ભગવતીપરા મેઇન રોડ પર રહેતા મનીષભાઈ જેન્તીભાઇ ભટ્ટી નામના 45 વર્ષના પ્રૌઢ બપોરના 2 વાગ્યાના અરસામા ભગવતીપરા મેઇન રોડ પર આવેલી પોતાની ઓમ સાંઈ સ્લુન નામની દુકાનમા હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પ્રૌઢને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા હતા જ્યાં પ્રૌઢની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રોઢે હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમીક પુછપરછમા મનીષભાઇ ભટ્ટીના મિત્ર સંજય જોષી અને તેના ભાઈ સુરેશ જોષીને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા મનીષભાઈ ભટ્ટીએ બીપીનભાઈ મઠીયા અને રવિભાઈ મઠીયાના ફાઈનાન્સમાથી 40 લાખ લીધા હતા અને પોતાના નામે લોન લઇ મિત્ર સંજય જોષીને રૂપિયા 30 લાખ અને સુરેશભાઈ જોષીને રૂપિયા 70 લાખ આપ્યા હતા. જે રૂપિયા મિત્રએ પરત નહી આપી છેતરપીંડી આચરતા મનીષભાઈ ભટ્ટીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનો મનીષભાઇ ભટ્ટીના પુત્રએ આક્ષેપ કર્યો છે. આ અંગે બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકર નગરમાં રહેતાં અનિલ પરસોત્તમભાઈ ચૌહાણ (ઉ.વ.30) અને મૌલિક મનોજભાઈ રાઠોડ (ઉ.વ.20) બંને યુવકે ગઈકાલ રાત્રિના 10 વાગ્યાં આસપાસ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંને યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા. ફીનાઇલ પી લેનાર અનીલ ચૌહાણના ફઇના દિકરા અભિને આંબેડકરનગરમા પાન ફાકીની દુકાન છે. અજાણ્યા શખ્સોએ અભિની દુકાનમાથી રૂપીયા 140ના માલની ઉધાર ખરીદી કરી હતી. જે રૂપીયાની ચુકવણી નહી કરતા અનીલ ચૌહાણ અને મૌલીક રાઠોડ માલવીયાનગર પોલીસમા ફરીયાદ નોંધાવવા પહોંચ્યા હતા પરંતુ, પોલીસે ફરીયાદ નહીં નોંધ્યાના આક્ષેપ સાથે ફીનાઇલ પી લીધુ હોવાનુ સામે આવ્યું હતું. આ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેર પીસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, નવા 150 ફુટ રીંગરોડ પર માલીયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા રોડ પર આવેલ કનૈયા ટી સ્ટોલ નામની હોટલ પાસે ખુલ્લા પાર્કીંગમાં એક અશોક લેલેન્ડ ટ્રક નં.જીજે.10.ડબલ્યુ.6233 ઉભેલ છે. જેમા એક શખ્સ હાજર છે અને તે ટ્રકમાં ઇંગ્લીશ દારૂ ભરેલ છે. ચોકકસ બાતમી આધારે દરોડો પાડી ટ્રક પાસે જઇ ટ્રકના કેબીનમા જોતા ડ્રાઇવર સીટ પર શખ્સનું નામ પૂછતાં સતીષ નાથા જાટીયા (ઉ.વ.32) હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં પાછળના ભાગે તપાસ કરતાં ઉપર તાલપત્રી બાંધેલ હોય જેથી તાલપત્રી હટાવી જોતા ટ્રકમા પાછળના ભાગે પ્લાસ્ટીકના કાળા કલરના થેલામાં દારૂની પેટીઓ ભરેલ હતી. સ્ટાફે ટ્રકમાં રહેલ દારૂની પેટીઓ બહાર કાઢી દારૂની બોટલ ગણતાં અલગ અલગ બ્રાન્ડની કુલ 576 દારૂની બોટલ મળી આવતાં કુલ રૂ.2.74 લાખનો દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.8.79 લાખનો મુદામાલ કબ્જે કરી દારૂ લાવનાર સતીષ જાટીયાની ધરપકડ કરી દારૂ ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે પૂછતાછ હાથ ધરી છે. રાજકોટના આજીડેમ ચોક નજીક માંડાડુંગર વિસ્તારમા આવેલી શ્યામકિરણ સોસાયટીમા રહેતા મીહીર મનોજભાઇ વાળા નામનો 20 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે રાત્રીના 10.30 વાગ્યાના અરસામા એસીડ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યો હતો. પ્રાથમીક પુછપરછમા મીહીર વાળા તેને ગમતી યુવતી સાથે લગ્ન કરવા હતા પરંતુ યુવતીએ લગ્ન કરવાની ના પાડતા ધરાર પ્રેમીએ એસીડ પી લીધુ હોવાનુ સામે આવ્યું છે.