ઉના પોલીસે અંજાર રોડ પર આવેલી એક વાડીમાંથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક યુવકની ધરપકડ કરી છે. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા અને ગીર-સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી કાર્યવાહીમાં પોલીસે ખાણ ગામના હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા 24 વર્ષીય નિમિતભાઈ ઉર્ફે એન્ટી તુલસીભાઈ મેરની ધરપકડ કરી છે. આ બુટલેગરોને ઝડપી પાડતા જાણવા મળ્યું હતું કે તે રસિકભાઈ જીણાભાઈ બાંભણીયાના કહેવાથી તેમની વાડીમાં ભાગીદારીમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હતો. ઉના પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાનો આથો, ભઠ્ઠીના સાધનો, મોટરસાઈકલ અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 47હજાર ,240નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી રસિકભાઈ બાંભણીયા હજુ ફરાર છે. ઉના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એમ.એન. રાણાના નેતૃત્વમાં સર્વેલન્સ સ્કોડની ટીમે આ કાર્યવાહી કરી છે. બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.