ગાંધીનગર રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસની ઉજવણી એક અનોખી રીતે કરવામાં આવી હતી. જનકલ્યાણના ભાવ સાથે રાજભવનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 752 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે ફોન દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન જઈને વ્યક્તિગત રીતે શુભેચ્છાઓ આપી અને રક્તદાન કેમ્પની મુલાકાત લઈ રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલે લેડી ગવર્નર દર્શનાદેવી અને પરિવારજનો સાથે રાજભવન પરિસરની યજ્ઞશાળામાં હવન કરીને દિવસની શરૂઆત કરી હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, મુખ્ય સચિવ રાજકુમાર સહિત અનેક સામાજિક, સ્વૈચ્છિક અને રાજકીય આગેવાનોએ રાજભવન જઈને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજભવન પરિવાર દ્વારા વિશેષ શુભેચ્છા સમારોહનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્માએ રચેલ ‘શુભ-વંદના ષટ્કમ્’નું પઠન કરી તમામ કર્મચારીઓ અને અધિકારીઓ વતી રાજ્યપાલને અર્પણ કરવામાં આવ્યું હતું.