ગીર સોમનાથ જિલ્લામાં દીપડાઓનો આતંક વધતો જાય છે. તાલાલાના રાયડી ગામમાં આજે વધુ એક ખેડૂત દીપડાનો શિકાર બન્યો છે. મેઘજીભાઈ બાબરીયા (ઉ.વ.47) નામના ખેડૂત પર ઘઉંના ઊભા પાકમાં છુપાયેલા દીપડાએ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાગ્રસ્ત ખેડૂતને તાલાલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં આ પાંચમી ઘટના છે. આ અગાઉ ગીર ગઢડાના ફરેડા ગામમાં એક વૃદ્ધા, સુત્રાપાડાના સોળાજ ગામમાં એક બાળક અને વિઠલપુરમાં બે યુવકો પર દીપડાએ હુમલા કર્યા હતા. વિઠલપુર ગામમાં બે દિવસમાં જ બે અલગ-અલગ હુમલાની ઘટનાઓ બની હતી. ઈજાગ્રસ્ત મેઘજીભાઈના ભત્રીજા મનસુખભાઈએ જણાવ્યું કે, વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે. ખેડૂતો ખેતરમાં કામ કરવા જતાં ડરી રહ્યા છે. વન વિભાગે હિંસક દીપડાને પકડવા માટે પાંચ પાંજરા ગોઠવ્યા છે, પરંતુ ચાર દિવસ વીતવા છતાં દીપડો પકડાયો નથી. વન વિભાગે વધારાનો સ્ટાફ તૈનાત કર્યો છે અને રાત-દિવસ આ હિંસક દીપડાને પકડવાની કામગીરી ચાલી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશતને કારણે ભયનો માહોલ છવાયો છે.