરોપીઓને પકડવા માટે 35 ટીમ બનાવાઈ છે. દરેક ટીમને અલગ-અલગ કાર્ય મળ્યું છે. ચાલો… જાણીએ કે આ કેસને લઈને અન્ય કયાં નવાં અપડેટ્સ સામે આવ્યાં છે. રણધીર-બબીતા જમાઈ સૈફની તબિયત પૂછવા ગયાં સૈફ પર હુમલો કરનાર આરોપી હજી પણ ફરાર
મુંબઈ પોલીસ સવારે જે વ્યક્તિની અટકાયત કરી હતી તેનું નામ શાહિદ છે. પોલીસે ગિરગાંવના ફોકલેન્ડ રોડ પરથી ધરપકડ કરી હતી. શાહિદ વિરુદ્ધ અગાઉ હાઉસબ્રેકિંગના ચારથી પાંચ કેસ નોંધાયેલા છે, જોકે આ વ્યક્તિની પૂછપરછ એક્ટરના કેસ સાથે જોડાયેલી નથી. અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે એક્ટરના કેસ મામલે જ આ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, જોકે મુંબઈ પોલીસે આ દાવાને ફગાવી દીધો છે અને સ્પષ્ટતા કરી છે કે ધરપકડ થઈ તે એક્ટરના કેસ સાથે જોડાયેલો નથી. એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે શુક્રવારે સવારે બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાના સંબંધમાં એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી હતી. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે હુમલાખોર જેવા દેખાતા ઘણા લોકોની પૂછપરછ કર્યા પછી તેની અટકાયત કરવામાં આવી હતી, જોકે અટકાયત કરાયેલી વ્યક્તિ વાસ્તવિક ગુનેગાર નથી અને હાલ તેને છોડી દેવામાં આવી છે. ભાનમાં આવતા જ સૈફે ડોક્ટરોને પૂછ્યા બે સવાલ
ડોક્ટરોએ કહ્યું હતું કે સૈફની બે સર્જરી કરવામાં આવી હતી. પહેલા કરોડરજ્જુ અને પછી કોસ્મેટિક સર્જરી કરવામાં આવી હતી. તેમની સર્જરી લગભગ 6 કલાક સુધી ચાલી. સર્જરી બાદ ભાનમાં આવતા જ સૈફે ડોક્ટરોને સૌથી પહેલા પૂછ્યું – શું હું શૂટિંગ કરી શકીશ? શું હું જિમમાં જઈ શકીશ? જવાબમાં ડોક્ટરોએ એક્ટરને ખાતરી આપી કે બે અઠવાડિયાં પછી ફરીથી શૂટિંગ શરૂ કરી શકશે અને જિમમાં વર્કઆઉટ કરી શકશે. ત્યાં સુધી તેણે યોગ્ય બેડ રેસ્ટ કરવો પડશે. મહારાષ્ટ્રના ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે કહ્યું- એક્ટર પરના હુમલામાં કોઈ અંડરવર્લ્ડ ગેંગ સામેલ નથી. સૈફે ક્યારેય કોઈને કહ્યું નહીં કે તે જોખમમાં છે અથવા તેને રક્ષણની જરૂર છે. એક્ટર પર થયેલા હુમલા પર શાહિદ કપૂરે આપી પ્રતિક્રિયા સૈફના ઘરે કામ કરતા કારપેન્ટરની 24 કલાકથી પૂછપરછ
પોલીસ સૈફના ઘરે કામ કરતા કારપેન્ટરની પણ લગભગ 24 કલાકથી પૂછપરછ કરી રહી છે. તેમની પત્નીએ મીડિયાને જણાવ્યું કે પોલીસે એ જાહેર કર્યું નથી કે તેમની કયા મામલે પૂછપરછ કરવામાં આવી રહી છે. સૈફના સ્પાઇનની નજીકથી નીકળેલો છરીનો ટુકડો હુમલાખોરની એન્ટ્રી CCTVમાં કેદ
સૈફ કેસમાં નવા CCTV સામે આવ્યા છે. રાત્રે 1.37 વાગ્યાના CCTV ફૂટેજ છે, જેમાં આરોપી સીડીથી ઉપર ચઢતો જોઈ શકાય છે. ચહેરો સ્કાર્ફથી ઢંકાયેલો જોવા મળી રહ્યો છે. સૈફની સુરક્ષામાં કચાશ!
સૈફ અલી ખાન પર હુમલાની તપાસમાં પોલીસ અધિકારીઓને જાણવા મળ્યું કે એક્ટરના ઘરે કોઈ સર્વેલન્સ કેમેરા નહોતા. ઘરમાં યોગ્ય સુરક્ષા પગલાંનો અભાવ પણ જોવા મળ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર, ફ્લેટના એન્ટ્રન્સમાં કે અંદર મુલાકાતીઓ પર નજર રાખવા અથવા કોઈપણ ઈમર્જન્સીનો સામનો કરવા માટે કોઈ પ્રાઈવેટ સિક્યોરિટી તહેનાત નહોતી. બિલ્ડિંગમાં આવતી અને જતી વ્યક્તિઓ પર નજર રાખવા માટે કોઈ સિક્યોરિટી ગાર્ડ પણ નહોતા અને વિઝિટર્સના રજિસ્ટર માટે કોઈ લોગબુક પણ નહોતી. સૈફ અલી ખાનની તબિયત કેવી છે?
લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ સૈફ અલી ખાનની હેલ્થ અપડેટ અંગે માહિતી આપી છે. એક્ટરની હાલતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં, તેને ICUમાંથી સ્પેશિયલ રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. ડોક્ટરે કહ્યું હતું કે સૈફ અલી ખાનને વધુ આરામની જરૂર છે. એટલા માટે કોઈ વિઝિટર્સ મળી શકશે નહીં. બધાં હેલ્થ પેરામીટર્સ યોગ્ય છે. તેની કરોડરજ્જુમાં ઈજા થઈ છે. તેને વધુ 2થી 3 દિવસ ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે, ત્યાર બાદ ડિસ્ચાર્જ અંગે નિર્ણય લેવામાં આવશે. ઝડપી સાજા થવા માટે આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. હજુ એક અઠવાડિયા સુધી ચાલવાની મનાઈ કરાઇ છે. હવે મુંબઈ પોલીસ સૈફ અલી ખાન અને કરીના કપૂરનું નિવેદન નોંધશે. જો સૈફ આજે પોતાનું નિવેદન નોંધવાની સ્થિતિમાં હશે તો આજે જ તેનું નિવેદન નોંધવામાં આવશે. અટકાયત કરેલી વ્યક્તિનો ચહેરો હુમલાખોર સાથે મળી રહ્યો છે
પોલીસે ધરપકડ કરેલી શંકાસ્પદ વ્યક્તિનો ચહેરો એકદમ સીસીટીવી ફૂટેજમાં દેખાતાં શંકાસ્પદ વ્યક્તિ જેવો જ દેખાય છે. શાહરુખના ઘરની પણ કરી હતી રેકી?
‘આજ તક’ના સૂત્ર અનુસાર, સૈફ અલી ખાનના ઘરમાં પ્રવેશતાં પહેલાં ચોરે 14 જાન્યુઆરીએ શાહરુખ ખાનના ઘરની રેકી કરી હતી, પરંતુ ‘ટાઈમ્સ નાઉ નવભારત’ સાથેની વાતચીતમાં પોલીસે આ અહેવાલને નકારી કાઢ્યો છે અને કહ્યું કે-એમાં કોઈ તથ્ય નથી. બાંદ્રા રેલવે સ્ટેશનની આસપાસ જોવા મળ્યો હુમલાખોર
મુંબઈ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હુમલા પછી શંકાસ્પદ વ્યક્તિ બાંદ્રા રેલવે સ્ટેશનની આસપાસ જોવા મળી હતી. પોલીસની ટીમો વસઈ, નાલાસોપારા અને પાલઘર જેવા જિલ્લાના અન્ય વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. મુંબઈ પોલીસે હુમલાખોર આરોપીને પકડવા માટે કુલ 35 ટીમ બનાવી છે, જેમાં મુંબઈ ક્રાઈમ દ્વારા 15 ટીમ અને મુંબઈ સ્થાનિક પોલીસ દ્વારા 20 ટીમ બનાવવામાં આવી છે. બાંદ્રા પોલીસે સંપૂર્ણ માહિતી આપી નથી
મુંબઈ પોલીસ-ક્રાઈમ બ્રાન્ચ વચ્ચે સંકલનના અભાવે તપાસ પ્રભાવિત થઈ રહી છે. 32 કલાક પછી પણ આરોપી ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચનો દાવો છે કે બાંદ્રા પોલીસ સંપૂર્ણ માહિતી આપતી નથી. ક્રાઈમ બ્રાન્ચને લગભગ 5 કલાક પછી મધ્યરાત્રિના હુમલાની જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશન પાસે આ ગુના સંબંધિત સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર છે. આ ઉપરાંત પોલીસ રાત્રે ઓટો ચલાવતા તમામ ઓટોચાલકોની પૂછપરછ કરી રહી છે. મુંબઈ પોલીસને સૈફના ઘરેથી મળી તલવાર
મુંબઈ પોલીસને સૈફ અલી ખાનના ઘરેથી એક જૂની તલવાર પણ મળી આવી છે. પોલીસસૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ તલવાર જૂની અને પૂર્વજોની લાગે છે, જે સૈફ અલી ખાનના પરિવારની હોઈ શકે છે, પરંતુ અત્યારસુધી તેમની પાસે આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. પોલીસ FIRમાં શું કહેવામાં આવ્યું? આરોપીઓને પકડવા માટે 35 ટીમ બનાવી
હુમલાખોરને પકડવા માટે પોલીસ તેના બાતમીદારોના નેટવર્કનો પણ ઉપયોગ કરી રહી છે. તપાસ ટીમ ટેક્નિકલ સપોર્ટની પણ મદદ લઈ રહી છે. હુમલાખોરને પકડવા માટે દરેક ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આરોપીઓ પાસે અગાઉનો કોઈ ગુનાખોરીનો રેકોર્ડ હતો કે કેમ એ જાણવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે પોલીસ બિલ્ડિંગના CCTV ફૂટેજની તપાસ કરી રહી છે, જેમાં ચોર સૈફ પર હુમલો કર્યા બાદ લાકડી અને લાંબી હેક્સા બ્લેડ સાથે ભાગતો જોવા મળે છે. આ ફૂટેજ મોડીરાત 2.33 મિનિટના છે, જેમાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. બિલ્ડિંગના છઠ્ઠા માળે સીડી પરથી ઊતરતી વખતે આરોપી બ્રાઉન કલરના કોલરવાળી ટી-શર્ટ અને લાલ ગમછો પહેરેલો જોવા મળ્યો હતો. સૈફ અલી ખાન એ બિલ્ડિંગના 12મા માળે રહે છે. સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે હુમલાખોરની શોધ શરૂ કરી છે. તપાસ અધિકારીઓનું માનવું છે કે હુમલાખોરે સૈફના ઘરેથી ભાગતાં પહેલાં તેનાં કપડાં બદલ્યા હતાં. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, સૈફના ઘરે 56 વર્ષની સ્ટાફ નર્સ પણ હાજર હતી. તેનું નામ ઇલિયામા ફિલિપ છે. તે ફરિયાદી પણ છે. આ ઘટનામાં તેને બ્લેડથી ઈજા થઈ હતી. પોલીસે નર્સ ફિલિપ, ઘરમાં કામ કરતા સ્ટાફ, બિલ્ડિંગના ગાર્ડ અને અન્ય લોકોનાં નિવેદન નોંધ્યાં છે. કરીનાનું પહેલું રિએક્શન સામે આવ્યું
સૈફ પર થયેલા હુમલા બાદ કરીનાએ ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખીને ચાહકો અને મીડિયાને ધીરજ રાખવાનું કહ્યું હતું. અભિનેત્રીએ પ્રાઇવેસીની માગ કરી હતી. તેણે લખ્યું- અમારા પરિવાર માટે આ ખૂબ જ પડકારજનક દિવસ રહ્યો છે. અમે હજુ પણ વસ્તુઓ પર પ્રોસેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. આશ્ચર્ય થયું કે આ બધું કેવી રીતે થયું. આ મુશ્કેલ સમયમાં હું મીડિયા અને પાપારાઝીઓને વિનંતી કરવા માગું છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે, સાથે જ એવું કોઈ કવરેજ ન કરે, જે યોગ્ય નથી. ‘અમે તમારા બધાની ચિંતાઓને સમજીએ છીએ અને ચિંતા કરીએ છીએ. જે રીતે તમે લોકો સતત અપડેટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, આ બધું જોવું અમારા માટે મોટી વાત છે. તમે લોકો જે રીતે અમારી સુરક્ષાની ચિંતા કરી રહ્યા છો એ અમારા માટે મોટી વાત છે, પરંતુ હું તમને બધાને વિનંતી કરવા માગું છું કે લોકોની સીમાઓનું સન્માન કરો. અમને થોડી જગ્યા આપો, જેથી અમારો પરિવાર આ અકસ્માતમાંથી બહાર આવી શકે. વસ્તુઓ સમજી શકે છે. હું દરેકનો આભાર માનું છું કે તમે આ સંવેદનશીલ સમયમાં અમારી મદદ કરી રહ્યા છો.’ સૈફ પર તીક્ષ્ણ હથિયારથી 6 વાર હુમલો કરાયો હતો
16 જાન્યુઆરીની રાત્રે એક ચોર સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર હુમલો કર્યો હતો. જેહના રૂમમાં ચોરે સૈફને છરી વડે ઘા કર્યા હતા. તેણે નેની પાસેથી 1 કરોડ રૂપિયાની માગણી કરી હતી. નેની અને ચોર વચ્ચે ઝઘડો પણ થયો હતો. જ્યારે સૈફ બંને વચ્ચે આવ્યો ત્યારે ચોરે અભિનેતા પર હુમલો કર્યો. સૈફને તાત્કાલિક લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યાં તેની સર્જરી થઈ. અભિનેતાની કરોડરજ્જુમાંથી છરીનો 2.5 ઇંચનો ટુકડો કાઢી નાખવામાં આવ્યો હતો. હવે તે જોખમની બહાર છે અને ડોક્ટરોની દેખરેખમાં છે. આ મુશ્કેલ સમયમાં ઈન્ડસ્ટ્રીના લોકો અને ફેન્સ સૈફ-કરીનાની સાથે ઊભા છે. આરોપીએ એક કરોડ રૂપિયાની માગ કરી હતી આરોપી વિશે નોંધાયેલા નિવેદન મુજબ, સૈફ અલી ખાનના ઘરની મેઇડે કહ્યું હતું કે તેણે અચાનક બાથરૂમ પાસે એક પડછાયો જોયો અને તેને લાગ્યું કે કરીના તેના નાના દીકરાને મળવા આવી હશે, પરંતુ બાદમાં તેને શંકા ગઈ, એટલે ત્યાં જોવા ગઈ તો અચાનક 35થી 40 વર્ષની ઉંમરની એક અજાણી વ્યક્તિએ તેને તીક્ષ્ણ હથિયાર બતાવ્યું અને ચૂપ રહેવા કહ્યું. એ દરમિયાન બીજી મેઇડ પણ આવી ગઈ. આરોપીને પૂછવામાં આવ્યું કે તે શું ઇચ્છે છે, તો તેણે જવાબ આપ્યો કે તેને એક કરોડ રૂપિયા જોઈએ છે. આ દરમિયાન સૈફ અલી ખાન પણ ત્યાં પહોંચી ગયો અને બાદમાં એક્ટરની આરોપી અને સૈફ વચ્ચે ઝપાઝપી થઈ, જેમાં સૈફને છ જગ્યાએ છરી મારવામાં આવી. એક તીક્ષ્ણ હથિયાર તૂટી ગયું અને સૈફના શરીરમાં ફસાઈ ગયું. આ દરમિયાન તેણે આરોપીને બીજા રૂમમાં બંધ કરી દીધો, પરંતુ સૈફ ગંભીર રીતે ઘાયલ થયો હતો એટલે મેઇડ અને પરિવારના અન્ય સ્ટાફે ઇબ્રાહિમને ફોન કર્યો. ઇબ્રાહિમ અને સારા અલી ખાન પણ આઠમા માળે રહે છે. તેઓ ઉપરના માળે આવ્યાં અને સૈફ અલી ખાનને ઓટોમાં હોસ્પિટલ લઈ ગયા. એ સમયે પરિવારમાં કોઈ ડ્રાઈવર નહોતો અને કોઈને ઓટોમેટિક ઇલેક્ટ્રિક વાહન ચલાવતા આવડતું નહોતું, તેથી રિક્ષામાં તેઓ સૈફને લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયાં. સૈફ પર હુમલાનો સમગ્ર ઘટનાક્રમ: આરોપી ઘરમાં કેવી રીતે ઘૂસ્યો? હુમલા પાછળ જાણભેદુનો જ હાથ મુંબઈ પોલીસ અધિકારીએ એમ પણ જણાવ્યું હતું કે સૈફ અલી ખાન હવે ખતરાની બહાર છે. પોલીસે FIRમાં મેઇડને ફરિયાદી બનાવી છે, તેની ફરિયાદના આધારે બાંદ્રા પોલીસે BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ) અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં અતિક્રમણનો પણ સમાવેશ થાય છે. સંપૂર્ણ સમાચાર વાંચો… આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ