રાજકોટ જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક ઈન્ચાર્જ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.કલેકટર કચેરી ખાતે મળી હતી. આ બેઠકમાં રાજકોટના મેયર નયનાબહેન પેઢડિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબહેન રંગાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો. દર્શિતાબહેન શાહ તેમજ દુર્લભજીભાઈ દેથરિયાએ જનહિતલક્ષી વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. આ મામલે વિવિધ વિભાગ દ્વારા થતી કામગીરી તેમજ આગામી સમયમાં થનારી કામગીરીની વિગતો રજૂ કરાઈ હતી. સમિતિ અધ્યક્ષ દ્વારા આ રજૂઆતો સંદર્ભે યોગ્ય કામગીરી ઝડપથી કરવા સુચના આપવામાં આવી હતી. પદાધિકારીઓ દ્વારા અનાજ વિતરણ વ્યવસ્થા, નવા વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાનો શરૂ કરવાની સંભાવના, લાભાર્થીઓને આવાસની ફાળવણીની પ્રક્રિયા ઝડપથી કરવા સહિતના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ દરેક વિભાગના અધિકારીઓને આગોતરા આયોજન સાથે કામગીરી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો. કલેક્ટર કચેરીએ નાગરિક પુરવઠા અને સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે જિલ્લા નાગરિક પુરવઠા અને સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં રાજકોટ શહેર જિલ્લામાં રેશનકાર્ડ ઈ-કેવાયસીના રજિસ્ટ્રેશનની વિગતો કરવામાં આવી હતી. તેની સાથોસાથ જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા અનાજ વિતરણની વિગતો તેમજ વિભાગની વિવિધ કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં ’વન નેશન વન રેશન’ કાર્ડ યોજના હેઠળ વર્ષ 2024માં નવેમ્બર માસ સુધીમાં 23,729 લાભાર્થીઓએ લાભ લીધો છે. રાજકોટ જિલ્લામાં હાલ 713 વ્યાજબી ભાવની દુકાનો છે. અને 3,26,135 રેશનકાર્ડ નોંધાયેલા છે. જેમાં 13,29,460 જન સંખ્યાનો સમાવેશ થાય છે. મનપાનાં વેરા વિભાગ દ્વારા વધુ 16 બાકીદારોની મિલકત સીલ કરાઈ
રાજકોટ મનપાની વેરા વસુલાત શાખા દ્વારા મિલકત વેરાનો ટાર્ગેટ પૂરો કરવા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં વોર્ડ નં.1માં 150 ફુટ રોડ પર આવેલ ધ સ્પાયર બિલ્ડીંગમાં પાંચમા માળે 1, દેવીકૃપા કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર પર બે દુકાનને સીલ મારવામાં આવ્યા હતા. વોર્ડ નં.રમાં ચૌધરી હાઇસ્કુલ પાસે ઉમેશ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં એક દુકાન, જામનગર રોડ પર એક યુનિટ, રૈયા રોડ પર શૈલજા સંકુલ કોમ્પ્લેક્ષમાં એક દુકાન, મુરલીધર પ્લોટ-4ના ખુણે એક મિલ્કત સીલ કરાઇ હતી. વોર્ડ નં.10માં કાલાવડ રોડના જલારામ જયોત એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફલોરની બે અને પ્રથમ માળની એક દુકાન, ચિત્રકુટ ધામ, ઘનશ્યામનગર મેઇન રોડ પર નવકાર એપાર્ટમેન્ટમાં બે દુકાન સીલ કરાઇ હતી. આ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં મળીને 16 બાકીદારોની મિલ્કતો સીલ કરવામાં આવી છે. તો એક નળ જોડાણ કાપવા સાથે રૂ. 41 લાખથી વધુની રીકવરી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિ.ના બોર્ડ ઓફ ડિરેક્ટરર્સની સાત બેઠકોની ચૂંટણી જાહેર
રાજકોટ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટરર્સની સાત બેઠકોની ચૂંટણી કાર્યક્રમ, ઉક્ત સંઘના ચૂંટણી સત્તાધિકારી તથા રાજકોટ શહેર સ્ટેમ્પ ડ્યૂટીના નાયબ કલેક્ટર ડી.વી. વાળા દ્વારા કરવામાં આવ્યો છે. ડી.વી. વાળાએ જારી કરેલા હુકમ મુજબ, માલ રૂપાંતર મંડળીઓના મતદાર વિભાગની એક બેઠકની ચૂંટણી યોજાશે. જ્યારે ખેતી વિષયક અને સેવા સહકારી મંડળીના મતદાર વિભાગની 6 બેઠકની ચૂંટણી યોજાશે. જેમાં વિભાગ-1માં ગોંડલ, કોટડા સાંગાણી, લોધિકા તાલુકાની સહકારી મંડળીઓની એક બેઠક, વિભાગ-2માં જસદણ, વિંછિયા, રાજકોટની એક બેઠક, વિભાગ-3માં જેતપુર, જામ કંડોરણાની એક બેઠક, વિભાગ-4માં ધોરાજી, ઉપલેટાની એક બેઠક, વિભાગ-૫માં મોરબી, ટંકારા તાલુકાની એક બેઠક, વિભાગ-૬માં વાંકાનેર, પડધરી, માળિયા તાલુકાની એક બેઠકનો સમાવેશ થાય છે. આમ કુલ 7 બેઠકોની ચૂંટણી થશે. આ ચૂંટણી માટે 10થી 15મી ફેબ્રુઆરી દરમિયાન, સવારે 11થી 15 કલાક સુધીમાં દક્ષિણ મામલતદાર કચેરી ખાતેથી ઉમેદવારી પત્રો મેળવી શકાશે તથા રજૂ કરી શકાશે. આ જ દિવસોમાં રોજ બપોરે 15 કલાક પછી મળેલા ઉમેદવારીપત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે. 17ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. માન્ય ઉમેદવારી પત્રોની યાદી ૧૮મી ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ થશે. 19 તથા 20 ફેબ્રુઆરી દરમિયાન ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. 21મી ફેબ્રુ.એ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિદ્ધ કરાશે. મતદાન જરૂરી હોય તો, 3 માર્ચના રોજ સવારે 9થી બપોરે 13 કલાક સુધીમાં રાજકોટ દક્ષિણ મામલતદારની કચેરી ખાતે થશે. મતગણતરીની કાર્યવાહી 3 માર્ચના રોજ બપોરે 15 કલાકથી શરૂ થશે. આ મતગણતરી પૂર્ણ થયા બાદ તુરંત મતદાનનું પરિણામ જાહેર કરાશે.