સાબરમતીમાંથી પોલીસે ટ્રાવેલ્સ બસમાંથી 768 બોટલ દારૂ ઝડપ્યો છે.દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે.પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સામાજીક પ્રસંગ માટે દૂધની વાનગીઓ હોવાનું કહીને દારૂ ભરેલા પાર્સલ બસમાં મૂકાવ્યા હતા.હાલ આરોપીની ધરપકડ કરીને પોલીસે 768 બોટલ વિદેશી દારૂનો જથ્થો કબ્જે લઇને દારૂનો જથ્થો મોકલનાર અને લેનારની શોધખોળ હાથ ધરી છે. બે બોક્સ ભરીને 768 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો
ઝોન-2 ડીસીપીના એલસીબી સ્ક્વોડના પીએસઆઇ કે. ડી. પટેલની ટીમે બાતમી આધારે એક આરોપીને 768 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસની બાતમી મળી હતી કે, રાજસ્થાનથી આવી રહેલી એમ આર ટ્રાવેલ્સની બસમાં એક શખ્સ દારૂના પાર્સલ લઇને આવવાનો છે. જેથી પોલીસે સાબરમતી વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાનમાં પોલીસે બસને રોકીને તપાસ કરી હતી. પોલીસે બસમાં પાર્સલ ભરવાના ખાનામાં ચેકિંગ કરતા તેમાંથી પાંચ પાર્સલ તથા મોટા બે બોક્સ ભરીને 768 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે પાર્સલ બાબતે પોલીસે ડ્રાઇવર અને ક્લીનરની પૂછપરછ કરી હતી. બાદમાં બસમાં પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા બુટલેગર રાજુરામ બિશ્નોઇને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે અમદાવાદ ખાતે સામાજીક પ્રસંગ માટે દૂધની વાનગીઓના પાર્સલ હોવાનું કહીને બસમાં દારૂનો જથ્થો ઊરાવ્યો હોવાની કબૂલાત કરી છે. આ મામલે સાબરમતી પોલીસે ગુનો નોંધી દારૂ મોકલનાર અને લેનારની શોધખોળ હાથ ધરી છે.