શહેરના કેશવનગર વિસ્તારમાં ખાડીયાની ચાલી ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાલી કરવામાં આવેલા પ્લોટમાં પાકું દબાણ અને નાના-મોટા ઝૂંપડા દૂર કરવા ગયેલી પશ્ચિમ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ અને પોલીસ સાથે સ્થાનિક લોકોએ ઝપાઝપી અને ઘર્ષણ કર્યું હતું. સ્થાનિકોએ PSIનો કોલર પકડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સ્થાનિક મહિલાઓએ પોતે જ્વલનશીલ પદાર્થ છાંટીને આત્મહત્યા કરીશું ધમકી આપી અને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે કોઈપણ આવો બનાવ ન બને તેના માટે બળ વાપરીને તેઓને પકડી લીધા હતા. આ મામલે એસ્ટેટ વિભાગના અધિકારીએ રાણીપ પોલીસ સ્ટેશનમાં પાંચથી વધુ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. મકાનો તોડી અને પ્લોટ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો
મળતી માહિતી મુજબ શહેરના કેશવનગર વિસ્તારમાં ખાડિયાની ચાલી ખાતે આવેલા ટીપી રોડ ખોલવાનો અમલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 6 મહિના અગાઉ કરવામાં આવ્યો હતો. ટીપી રોડમાં આવતી ખાડિયાની ચાલીના અનેક મકાનો તોડવાની કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન પોલીસ અને એસ્ટેટ વિભાગ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ મકાનો તોડી અને પ્લોટ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. જોકે કેટલાક લોકો ફરી પાછા આવી ગયા હતા અને નાના મોટા ઝુપડા બનાવીને રહેતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેઓને અન્ય જગ્યાએ મકાન પણ આપવામાં આવ્યા હતા છતાં પણ અહીંયા રહેતા હતા. મહિલાઓએ જ્વલનશીલ પ્રવાહી છાંટી આપઘાતનો પ્રયાસ કર્યો
ખાડીયાની ચાલી ખાતે ફરી દબાણો થઈ ગયા હતા અને ત્યાં રોડ બનાવવાની કામગીરી આગામી દિવસોમાં શરૂ કરવાની હોવાથી પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ રાણીપ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે નાના-મોટા દબાણો દૂર કરવા ગઈ હતી. દરમિયાનમાં એક પાકું મકાન ત્યાં બનાવી દેવામાં આવ્યું હતું. જેને ખાલી કરાવીને તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. ત્યારે મકાનની મહિલાઓ આવી ગઈ હતી અને પાછળના ભાગે જઈને કોઈ જ્વલનશીલ પદાર્થ લઈને પોતાના દુપટ્ટા પર છાંટી અને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. મહિલા PSI કે.જી.જલવાણી અને અન્ય પોલીસે તેઓને બળ વાપરીને પકડી લીધા હતા. PSIનો કોલર પકડી ઝપાઝપી કરી
અન્ય મહિલાઓ અને પુરુષ પણ ત્યાં આવી ગયા હતા અને પોલીસની સાથે ઝપાઝપી કરી હતી. મહિલાઓ PSIની સાથે ગાળાગાળી અને બોલાચાલી કરતા હતા. દરમિયાનમાં વૈશાલી ઠાકોરના પતિ કિરણ ઠાકોરે PSIનો કોલર પકડી લીધો હતો અને ઝપાઝપી કરી હતી. ત્યારબાદ ત્યાં અન્ય મહિલાઓ અને પુરુષનું ટોળું પણ આવી ગયું હતું. બોલાચાલી કરી અને ઝઘડો કર્યો હતો તેમજ પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસની સાથે ઘર્ષણની ઘટના બની હતી તેથી પોલીસે બળ વાપરી તેઓને દૂર કર્યા હતા. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. મામલે એસ્ટેટ વિભાગના અધિકારી કેતન પ્રજાપતિએ કિરણ ઠાકોર, આશિષ ઠાકોર, કાંતીજી ઠાકોર, કમુબેન ઠાકોર, વૈશાલી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી
શનિવારે સવારે પણ જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઇજનેર વિભાગની ટીમ આ પ્લોટમાં રોડ બનાવવા માટે પહોંચી હતી. ત્યારે સ્થાનિક લોકો ભેગા થઈ ગયા હતા અને કેટલાક લોકોએ ત્યાં પથ્થરમારો પણ કર્યો હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી. સ્થાનિક લોકો દ્વારા કામગીરી ન કરવા દેવામાં આવતી હોવાથી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હવે કોર્પોરેશન દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે પણ લોકોના ટોળાએ પણ રાણીપ પોલીસ સ્ટેશન પહોંચી અને ઉગ્ર રજૂઆત કરી હતી.