back to top
HomeભારતEDITOR'S VIEW: સૈફ પર હુમલો અને સાત સવાલ:બોલિવુડ સ્ટાર્સ ભયના ઓથારમાં; સલમાન,...

EDITOR’S VIEW: સૈફ પર હુમલો અને સાત સવાલ:બોલિવુડ સ્ટાર્સ ભયના ઓથારમાં; સલમાન, શાહરૂખ ને હવે સૈફ, શું મુંબઈ ‘સેફ’ છે?

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ થયું ત્યારે બોલિવુડમાં ભયનું લખલખું આવી ગયું હતું. પછી શાહરૂખ ખાનને ફોનથી ધમકી મળી ત્યારે પણ ફિલ્મ સ્ટાર્સના કપાળે ચિંતાની કરચલીઓ પડી હતી. હવે સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયા પછી ફિલ્મ સ્ટાર્સ રીતસર ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. નમસ્કાર, સૈફ અલી ખાનની ઘટનાએ વધારે ચર્ચા એટલા માટે જગાડી કે, એક તો બિનવિવાદિત એક્ટર રહ્યો છે. બીજું, આવડા મોટા સ્ટારના ઘરમાં ઘૂસીને કોઈ ચાકુ મારી જાય, એ વાત જ શોકિંગ છે. ત્રીજું, સૈફ અલી ખાન પટૌડી પરિવારનો નવાબી વારસો ધરાવે છે. 1200 કરોડથી વધારે પ્રોપર્ટીનો માલિક છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં અત્યારે મુંબઈ પોલીસ ઘણું બધું છુપાવી રહી છે. લોકોને એ જાણવામાં રસ છે કે સૈફને છરીના ઘા મારનાર પકડાયો કે નહીં? એ છે કોણ? પહેલાં વાંચો આખો ઘટનાક્રમ
મુંબઈના બાંદરા વેસ્ટના સત્તગુરૂ શરણ નામના ફ્લેટમાં 11 અને 12મા માળે સૈફ અલી ખાનના ફ્લેટ છે. સૈફ અલી ખાન પત્ની કરિના કપૂર અને બે પુત્રો તૈમુર અને જહાંગીર સાથે 11મા માળે રહે છે. બંને દીકરા 8 વર્ષના તૈમુર અને 3 વર્ષના જહાંગીરની દેખરેખ માટે બે આયા રાખવામાં આવી છે. જુનુ નામની આયા તૈમુરની દેખરેખ રાખે છે અને ઈલિયામા ફિલીપ જહાંગીરની સંભાળ રાખે છે. 15 જાન્યુઆરીની રાતનો સમય હતો. રૂટિન મુજબ બંને આયાએ 11 વાગ્યે તૈમુર અને જહાંગીરને પોતપોતાના રૂમમાં સુવડાવી દીધા. પછી બંને આયા જહાંગીરના રૂમમાં સૂઈ ગઈ. જુનુ અને ઈલિયાના ફિલીપ બંને આયા જહાંગીરના રૂમમાં સુવે છે.
રાતે બે વાગ્યા હશે ત્યાં જહાંગીરના બાથરૂમમાં લાઈટ થઈ. પહેલાં તો લાગ્યું કે કરીના બાળકોને જોવા આવી હશે પણ એક પડછાયો દેખાયો. કેપ પહેરેલો કોઈ પુરુષ હતો. એ નર્સ જાગી ગઈ. જોયું તો એ અજાણ્યો વ્યક્તિ બાથરૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો. તેના એક હાથમાં ડંડો હતો અને બીજા હાથમાં આરીની બ્લેડ જેવી ધારદાર વસ્તુ હતી. તેણે બહાર આવીને કહ્યું, અવાજ કરતા નહીં, શાંત રહેજો. નર્સ ઈલિયામાએ પૂછ્યું કે તારે શું જોઈએ છે? તેણે કહ્યું કે પૈસા જોઈએ છે. એક કરોડ રૂપિયા… ઈલિયામા ફિલીપ ઊભી થઈને બૂમ પાડવા ગઈ તો વ્યક્તિએ તેના પર હુમલો કરી દીધો અને હાથમાં ઈજા થઈ. તેણે પોતાના રૂમમાંથી એલાર્મ વગાડ્યો ને રૂમની બહાર આવીને બૂમ પાડવા લાગી તો પોતાના રૂમમાંથી બહાર સૈફ અને કરીના પણ આવ્યા. સૈફ પેલા ચોરને પકડવા લાગ્યો ને બંને વચ્ચે ઝપાઝપી થઈ. પેલી અજાણી વ્યક્તિએ ઝપાઝપીમાં સૈફ અલી ખાનને ચાકુના છ ઘા મારી દીધા. બંને આયા અને કરીનાએ ધક્કા મારીને ચોરને રૂમમાં પૂરી દીધો. ઉપરના બારમા માળેથી બીજા નોકરો અવાજ સાંભળીને નીચે 11મા માળે આવ્યા ત્યાં પેલો અજાણ્યો હુમલાખોર રુમનો દરવાજો ખોલીને ભાગી ગયો હતો. રાત્રે ઓટોરિક્ષામાં સૈફને લીલાવતી હોસ્પિટલ લઈ જવાયો
રાત્રે બેથી અઢી વાગ્યા વચ્ચે આ ઘટના બન્યા પછી આ વાતની જાણ થતાં નજીકમાં રહેતો સૈફનો મોટો પુત્ર ઈબ્રાહિમ (અમૃતાસિંહનો દીકરો) તેના ઘરે પહોંચ્યો અને ઈબ્રાહિમ અને કરિના સૈફને હોસ્પિટલે લઈ ગયા. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ, એ વખતે ઘરમાં ડ્રાઈવર નહોતો અને પરિવારમાંથી કોઈને ગાડી ચલાવતાં નહોતું આવડતું અથવા તો કોઈ ગાડી ચલાવી શકે તેવી સ્થિતિમાં નહોતા એટલે સૈફને ઓટો રિક્ષામાં હોસ્પિટલે લઈ જવાયો. સવારે પાંચ વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલીખાનની સારવાર ચાલુ કરી દેવાઈ. પછી પહેલી માહિતી સામે આવી કે સૈફને છ જગ્યાએ ચાકુના ઘા વાગ્યા છે. તેમાંથી ગરદન પાસે અને પીઠમાં કરોડરજ્જુ પાસે બે ઘા ઊંડા હતા. થોડા સમય પછી લીલાવતી હોસ્પિટલના સીઓઓ ડો. નીરજ ઉત્તમે સ્ટેટમેન્ટ આપ્યું. તેમણે કહ્યું કે, સૈફ જોખમથી બહાર છે પણ ઘા રુઝાતાં વાર લાગશે. તેમની સ્પાઈન પાસે બેથી પાંચ ઈંચ ઊંડો ચાકુનો ઘા છે. ત્યાં સર્જરી કરવામાં આવી છે અને સ્પાઈન ફ્લૂઈડ પણ રિકવર કરવામાં આવી રહ્યું છે. સૈફ અલી ખાનના પાઈપ લાઈનમાં રહેલા પ્રોજેક્ટ પર સવાલ
આ ઘટના પછી સૈફ અલી ખાનના પ્રોજેક્ટની ચર્ચા થવા લાગી જે અત્યારે પાઈપલાઈનમાં છે. તેમાં ખાસ નામ છે- ગોગુ ઔર ગોન્ટુ, રેસ-4, શૂટ આઉટ એટ ભાયખલ્લા, પ્રિયદર્શનના ડાયરેક્શનમાં એક ફિલ્મ અને એક ફિલ્મ દીકરી સારા અલી ખાન સાથે છે તેનું કામ ચાલી રહ્યું છે. સૈફ અલી ખાન સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં દેખાય છે અને ત્યાં પણ કેટલાક પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેમ કે, દેવરા પાર્ટ-2, સ્પીરીટ અને ક્લિક શંકર. કરોડો રૂપિયાની આ ફિલ્મોનું કામ સૈફ અલી ખાન વગર થોડા સમય ચાલશે નહીં. કારણ કે, એક દિવસ ICUમાં રહ્યા બાદ સૈફ અલી ખાન સ્પેશિયલ રૂમમાં આવી ગયો છે. તેને રૂમમાં જ ચારેક દિવસ રાખીને સારવાર અપાશે. કારણ કે, સ્પાઈન પાસેનો ઘા બહુ રિસ્કી હતો. તેમાંથી બે ઈંચ જેટલો ચાકુનો ટુકડો નીકળ્યો છે. નસીબ એટલા સારા કે ચાકુનો ટુકડો સ્પાઈનમાં ઘૂસ્યો નહીં. માત્ર બે મિલિમીટર જ દૂર હતો. સૈફ જ્યારે સ્વસ્થ થશે, પછી પ્રોજેક્ટ આગળ વધી શકશે. ઘટનાની તપાસ દયા નાયકને સોંપવામાં આવી
આ કેસની તપાસ મુંબઈની ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને ટીમને લીડ કરે છે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયક. 16 તારીખે તે સૈફ અને કરીનાના ઘરે પહોંચ્યા. ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું. આસપાસના લોકો સાથે વાત કરી. બીજી તરફ પોલીસે ડમ્પ ડેટાના આધારે આરોપીની ઓળખ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા. ડમ્પ ડેટા એટલે જે જગ્યાએ સૈફ પર હુમલો થયો તે રૂમમાં અને આસપાસના ઘેરાવામાં કેટલા મોબાઈલ એક્ટિવ હતા અને હાલમાં તે ક્યા લોકેશનમાં દેખાઈ રહ્યા છે. આના આધારે પોલીસે એક શંકમંદની ધરપકડ કરી છે જેનો ચહેરો સૈફના બિલ્ડીંગમાં દેખાઈ રહેલા વ્યક્તિ જેવો છે. ક્રાઈમ બ્રાન્ચ અને મુંબઈ પોલીસે 35 ટીમ બનાવીને અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. કઈ કલમ હેઠળ ગુનો દાખલ થયો? શંકાસ્પદ વ્યક્તિને પોલીસે દબોચી લીધો પણ એ બીજું કોઈ નીકળ્યું
મુંબઈ ડીસીપીનું કહેવું છે કે જે વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે તેના પર ઘરફોડીનો આરોપ છે. અગાઉ પણ તેની સામે ઘરફોડીના કેસ નોંધાયેલા છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. સૈફ પરના હુમલા પછી મુંબઈ પોલીસ શંકાસ્પદની ધરપકડ કરવા દોડાદોડી કરી રહી છે. સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની ઓળખ થઈ હતી. હુમલા પછી આરોપી બાંદરા સ્ટેશન પર જોવા મળ્યો હતો. આ હાઈપ્રોફાઈલ કેસ છે. 1200 કરોડ કરતાં વધારેની પ્રોપર્ટી ધરાવતા સૈફ અલી ખાનના ઘરે કોઈ છાનામાના ઘૂસી શકે એ બાબત જ ઘણા સવાલો ઊભા કરે છે. પોલીસે બાંદરા સ્ટેશન પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરવામાં આવી. મુંબઈ પોલીસે જાહેર કર્યું કે, શંકાસ્પદને પકડ્યો હતો તે કોઈ બીજું છે. મૂળ હુમલાખોર તો હજી ફરાર છે. સૈફ પરના હુમલા પછી કેટલાક સવાલો ઊભા થાય છે. સૈફ પર હુમલા પહેલાં તે શાહરૂખના ઘરે ગયો હતો?
14 જાન્યુઆરીના રોજ એક અજાણ્યા વ્યક્તિએ શાહરૂખ ખાનના ઘરની રેકી કરી. રીટ્રીટ હાઉસના પાછળના ભાગમાં 6 થી 8 ફૂટ લાંબી લોખંડની સીડી મૂકીને શાહરૂખ ખાનના ઘર મન્નતની અંદર જોવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. પોલીસને શંકા છે કે શાહરૂખ ખાનના ઘરે રેકી કરનાર વ્યક્તિ એ જ વ્યક્તિ છે જેણે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો. પોલીસે શાહરૂખ ખાનના ઘરની નજીક લગાવેલા સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે. આ ફૂટેજમાં દેખાતી વ્યક્તિની ઊંચાઈ અને શરીરનો બાંધો સીસીટીવી ફૂટેજમાં દેખાતી વ્યક્તિ સાથે મેળ ખાય છે, જે પોલીસે સૈફ અલી ખાનના મકાનની સીડી પરથી મેળવ્યો હતો. 2023માં બે અજાણ્યા લોકો શાહરૂખના ઘરમાં ઘૂસી ગયા હતા
2 માર્ચ, 2023 ના રોજ બે યુવાનો દીવાલ કૂદીને શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ ના ત્રીજા માળે પહોંચી ગયા હતા. જોકે, સુરક્ષા ગાર્ડ્સે તેમને પકડી લીધા અને પોલીસને સોંપી દીધા. બંનેની ઉંમર 21 થી 25 વર્ષની હોવાનું જણાવાયું હતું. બંને ગુજરાતના રહેવાસી હતા. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે કહ્યું કે તે શાહરૂખને મળવા માંગતા હતા. આ ઘટના સમયે શાહરૂખ ખાન ઘરે નહોતો. મુંબઈનું બોલિવુડ બન્યું ‘ટેન્શન વુડ’
છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ સ્ટાર્સ ધમકીભર્યા માહોલમાં જીવી રહ્યા છે. કારણ ભલે અલગ અલગ હોય. મુંબઈમાં જ આવી ઘટનાઓ સતત બની રહી છે. કેટલીક ઘટનાઓ પર નજર કરીએ તો,
14 એપ્રિલ, 2024
સલમાન ખાનના ઘર ‘ગેલેક્સી એપાર્ટમેન્ટ’ પર વહેલી સવારે પાંચ વાગ્યે ફાયરિંગ કરવામાં આવ્યું. બે બાઈક સવારોએ ફાયરિંગ કર્યું. બંને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા હતા. આ ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી. વિક્કી ગુપ્તા અને સાગર પાલ એમ બંનેને ગુજરાતથી દબોચી લીધા. ત્રીજા આરોપી અનુજ થાપનને પંજાબથી ઝડપી લીધો હતો. પછીથી અનુજ થાપનનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.
2 સપ્ટેમ્બર 2024
પંજાબી સિંગર અને રેપર એ.પી.ઢિલ્લોનના કેનેડા સ્થિત ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું. સિંગર ઢિલ્લોને સલમાન ખાન સાથે મ્યુઝીક આલ્બમ કર્યું તેના થોડા દિવસોમાં જ આ ફાયરિંગ થયું.
12 ઓક્ટોબર, 2024
મુંબઈના ખાર વિસ્તારમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને નેતા બાબા સિદ્દીકીની હત્યા. ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ભાઈ અમનોલ બિશ્નોઈ સહિત 26 આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ. ચાર્જશીટમાં એવો ઉલ્લેખ છે કે બાબા સિદ્દીકી સલમાન ખાનની નજીક હતા એટલે તેની હત્યા થઈ.
5 નવેમ્બર, 2024
શાહરૂખ ખાનને ફોન પર મારી નાખવાની ધમકી મળી હતી. ફોન કરનારે 50 લાખ રૂપિયાની ડિમાન્ડ કરી હતી. તરત મુંબઈ પોલીસે શાહરૂખ ખાનના બંગલા ‘મન્નત’ની સુરક્ષા વધારી દીધી. સૈફ પરના હુમલા પછી રાજનીતિ શરૂ થઈ
સલમાનના ઘર પર ફાયરિંગ, શાહરૂખ ખાનને ધમકી, સૈફ અલી ખાન પર હુમલો… આ ઘટનાઓ પછી બોલિવુડ ભયમાં છે. આ મામલે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. શિવસેના અને કોંગ્રેસ ભાજપની સરકાર પર માછલાં ધોવે છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, સૈફ અલી ખાન પર હુમલાની ઘટના શોકિંગ છે પણ સરપ્રાઈઝીંગ નથી. એ એટલા માટે કે, સેલિબ્રિટીસ પર સતત હુમલા થઈ રહ્યા છે. મુંબઈની લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા સારામાં સારી મનાય છે પણ હવે આ માન્યતા તૂટી રહી છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના બીજા સાંસદ સંજય રાઉતે કહ્યું કે, આ લોકો વાતો કરે છે કે, બટેંગે તો કટેંગે… એક હૈં તો સેફ હૈં… આ રાજ્યમાં હવે કોઈ સેફ નથી. મુંબઈની 99 ટકા પોલીસ ફોર્સ વડાપ્રધાનની સેવામાં હતી અને લોકો મરી રહ્યા છે. આ મામલે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, એક ઘટનાના કારણે આખી સિસ્ટમને દોષ ન આપી શકાય. મુંબઈ તો સેફ જ છે. છેલ્લે,
હરિયાણાના ગુરૂગ્રામ પાસે પટૌડી નામનું ગામ છે. ત્યાં વર્ષોથી નવાબપ્રથા ચાલી આવતી હતી. સૈફ અલી ખાનના પિતા ક્રિકેટર મન્સુર અલી ખાન પટૌડી પણ નવાબ હતા. સૈફના નસીબ બે ડગલાં પાછળ કે, 1970માં સૈફનો જન્મ થયો ને 1971માં પટૌડી પરિવારે નવાબ પ્રથા બંધ કરી અને નવાબ ટાઈટલનો ઉપયોગ કરવાની મનાઈ થઈ ગઈ.
(રિસર્ચ : યશપાલ બક્ષી )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments