સુરતના મોટા વરાછા વિસ્તારમાં દુખિયાના દરબાર પાસે આવેલા વૈભવ રેસિડેન્સી નજીકના ગોડાઉનમાં આગ બાદ ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું. ગોડાઉનમાં કેમિકલ હોવાના કારણે આગ એટલી હદે વિકરાળ બની હતી કે બે કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાયા હતા. ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગનો વીડિયો ઉતારનારી વ્યક્તિ પણ હચમચી ગઈ હતી. ઘટનાને પગલે લોકોમાં અફરાતફરી જોવા મળી હતી. પતરાંનો શેડ હોવાથી ગણતરીની મિનિટોમાં આખેઆખું ગોડાઉન આગની લપેટમાં આવી ગયું હતું. ફાયરબ્રિગેડને જાણ કરાતાં ત્રણ ફાયર સ્ટેશનની ગાડી સ્થળે દોડી ગઈ હતી. ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ
મોટા વરાછાના વૈભવ રેસિડેન્સી પાસે ગોડાઉનમાં સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. ગ્રાઉન્ડ પર જ પતરાંના શેડ નાખીને આ ગોડાઉન ચલાવવામાં આવતું હતું, જેમાં લોખંડની તિજોરી બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું હતું. આજે (18 જાન્યુઆરી) સવારના સમયે એકાએક જ બ્લાસ્ટ થતાં આસપાસના રહીશો ગભરાઈ ગયા હતા. ગેસ-સિલિન્ડર બ્લાસ્ટ ખૂબ જ પ્રચંડ હોવાને કારણે આજુબાજુના કાચ પણ તૂટી ગયા હતા. બ્લાસ્ટના અવાજથી ભલભલા ધ્રૂજી ગયા ઊઠ્યા હતાં. થોડી ક્ષણો માટે તો આસપાસના રહીશો પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથીઃ ફાયર અધિકારી
આ અંગે ફાયર અધિકારી ધીરુભાઈ ચૌહાણએ જણાવ્યું હતું કે કોલ મળતાંની સાથે જ અમે ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા હતા. લોખંડની તિજોરી બનાવવાનું કામ ગોડાઉનમાં કરવામાં આવી રહ્યું હતું, જ્યાં મોટા પ્રમાણમાં ફિનાઇલ કલર જેવા કેમિકલ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. ગેસ-સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. અમે પહોંચ્યા એ પહેલાં બ્લાસ્ટ થઈ ગયો હતો. ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓની મદદથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. તપાસ બાદ તારણ સામે આવશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ઘટના જ્યારે બની હતી ત્યારે કોઈપણ વ્યક્તિ અંદર હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું, જોકે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. પ્રથમ દૃષ્ટિએ એવું જણાય છે કે ગોડાઉનમાં કામ કરતા મજૂરો માટે ખાવાનું બનાવવા ગેસનો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે. જોકે આખી તપાસ બાદ જ માલૂમ પડશે કે આગ કેવી રીતે લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયો.