અમદાવાદના ધારાસભ્યો-સાંસદ સભ્યો અને મ્યુનિસિપલ કમિશનર વચ્ચે આજે શનિવારે મળેલી સંકલન સમિતિની બેઠકમાં એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહને જમાલપુરના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ તમે રાજીનામું આપતા નહીં. તમે સારા વ્યક્તિ છો અને નિર્દોષ મને બોલી જાવ છો પરંતુ, હું તમને માફ કરી દઉં છું એમ કહી અને હળવી મજાકમાં સંભળાવી દીધું હતું. ગત મહિને મળેલી સંકલન સમિતિમાં અમિત શાહે જમાલપુર કાચની મસ્જિદ પાસે આવેલી કોર્પોરેશનની સ્કૂલની માલિકીની જગ્યામાં દુકાનો બની ગઈ હોવા મુદ્દે અધિકારીને કાઢી મૂકવાની વાત કરી અને જો ત્યાં કોર્પોરેશનની સ્કૂલની જગ્યા શોપિંગ સેન્ટર બની ગયા હોય તો હું રાજીનામું આપી દઈશ એવી વાત કરી હતી, જેને આજે કોંગ્રેસના ધારાસભ્યએ યાદ અપાવી હતી. તમે રાજીનામું આપતા નહીં, સારા વ્યક્તિ છો
જમાલપુર વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે, સંકલન સમિતિમાં જમાલપુર વિસ્તારમાં આવેલી કાચની મસ્જિદ પાસેની જગ્યા મામલે માંગેલા જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાત રાજ્ય મુસ્લિમ વકફ બોર્ડની કાચની મસ્જિદ ટ્રસ્ટની જગ્યા છે. ગત સંકલન સમિતિમાં અમિત શાહે કહ્યું હતું કે આ જગ્યા કોર્પોરેશનની માલિકીની જગ્યા છે અને જો ત્યાં દુકાનો બની ગઇ હોય તો હું રાજીનામું આપી દઈશ જો કે આજે સંકલન સમિતિમાં મેં તેઓને યાદ અપાવ્યું હતું કે તમે કહ્યું હતું કે કોર્પોરેશનની જગ્યામાં દુકાનો બની જાય તો હું રાજીનામું આપી દઈશ પરંતુ, તમે રાજીનામું આપતા નહીં. તમે સારા વ્યક્તિ છો અને નિર્દોષ મનથી વાત કરતા હોય છે પરંતુ, તેઓ ભૂલી ગયા છે કે ફરી અમને યાદ અપાવ્યું હતું કે, તમે રાજીનામું આપવાના હોય તો આપતા નહીં હું તમને માફ કરી દઉં છું. જગ્યા કોર્પોરેશનની નહોતી, તે ભાડુઆત તરીકે હતા
જમાલપુર કાચની મસ્જિદ ટ્રસ્ટની જગ્યામાં જે બાંધકામ કરવામાં આવ્યું તેના કોઈ પ્લાન પાસ કરવામાં આવ્યા નહોતા અને ગુજરાત હાઇકોર્ટની સૂચનાથી આજે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા જે ગેરકાયદેસર દુકાનો બનાવવામાં આવી હતી તેને તોડી પાડવામાં આવી છે અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા જે સૂચના આપવામાં આવી છે જેનો અમલ કર્યો છે, તેને માન્ય રાખવામાં આવ્યો છે. જગ્યા કોર્પોરેશનની માલિકીની નહીં પરંતુ, ભાડુઆત તરીકે હતા અને મુસ્લિમ વકફ બોર્ડની જગ્યા હોવાનું સાબિત થઈ ગયું હતું. જોકે, અમિત શાહે તેમના બચાવમાં તેમની વાત પકડી જ રાખી હતી. કોર્પોરેશનની સ્કૂલમાં ઘૂસી ગયા અને બાંધકામ કરી દીધું હતું જો કે હાઇકોર્ટની સૂચના બાદ બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું. કોર્પોરેશનની માલિકીના પ્લોટની જવાબદારી એસ્ટેટ અધિકારીની છે
ભાજપના એલિસબ્રિજના ધારાસભ્ય અને શહેર પ્રમુખ અમિત શાહે આજે સંકલન સમિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો અને દબાણોને લઈને પ્રશ્નો ઊભા કર્યા હતા. ભૂતકાળમાં પૂર્વ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલા સર્ક્યુલર અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરતા કહ્યું હતું કે, કોર્પોરેશનના કરેલા સર્ક્યુલરમાં સ્પષ્ટ લખ્યું છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના જેટલાં પ્લોટ આવેલા છે તેની જવાબદારી એસ્ટેટ અધિકારીની છે. દર અઠવાડિયે આ પ્લોટની મુલાકાત લઇ અને તેનું રજીસ્ટર રાખવાને જો ગેરકાયદેસર દબાણો થયા હોય અથવા બાંધકામ હોય તો એની નોંધ કરી અને પોલીસ બંદોબસ્ત મેળવી તોડી પાડવું. મ્યુ. કમિશનરને સર્ક્યુલરની કોપી આપી અમલ કરાવવા જણાવ્યું
ગુજરાત હાઇકોર્ટની માર્ગદર્શન અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવેલા સરક્યુલરમાં સ્પષ્ટ લખ્યું છે ત્યારે આજે સંકલન સમિતિમાં એસ્ટેટ વિભાગના અધિકારીઓ પણ બેઠા હતા. જે ભૂતકાળમાં ઇન્સ્પેક્ટર રહી ચૂક્યા છે તેમને પણ મેં કહ્યું હતું કે, આમાં તમારા પણ નામ છે અને આ તમારી જવાબદારી છે. કોર્પોરેશને પણ પોલીસ અધિકારીઓને પણ માર્ગદર્શન આપવાનું હોય છે કે તેઓની પાસે બંદોબસ્ત માંગવામાં આવે ત્યારે બંદોબસ્ત આપવો જોઈએ. શહેરમાં એક વખત રોડ ઉપરથી દબાણ હટી જાય પછી ટ્રાફિક પોલીસ કે પોલીસની જવાબદારી રહેશે તેઓ માર્ગદર્શનમાં લખ્યું છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરને આ સર્ક્યુલરની કોપી આપી અને અમલ કરાવવા માટે જણાવ્યું છે. ગેરકાયદેસર દબાણોને દૂર કરવા જોઈએ
અમિત શાહે શહેરના જમાલપુર વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં 900 ચોરસ ફૂટમાં ગેરકાયદેસર બંગલો બાંધી અને ત્યાં BMW ગાડી મુકેલી છે. જેના ફોટા પણ મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલા છે ત્યારે આવા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા જોઈએ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં જ્યાં પણ ગેરકાયદેસર બાંધકામ અને દબાણો થયા હોય તેના કેસ ચાલતા હોય તો તેને ઝડપથી ચલાવવા જોઈએ એવી પણ રજૂઆત કરી હતી.